ઇન્ટરનેશનલ

કતારમાંથી આવ્યા મોટા ન્યૂઝઃ આઠ ભારતીયને ફરમાવી આ સજા

અરબ દેશ કતારમાં આઠ ભારતીયોને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આ તમામ ભારતીયો પર જાસૂસીનો આરોપ છે. આ તમામ ભારતીય નૌકાદળના પૂર્વ અધિકારીઓ છે જેમની ગત વર્ષે 2022ના સપ્ટેમ્બરમાં જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. ભારતીય વિદેશ મંત્રાલયે આ મામલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

વિદેશ મંત્રાલયે એક પ્રેસ રિલીઝ જાહેર કરી જણાવ્યું હતું કે, “અમે પરિવારના સભ્યો અને કાયદાકીય ટીમના સંપર્કમાં છીએ અને વિકલ્પો શોધી રહ્યા છીએ. કતારના અધિકારીઓ સામે આ મુદ્દો ઉઠાવીશું. અમે તેમને કોન્સ્યુલર અને લીગલ સહાય આપતા રહીશું. અમે આ કેસને અતિ મહત્વનો ગણી તેના પર સતત નજર રાખી રહ્યા છીએ.” તેમ વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું.

ધરપકડ કરાયેલા તમામ અધિકારીઓ ભારતીય નૌકાદળના યુદ્ધજહાજોમાં પોતાની ફરજ બજાવી ચુક્યા છે. તેઓ ‘અલ-દહરા ગ્લોબલ ટેકનોલોજી એન્ડ કન્સલ્ટન્સી સર્વિસીસ’ નામની કંપનીમાં કામ કરી રહ્યા હતા. આ એક પ્રાઇવેટ સંસ્થા છે જે કતારના નૌકાદળના જવાનોને ટ્રેનિંગ સર્વિસ સહિતની સવલતો પૂરી પાડે છે. આ કંપની કતારની સેના તેમજ સરકારી એજન્સીઓ સાથે ભાગીદારીમાં કામ કરે છે.

જે અધિકારીઓની ધરપકડ થઇ છે તેમના નામ છે કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર અમિત નાગપાલ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કમાન્ડર સુગુનાકર પાકલા, કમાન્ડર સંજીવ ગુપ્તા અને સેલર રાગેશ. આ તમામની જાસૂસીના આરોપમાં પૂછપરછ કરવા માટે તેમના સ્થાનિક નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. એ પછી તેમને જેલમાં બંધ કરી દેવામાં આવ્યા. લગભગ એક વર્ષથી તેઓ કતારની જેલમાં બંધ છે. એક રિપોર્ટ અનુસાર આ તમામ 8 ભારતીયોની જામીન અરજી ઘણી વખત કતારની કોર્ટે ફગાવી દીધી હતી. ગુરુવારે યોજાયેલી કોર્ટ કાર્યવાહીમાં કતારની કોર્ટે 8 ભારતીયોને ફાંસીની સજા સંભળાવી હતી.

કમાન્ડર પૂર્ણેન્દુ તિવારીએ ભારતીય નૌકાદળના એક બાહોશ અધિકારી છે જેમને રાષ્ટ્રપતિ પુરસ્કાર પણ મળેલો છે. તેમને વર્ષ 2019માં તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રવાસી ભારતીય પુરસ્કાર વડે સન્માનિત કર્યા હતા. તેઓ ભારતના અનેક યુદ્ધજહાજો પર કામગીરી કરી ચુક્યા છે.

સત્તાવાર ભારતીય સૂત્રોને ટાંકીને સમાચાર એજન્સી ANIએ કહ્યું હતું કે ભારતીય એજન્સીઓ હવે આ મામલાને સંભવિત ઉચ્ચ સ્તરે ઉઠાવશે. પરંતુ કતાર સરકાર આ મુદ્દે કોઈ નમતુ જોખવા તૈયાર નથી. સૂત્રોએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે આ પૂર્વ અધિકારીઓને પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓએ ફસાવ્યા હોય તેવી પણ આશંકા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…