અમદાવાદ

ગુજરાતની 5400 પંચાયતો મુદ્દતવિહોણી: કોંગ્રેસના સરકાર પર આકરા પ્રહાર, ‘લોકશાહીના ફાયદાથી વંચિત રાખવાનું પાપ’

અમદાવાદ: ગુજરાતની 5400 જેટલી પંચાયતોની મુદ્દત પૂરી થઈ ગઈ હોવા છતાં રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણીઓ ન કરાવતા કોંગ્રેસે ભાજપ સરકાર અને રાજ્ય ચૂંટણી આયોગ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશને પંચાયતી રાજનું મોડેલ આપનાર ગુજરાતની ભાજપ સરકાર ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને લોકશાહીના ફાયદાથી વંચિત રાખવાનું પાપ કરી રહી છે.

ચૂંટણીઓ ન કરાવવા પાછળ “વન નેશન, વન ઈલેક્શન”નો કાયદો?

કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ આક્ષેપ કર્યો કે, “વન નેશન, વન ઈલેક્શન” એ લોકસભા અને વિધાનસભા માટે કાયદો લાવવાનો છે, જે હજુ બન્યો નથી. આ કાયદાનો પ્રયોગ કરવા માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સ્થગિત કરવામાં આવી છે. પરિણામે, છેલ્લા 3 વર્ષથી ગામડાની પ્રજા સ્થાનિક પ્રતિનિધિ ચૂંટી શકી નથી અને “અધિકાર રાજ” હેઠળ ગામડાઓની પ્રજા પીસાઈ રહી છે. તેમણે દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને મહીસાગર જિલ્લા જેવા વિસ્તારોમાં મનરેગા અને નલ સે જલ જેવા કૌભાંડો થતા હોવાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સરકાર કરાવે છે કે રાજ્ય ચૂંટણી આયોગ?

બંધારણીય જવાબદારીનું હનન?

કોંગ્રેસે ગુજરાત પંચાયત અધિનિયમ 1993/1994ની જોગવાઈઓ ટાંકીને જણાવ્યું કે, કોઈપણ પંચાયતમાં સરપંચ કે સભ્યની ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણીઓ 12 માસ પૂરા થાય તે પહેલાં કરાવવી એ રાજ્ય ચૂંટણી આયોગની બંધારણીય જવાબદારી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે રાજ્ય ચૂંટણી આયોગ લાંબા સમય સુધી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ કોઈ કારણ વગર રોકી શકે નહીં. ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની કલમ 13 અનુસાર, ગ્રામ પંચાયતની મુદ્દત પૂર્ણ થયા પછી તેનું વિસર્જન થાય છે, અને નવી ચૂંટણીઓ યોજવી જરૂરી છે. આ ચૂંટણીઓ મુદ્દત પૂર્ણ થયાના છ મહિનાની અંદર યોજવાની રહે છે.

તેમણે ઉમેર્યું હતું કે, બંધારણમાં મતદારોને સ્થાનિક પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર છે અને આ અધિકારનું હનન ન થાય તે જોવાની જવાબદારી રાજ્ય ચૂંટણી આયોગની છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, “વન નેશન, વન ઇલેક્શન”ની વાતો કરીને ચૂંટણીઓ સ્થગિત કરવાના કાવતરા ચાલી રહ્યા છે, જેને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સાથે કોઈ લેવા દેવા નથી. કોંગ્રેસે માગણી કરી છે કે રાજ્ય ચૂંટણી આયોગ સત્તાવાર રીતે જાહેર કરે કે ક્યા કારણોસર ચૂંટણીઓ કરવામાં આવતી નથી.

આ પણ વાંચો….રત્નકલાકારો માટે સરકારે જાહેર કર્યું પેકેજ, જાણો કોને મળશે લાભ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button