અમદાવાદઃ તિરંગા યાત્રામાં ભાજપ ધારાસભ્ય જામીન પર છુટેલા અસામાજિક તત્વ સાથે જોવા મળ્યા

અમદાવાદઃ ઓપરેશન સિંદૂરને લઈ દેશભરમાં ભાજપ દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે. જે અંતર્ગત અમદાવાદના બાપુનગર વિસ્તારમાં પણ ભાજપે આ યાત્રા કાઢી હતી. જેમાં સ્થાનિક ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહા જામીન પર છુટેલા અસામાજિક તત્વ અલ્તાફ બાસી સાથે જોવા મળ્યા હતા. આ વાત સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બની હતી. અમદાવાદ પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલી અસામાજિક તત્વોની યાદીમાં અલ્તાફખાન ઉર્ફે અલ્તાફ બાસીનું પણ નામ હતું અને હાલમાં તે જામીન પર છૂટ્યો છે.
અલ્તાફ બાસીને ભાજપના ધારાસભ્યએ તિરંગાયાત્રામાં તેમની સાથે પહેલી હરોળમાં ઉભો રાખ્યો હતો. અલ્તાફ બાસી સામે રખિયાલમાં જમીન પચાવવાનો કેસ ચાલે છે અને તાજેતરમાં જ જામીન પર છૂટ્યો છે. તંત્ર દ્વારા એકબાજુ અસામાજિક તત્વોના મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે અને કડક કામગીરી કરવામાં આવી રહી છે તેવા સમયે ભાજપના ધારાસભ્યએ અલ્તાફ બાસી જેવા અસામાજિક તત્વને તેમની સાથે રાખતા વિવાદ શરૂ થયો છે. શુક્રવારે સાંજે મંછાની મસ્જિદથી બાપુનગર ચાર સુધી સ્થાનિક ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહની આગેવાનીમાં તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સમયે આ ઘટના બની હતી.
આપણ વાંચો: નર્મદામાં નશામાં ધૂત પીએસઆઇએ સર્જ્યો અકસ્માત: સસ્પેન્ડ કરાયા, જૂઓ Video…
દિનેશસિંહ કુશવાહાએ ગુજરાત વિધાનસભાની 2022માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપની ટિકિટ પરથી બાપુનગર વિધાનસભા સીટ જીતી હતી.