સ્પોર્ટસ

અમે ગયા વર્ષે જ ગિલને કૅપ્ટન બનાવવા વિચારી લીધેલુંઃ અજિત આગરકર

ચીફ સિલેક્ટરે પંતને વાઇસ કૅપ્ટન બનાવવા પાછળનું અને સુદર્શન, અર્શદીપ, કરુણ નાયરને સિલેક્ટ કરવાનું કારણ બતાવ્યું

મુંબઈઃ ભારતીય ટેસ્ટ ટીમ (TEST TEAM)પરિવર્તન કાળમાંથી પસાર થઈ રહી છે અને ખાસ કરીને રોહિત શર્મા તથા વિરાટ કોહલીની ટેસ્ટમાંથી નિવૃત્તિ પછી સિનારિયો ઘણો બદલાઈ ગયો છે અને એમાં શુભમન ગિલ (SHUBHMAN GILL) પર દેશના 37મા ટેસ્ટ કૅપ્ટન (CAPTAIN) તરીકે કળશ ઢોળાયો છે એ જોતાં તેને નેતૃત્વની જવાબદારી સોંપવાનું ક્યારે નક્કી થયું એ મુદ્દો હાલમાં ચર્ચામાં છે. ચીફ સિલેક્ટર અજિત આગરકરે (AJIT AGARKAR) શનિવારે અહીં પત્રકારોને કહ્યું હતું કે ` અમે ગયા વર્ષે જ ગિલને સુકાની બનાવવા વિચારી લીધું હતું.’

20મી જૂનથી ઇંગ્લૅન્ડમાં રમાનારી પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝ માટેની ટીમના વાઇસ-કૅપ્ટન તરીકે વિકેટકીપર રિષભ પંતની નિયુક્તિ કરવામાં આવી છે. આગરકરે પત્રકારોને ગિલના મુદ્દે કહ્યું હતું કે ` ટેસ્ટ ટીમની આગેવાની માટે ગયા વર્ષથી જ ગિલ અમારા ધ્યાનમાં હતો. અમને આશા છે કે તે ટેસ્ટ ટીમને ઘણી આગળ લઈ જશે. તેને સોંપવામાં આવેલી જવાબદારી ખૂબ માનસિક દબાણવાળી કહેવાય, પરંતુ ગિલ અસાધારણ ખેલાડી છે અને અમને તેના નેતૃત્વ પર ભરોસો છે. આ નવી જવાબદારી માટે અમારી તેને હાર્દિક શુભેચ્છા છે.’

આ પણ વાંચો: ભારતની ટેસ્ટ ટીમ આ `ભારતીય ટીમ’ સામે રમશે મૅચ, બન્નેનો કોચ ગૌતમ ગંભીર!

જસપ્રીત બુમરાહ ફિટનેસ તથા વર્કલૉડ મૅનેજમેન્ટના કારણસર ઇંગ્લૅન્ડમાં પૂરી પાંચ ટેસ્ટ રમવા નહોતો માગતો એટલે તેને કૅપ્ટન તરીકે પસંદ કરવાનું સિલેક્ટરોએ માંડી વાળ્યું હોવાનું મનાય છે. ગિલે ખાસ કરીને સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, ન્યૂ ઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા સામે સારું પર્ફોર્મ કર્યું છે.

આગરકરે ટીમની જાહેરાત બાદ પંત વિશે કહ્યું, ` છેલ્લા ચાર-પાંચ વર્ષમાં પંત ટેસ્ટ ક્રિકેટમાં ભારતના શ્રેષ્ઠ બૅટ્સમેનોમાં ગણાતો થયો છે. વિકેટકીપર પોતાના દૃષ્ટિકોણથી આખી ગેમને બહુ સારી રીતે પારખી લેતો હોય છે અને એટલે જ અમે પંતને ગિલનો ડેપ્યૂટી બનાવ્યો છે. તેનો અનુભવ ગિલને ઘણો કામ લાગશે.’

ટૉપ-ઑર્ડરના બૅટ્સમૅન અને આઇપીએલની વર્તમાન સીઝનમાં (શનિવાર સાંજ સુધીમાં) સૌથી વધુ 636 રન બનાવીને ઑરેન્જ કૅપ મેળવનાર સાઇ સુદર્શનને ટેસ્ટ ટીમમાં સિલેક્ટ કરવા વિશે અજિત આગરકરે કહ્યું, ` સુદર્શનને અમે માત્ર આઇપીએલના પર્ફોર્મન્સને આધારે નથી લીધો. ટેસ્ટ ક્રિકેટ માટે તેની માનસિકતા અમને ખૂબ સચોટ લાગી અને અમને એવું પણ લાગ્યું કે ટોચના સ્તરે સફળ થવા માટેની પૂરી કાબેલિયત તેનામાં છે. અમે ઘણા સમયથી તેના પર્ફોર્મન્સ પર નજર રાખતા જ હતા.’

