ટોપ ન્યૂઝનેશનલ

9/11 મેમોરિયલ બહાર શશિ થરુરે કહ્યું- ‘અમેરિકાએ સહન કર્યું, અમે પણ સહન કરી રહ્યા છીએ’

ન્યૂ યોર્કઃ ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને વિદેશમાં ભારત વિશે ફેલાવતાં જુઠ્ઠાણાનો પર્દાફાશ કરવા સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળ વિવિધ દેશોના પ્રવાસે છે. કોંગ્રેસ સાંસદ શશિ થરૂર અમરેકિા ગયા છે, જ્યાં તેમણે સંદેશ આપ્યો કે ભારત પર હુમલો કરનારા સામે અમે ચૂપ નહીં બેસીએ. તેમણે વૈશ્વિક સમુદાયને આતંકવાદ સામે લડવા એકજૂથ થવાની અપીલ કરી હતી.

આતંકવાદ સામે ભારતની નીતિ વિશ્વ સાથે શેર કરવાના ઉદ્દેશથી અમેરિકા પહોંચેલા ભારતીય પ્રતિનિધિ મંડળે 9/11 હુમલામાં જીવ ગુમાવનારા લોકોના મેમોરિયલ પર પહોંચીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરી રહેલા શશિ થરૂરે કહ્યું, 9/11ની આ યાત્રા એક ગંભીર સ્મરણ છે. જે રીતે અમેરિકા આતંકવાદનું શિકાર બન્યું હતું તે રીતે ભારત પણ વારંવાર શિકાર બની રહ્યું છે. અમે અહીંયા એકજૂથતાની ભાવના સાથે આવ્યા છીએ અને આ એક મિશન છે તેમ પણ કહીએ છીએ.

આ ઉપરાંત શશિ થરૂરે કહ્યું, જે રીતે અમેરિકાએ 9/11 બાદ સાહસ અને સંકલ્પ બતાવ્યો હતો, તેવી જ રીતે ભારતે પણ 22 એપ્રિલે થયેલા પહલગામ હુમલા બાદ આતંકવાદ સામે કાર્યવાહી કરી હતી. અમને આશા છે કે આ હુમલાના દોષિતો અને તેમને ટ્રેનિંગ, ફંડ અને હથિયાર આપનારા લોકોએ પદાર્થ પાઠ લીધો હશે પરંતુ અમે સ્પષ્ટ કરવા માગીએ છીએ કે જો તેઓ આંખ ઉંચી કરશે તો અમે ચૂપ નહીં બેસીએ.

આ ડેલિગેશનમાં શશિ થરૂર ઉપરાંત, ભાજપના શશાંક મણિ ત્રિપાઠી, ભુવનેશ્વર કલિતા અને તેજસ્વી સૂર્યાની સાથે-સાથે એલજેપી (રામવિલાસ) ના શાંભવી ચૌધરી, ટીડીપીના જીએમ હરીશ બાલયોગી, શિવસેનાના મિલિંદ દેવડા, જેએમએમના સરફરાઝ અહેમદ અને અમેરિકામાં પૂર્વ રાજદૂત તરનજીત સિંહ સંધુ પણ છે.

આ પણ વાંચો…એક મંચ પર પીએમ મોદી અને થરુરનો વીડિયો વાઇરલ, વિપક્ષો હરકતમાં?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button