અમદાવાદ

સૌરાષ્ટ્રના દરિયાકાંઠે કરંટ જોવા મળ્યો; જાફરાબાદ-માંગરોળ બંદર પર 1 નંબરનું સિગ્નલ

અમદાવાદ: અરબ સાગરમાં સર્જાયેલી સિસ્ટમના પગલે સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ અને 50 થી 60 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. આ આગાહીના પગલે અમરેલીના જાફરાબાદ અને જૂનાગઢના માંગરોળ બંદરના દરિયામાં કરંટ જોવા મળ્યો હતો, જેના કારણે માછીમારોને સાવચેત કરવા માટે બંદરો પર 1 નંબરનું સિગ્નલ ચડાવી દેવામાં આવ્યું હતું.

સૌરાષ્ટ્રના દરિયાકિનારે કરંટ

ડિપ્રેશનના કારણે દરિયામાં ભારે પવન સાથે વરસાદ પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેની અસરના ભાગરૂપે સૌરાષ્ટ્રના દરિયાકિનારે કરંટ જોવા મળ્યો હતો. આ માટે જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું હતું, જ્યારે ગીર-સોમનાથના વેરાવળના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્ર ઉપરાંત સુરતના દરિયામાં પણ ત્રણ ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

ફિશિંગ બોટોને પરત બોલાવી લેવાનો નિર્ણય

રાજ્યમાં ચક્રવાતના સંકટ વચ્ચે ગીર-સોમનાથ જિલ્લામાં તમામ ફિશિંગ બોટોને પરત બોલાવી લેવાનો નિર્ણય લેવાયો હતો. વેરાવળ ફિશરીઝ વિભાગ દ્વારા બોટોને પરત બોલાવવા કવાયત હાથ ધરવામાં આવી છે, જિલ્લામાં કુલ 7500 પૈકી હજુ 504 જેટલી ફિશિંગ બોટો દરિયામાં હોવાની વિગતો મળી છે. જોકે, ઓનલાઈન સિસ્ટમમાં સર્વર ડાઉન હોવાના કારણે બોટોની પરત એન્ટ્રી કરવામાં મુશ્કેલી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં ગત 17 મેથી માછીમારી પર પ્રતિબંધ મુકવામાં આવેલો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button