ગાંધીનગર

પીએમ મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન 24 હજાર કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, આ રહી યાદી

વડા પ્રધાન ₹181 કરોડના ખર્ચે નિર્માણ થયેલ પીવાના પાણીની ચાર જેટલી સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાઓનું લોકાર્પણ કરશે

ગાંધીનગર: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી 26 અને 27 મે, 2025 દરમિયાન રોજ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. વડા પ્રધાન દાહોદમાં ખરોડ ખાતે 26 મેના રોજ યોજાનાર કાર્યક્રમમાં રેલવે સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોના ₹24 હજાર કરોડથી વધુ મૂલ્યના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કરવાના છે. ચાલો તેમના કાર્યક્રમની વિગતે ચર્ચા કરીએ…

લોકો મેન્યુફેક્ચરીંગ શોપ-રોલિંગ સ્ટોક વર્કશોપનું લોકાર્પણ

રેલ મંત્રાલય દ્વારા દાહોદમાં ₹21,405 કરોડના ખર્ચે નિર્માણ થયેલ લોકો મેન્યુફેક્ચરીંગ શોપ – રોલિંગ સ્ટોક વર્કશોપનું વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરવાના છે. આ સાથે આણંદ – ગોધરા, મહેસાણા પાલનપુર, રાજકોટ – હડમતીયા રેલ લાઇનના ડબલિંગ કામ,સાબરમતી – બોટાદ 107 કી.મી. રેલ લાઈન ઇલેક્ટ્રિફિકેશન અને કલોલ – કડી – કટોસણ રેલ લાઈન ગેજ પરિવર્તનના કુલ ₹2287 કરોડના કામો સહિત રેલવેના કુલ ₹ 23,692 કરોડના કામોનું લોકાર્પણ પણ કરવામાં આવશે.

વડા પ્રધાન દાહોદમાં 9000 HPનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કરશે, જે દાહોદમાં ‘મેઇક ઇન ઇન્ડિયા’ અભિગમ સાથે 21 હજાર કરોડથી વધુના ખર્ચે રેલ્વે પ્રોડક્શન યુનિટ તૈયાર થયું છે.

આપણ વાંચો: માતાના મઢને મળ્યો આધુનિક ઓપ: PM મોદી ૨૬ મેના રોજ ₹૩૨.૭૧ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે

પાણી પુરવઠાની ચાર યોજનાઓના લોકાર્પણથી 193 ગામોને ફાયદો

વડા પ્રધાન મહીસાગર અને દાહોદ જિલ્લામાં વસતા નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે માટે ₹181 કરોડના પીવાના પાણીની ચાર જેટલી સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાઓનું લોકાર્પણ કરવાના છે.

આ જૂથ પાણી પુરવઠા યોજનાઓ કાર્યરત થતા મહીસાગર અને દાહોદ જિલ્લાના 193 ગામો અને એક શહેરની 4.62 લાખ વસ્તીને 100 એલ.પી.સી.ડી મુજબ શુદ્ધ પીવાનું પાણી મળી રહેશે.

આપણ વાંચો: વિસનગરને વિકાસની ભેટ: મુખ્ય પ્રધાનના હસ્તે 495 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરવામાં આવશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા અંદાજે ₹49 કરોડના ખર્ચે નિર્માણ થયેલ નામનાર સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરશે. આ યોજના હેઠળ મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના 37 ગામો, વીરપુર અને લુણાવાડા તાલુકાના એક-એક ગામ સહિત કુલ 39 ગામોની 1.01 લાખ વસ્તીને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવશે.

આ સાથે ₹70 કરોડના ખર્ચે નિર્માણ થયેલ ખેરોલી સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના 49 અને લુણાવાડા તાલુકાના ત્રણ સહિત કુલ 51 ગામની 1.16 લાખ વસ્તી અને વીરપુર શહેરના 15011 નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડતી યોજનાનું લોકાર્પણ કરવામાં આવશે.

આપણ વાંચો: અમદાવાદ-ગાંધીનગરને અમિત શાહની વિકાસની ભેટ, રૂ. 1593 કરોડના કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત…

ચારણગામ સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરાશે

વડા પ્રધાન ₹33 કરોડના ખર્ચે નિર્માણ થયેલ ચારણગામ સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરશે. આ યોજના હેઠળ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના 44 ગામોની 83 હજારથી વધુ નાગરિકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે.

આ ઉપરાંત ₹29 કરોડના ખર્ચે નિર્માણ થયેલ ગોઠીબ જૂથ પાણી પુરવઠા યોજનાનું પણ વડા પ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ યોજના હેઠળ જૂથ યોજના હેઠળ ન જોડાયેલા 11 ગામો અને કડાણા ભાગ -2 જૂથ યોજનાના 31 ગામો તેમજ ભાણાસીમલ જૂથ યોજનાના 16 ગામોને 100 એલ.પી.સી.ડી મુજબ શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે.