આ પણ વાંચો: ટેસ્ટ ટીમમાંથી બાકાત અને આઇપીએલમાં અનસૉલ્ડ ખેલાડીની અમદાવાદમાં હૅટ-ટ્રિક સદી, સિલેક્ટરોએ હવે તો…

લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને પણ સુદર્શનની જેમ પહેલી વાર ટેસ્ટ રમવાનો મોકો મળી રહ્યો છે. અર્શદીપે ગયા વર્ષે ઇંગ્લિશ કાઉન્ટીમાં કેન્ટ વતી રમીને કુલ 13 વિકેટ લીધી હતી. તેને ઇંગ્લૅન્ડની પિચો પર રમવાનો અનુભવ મળી ગયો છે. ત્યાં 58 રનમાં ત્રણ વિકેટ તેનો બેસ્ટ પર્ફોર્મન્સ હતો. તેણે પંજાબ વતી ચાર-પાંચ દિવસની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની 12 મૅચમાં કુલ 39 વિકેટ લીધી છે. આગરકરે કહ્યું, ` અર્શદીપની બોલિંગ ખૂબ જ સારી છે. તે ઇંગ્લૅન્ડની કાઉન્ટી ક્રિકેટ રમી ચૂક્યો છે. છેલ્લા બે વર્ષમાં અમે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેનો પર્ફોર્મન્સ જોયો છે. આ જ કારણસર અમે તેને ઇંગ્લૅન્ડની ટૂર માટે સિલેક્ટ કર્યો છે.’

33 વર્ષનો કરુણ નાયર ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં વીરેન્દર સેહવાગ પછીનો બીજો ટ્રિપલ સેન્ચુરિયન છે. તેણે 2016માં ચેન્નઈમાં ઇંગ્લૅન્ડ સામે ટ્રિપલ સેન્ચુરી (અણનમ 303) ફટકારી હતી. તે ભારત વતી છેલ્લે 2017માં ટેસ્ટ મૅચ રમ્યો હતો. તે આઠ વર્ષે પાછો ટેસ્ટ ટીમમાં આવ્યો છે. છ ટેસ્ટમાં તેણે કુલ 374 રન કર્યા છે.

ચીફ સિલેક્ટર આગરકરે કરુણ નાયર વિશે કહ્યું, `તેણે છેલ્લા બે-ત્રણ વર્ષમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં પુષ્કળ રન કર્યા છે. તેને ઇંગ્લૅન્ડની કાઉન્ટી ક્રિકેટનો પણ થોડો અનુભવ છે. હવે ટૉપ-ઑર્ડરમાં વિરાટ કોહલી નહીં હોય એટલે તેના સ્થાને અમારે કોઈ અનુભવી બૅટ્સમૅનને લેવો હતો એટલે કરુણને પસંદ કર્યો છે.’

આ પણ વાંચો: બીસીસીઆઇ રોહિત-કોહલીને ટેસ્ટ ટીમમાંથી હટાવી નાખવાના મૂડમાં છે?

કરુણ નાયરે ગ્લેમૉર્ગન સામેની એક કાઉન્ટી મૅચમાં ડબલ સેન્ચુરી ફટકારી હતી. કરુણ નાયરે 2023-’24ની ડોમેસ્ટિક સીઝનમાં 10 મૅચમાં 690 રન કર્યા હતા અને વિદર્ભને ગયા વર્ષે રણજી ચૅમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. 2023-’24ની સીઝનમાં કરુણે 16 મૅચમાં કુલ 863 રન કર્યા હતા જેમાં તેની ચાર સેન્ચુરી સામેલ હતી. એ પહેલાં, તે વિજય હઝારે ટ્રોફીમાં પણ ઘણું સારું રમ્યો હતો જેમાં તેણે માત્ર આઠ ઇનિંગ્સમાં 389.50ની અદ્દભુત સરેરાશે કુલ 779 રન કર્યા હતા.

ગિલ અને પંતની ટેસ્ટ-કરીઅર પર એક નજર…

શુભમન ગિલઃ 32 ટેસ્ટમાં પાંચ સેન્ચુરી અને સાત હાફ સેન્ચુરીની મદદથી કુલ 1,893 રન, ઇંગ્લૅન્ડ સામે 10 ટેસ્ટમાં બે સદીની મદદથી કુલ 592 રન.
રિષભ પંતઃ 43 ટેસ્ટમાં છ સેન્ચુરી અને 15 હાફ સેન્ચુરીની મદદથી કુલ 2,948 રન તેમ જ 149 કૅચ તથા 15 સ્ટમ્પિંગ, ઇંગ્લૅન્ડ સામે 12 ટેસ્ટમાં ત્રણ સદીની મદદથી 781 રન તેમ જ 41 કૅચ તથા પાંચ સ્ટમ્પિંગ.

ભારતની ટેસ્ટ-ટીમઃ

શુભમન ગિલ (કૅપ્ટન), રિષભ પંત (વાઇસ-કૅપ્ટન, વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઇ સુદર્શન, અભિમન્યુ ઈશ્વરન, કરુણ નાયર, નીતીશ કુમાર રેડ્ડી, રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વૉશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, આકાશ દીપ, અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button