સતત ત્રીજા દિવસે પ્લે-ઑફની ટીમને ઊતરતા ક્રમની ટીમે હરાવી…
પંજાબનો દિલ્હી સામે છ વિકેટથી રોમાંચક પરાજય

જયપુરઃ દિલ્હી કૅપિટલ્સ (DC)ની ટીમ આઇપીએલની 2025ની સીઝનના પ્લે-ઑફની બહાર થઈ ગઈ છે, પરંતુ શનિવારે રાત્રે ફાફ ડુ પ્લેસીના સુકાનમાં આ ટીમે ઑલરાઉન્ડ પર્ફોર્મન્સથી પંજાબ કિંગ્સને (ત્રણ બૉલ બાકી રાખીને) છ વિકેટના માર્જિનથી હરાવીને રહીસહી આબરૂ સાચવી રાખી હતી. પંજાબ (PBKS)નું ટૉપ-ટૂના સ્થાનમાં જવાનું સપનું તૂટી રહ્યું છે.
પ્લે-ઑફ (PLAY OFF)માં પહોંચી ગયેલી ટીમનો પૉઇન્ટ્સ-ટેબલની ઊતરતા ક્રમની ટીમ સામે પરાજય થયો હોય એવું સતત ત્રીજા દિવસે બન્યું. શુક્રવારે હૈદરાબાદે બેંગલૂરુને 42 રનથી અને ગુરુવારે લખનઊએ ગુજરાતને 33 રનથી હરાવ્યું હતું.
ગુજરાત, બેંગલૂરુ અને પંજાબ ઉપરાંત મુંબઈની ટીમ પ્લે-ઑફમાં પહોંચી ગઈ છે. પ્રથમ પ્લે-ઑફ મૅચ (ક્વૉલિફાયર-વન) ગુરુવાર, 29મી મેએ મુલ્લાંપુરમાં રમાશે. શનિવારે દિલ્હીએ સમીર રિઝવી (58 અણનમ, પચીસ બૉલ, પાંચ સિક્સર, ત્રણ ફોર) અને કરુણ નાયર (44 રન, 27 બૉલ, બે સિક્સર, પાંચ ફોર) તેમ જ અફઘાનિસ્તાનના નવા ખેલાડી સેદિકુલ્લા અટલ (બાવીસ રન, 16 બૉલ, બે સિક્સર)ના યોગદાનોની મદદથી 207 રનનો પડકારરૂપ લક્ષ્યાંક 19.3 ઓવરમાં 208/4ના સ્કોર સાથે મેળવી લીધો હતો. ઓપનર કેએલ રાહુલે 35 રન તથા કૅપ્ટન ડુ પ્લેસીએ 23 રન અને ટ્રિસ્ટેન સ્ટબ્સે અણનમ 18 રન બનાવ્યા હતા. પંજાબ વતી હરપ્રીત બ્રારે સૌથી વધુ બે વિકેટ લીધી હતી.
એ પહેલાં,પંજાબે બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં આઠ વિકેટે 206 રન બનાવ્યા હતા. શરૂઆતની બે સાધારણ ભાગીદારી બાદ કૅપ્ટન શ્રેયસ ઐયરે (53 રન, 34 બૉલ, બે સિક્સર, પાંચ ફોર) ટીમને થોડી સ્થિરતા આપી હતી અને પછી છેલ્લી ક્ષણોમાં માર્કસ સ્ટોઇનિસે (44 અણનમ, 16 બૉલ, ચાર સિક્સર, ત્રણ ફોર) હાર્ડ હિટિંગથી ટીમનો સ્કોર 200 પાર કરાવ્યો હતો.
ઓપનર પ્રિયાંશ આર્ય ફક્ત છ રન કરીને આઉટ થઈ ગયો હતો, પણ સાથી ઓપનર પ્રભસિમરન સિંહ (28 રન, 18 બૉલ, એક સિક્સર, ચાર ફોર) અને વિકેટકીપર જૉશ ઇંગ્લિસ (32 રન, 12 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર) ટીમને સાધારણ યોગદાન આપી શક્યા હતા. શ્રેયસે 18મી ઓવરમાં વિકેટ ગુમાવી ત્યાં સુધીમાં ટીમનો સ્કોર પોણાબસો નજીક પહોંચાડી દીધો હતો અને પછી (સ્કોર 200-પાર કરાવવાનું) બાકીનું કામ સ્ટોઇનિસે પૂરું કર્યું હતું. બીજા બે ભરોસાપાત્ર બૅટ્સમેન નેહલ વઢેરા અને શશાંક સિંહ અનુક્રમે 16 રન અને 11 રનનો ફાળો આપી શક્યા હતા.
દિલ્હી વતી બાંગ્લાદેશી પેસ બોલર મુસ્તફિઝુર રહમાને સૌથી વધુ ત્રણ વિકેટ તેમ જ વિપ્રજ નિગમ અને કુલદીપ યાદવે બે-બે વિકેટ લીધી હતી.
રવિવારે કઈ બે મૅચ
ગુજરાત વિરુદ્ધ ચેન્નઈ
અમદાવાદ, બપોરે 3.30
કોલકાતા વિરુદ્ધ હૈદરાબાદ
નવી દિલ્હી, સાંજે 7.30