આપણ વાંચો: અમિત શાહે ગાંધીનગરમાં 707 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

કુલ 193 ગામો અને એક શહેરને શુદ્ધ પીવાનું પાણી મળી રહેશે

આ યોજના હેઠળ મહીસાગર જિલ્લાના સંતરામપુર અને દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના 58 ગામોની 1.46 લાખ વસ્તીને આવરી લેવામાં આવી છે. આ ચાર પાણી પુરવઠા યોજનાઓ થકી બાલાસિનોર તાલુકાના 37, વીરપુર તાલુકાના 50,લુણાવાડા તાલુકાના 48,સંતરામપુર અને ફતેપુરા તાલુકાના 58 સહિત કુલ 193 ગામો અને એક શહેરને શુદ્ધ પીવાનું પાણી મળી રહેશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દાહોદ સ્માર્ટ સિટી અંતર્ગત દાહોદમાં નગરપાલિકા ભવન, આદિવાસી મ્યુઝિયમ સહિત જનસુવિધા અને જનસુખાકારીના ₹233 કરોડના વિકાસ કામો જનસમર્પિત કરશે.આ ઉપરાંત પોલીસ હાઉસિંગના ₹53 કરોડના કામોનું લોકાર્પણ કરશે.

આપણ વાંચો: ગુજરાતના દહેગામમાં મેશ્વો-ખારી નદી પર 18 કરોડના ખર્ચે 6 ચેકડેમનું કરાયું લોકાર્પણ

વડોદરા જિલ્લામાં આ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે

વડા પ્રધાન મધ્ય ગુજરાતના વડોદરા જિલ્લામાં સાવલી ટીંબા માર્ગને ચાર માર્ગીય બનાવવા, કાયાવરોહણ – સાધલી માર્ગ,જરોદ – સમલાયા માર્ગને પહોળા કરવા તેમજ પદમલા – રણોલી માર્ગ પર નવા બ્રિજના કુલ ₹581 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવાના છે.

આ સાથે મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં અમૃત 2.0 અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ₹26 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે. છોટાઉદેપુર જિલ્લામાં ₹26 કરોડના ખર્ચે નિર્માણ થનાર ભારેજ બ્રિજ તેમજ ₹73 કરોડના ખર્ચે એલ.સી 65 ખાતે નિર્માણ થનાર રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત પણ કરશે. આ

જે વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે તેની યાદી

પશ્ચિમ રેલવે વિભાગની વાત કરવામાં આવે તો, લોકો મેન્યુફેક્ચરિંગ શોપ – દાહોદ રોલિંગ સ્ટોક વર્કશોપ, આણંદ – ગોધરા રેલ લાઈન ડબલિંગ (78 કિમી), મહેસાણા-પાલનપુર રેલ લાઈન ડબલિંગ (65 કિમી), રાજકોટ – હડમતીયા રેલ લાઈન ડબલિંગ (39 કિમી), સાબરમતી-બોટાદ રેલ લાઈન વીજળીકરણ (106 કિમી), ગુજરાત રાજ્યમાં 100% રેલવે વીજળીકરણ, કલોલ – કડી – કટોસણ રેલ લાઈન બ્રોડગેજ અને વીજળીકરણ (37 કિમી), દાહોદ વર્કશોપમાં નિર્મિત ઈલેક્ટ્રિક લોકોમોટિવનું ફ્લેગ ઓફ, વંદે ભારત એક્સપ્રેસ -અમદાવાદ (સાબરમતી)થી વેરાવળ (સોમનાથ)નો શુભારંમ, વલસાડ-દાહોદ વચ્ચે નવી ટ્રેન સેવાનો શુભારંભ અને કલોલ – કટોસણ વિભાગમાં ફ્રેઈટ ટ્રેનનો શુભારંભ કરાવશે.

પાણી પુરવઠા વિભાગમાં વિકાસકાર્યોની વાત કરીએ તો, ખરોલી ઑગમેન્ટેશન RWSSનું લોકાર્પણ, નામનાર ઑગમેન્ટેશન RWSSનું લોકાર્પણ, ગોઠીબ ઑગમેન્ટેશન RWSSનું લોકાર્પણ અને ચારણગામ ઑગમેન્ટેશન RWSSનું લોકાર્પણ કરવાાં આવશે.

માર્ગ અને મકાન વિભાગમાં, સાવલી-ટિમ્બા રોડ (38 કિ.મી.)નો ચારપટ્ટી માર્ગ, પોર-કાયાવરોડણ-સાધલી રોડ (21.6 કિ.મી.) 7થી 10 મીટર પહોળા કરવાનો પ્રોજેક્ટ, જરોદ-સમલાયા-સાવલી રોડ (17.7 કિ.મી.) 5.5થી 10 મીટર પહોળા કરવાનો પ્રોજેક્ટ, ડભોઈ-બોડેલી રોડ પર ચારપટ્ટી રેલવે ઓવરબ્રિજ (780 મીટર), પડમાલા-રાણોલી રોડ પર પુલ નિર્માણ (254 મીટર) અને બાલાસિનોર AMRUT 2.0 અંતર્ગત પાણી પુરવઠા અને ગટર યોજના (ફેઝ-2)નો સમાવેશ થાય છે.

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની વાત કરવામાં આવે તો, દાહોદ નગરપાલિકા બિલ્ડિંગ, આદિવાસી મ્યુઝિયમ, સ્માર્ટ લાઇબ્રેરી, સ્માર્ટ પ્રાથમિક શાળા, ટ્રક ટર્મિનલ અને ડોરમેટરી, દૂધમતી રિવરફ્રન્ટ, ESR અને GSR પ્રોજેક્ટ, સ્મશાન ગૃહ, માર્ગ સુધારણા, સિવરેજ હાઉસ કનેક્શન ચેમ્બર, સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં ફૂટબોલ ગ્રાઉન્ડ, રનિંગ ટ્રેક, RCC રોડ, ટેનિસ કોર્ટ અને પ્રાણી આશ્રયનો સમાવેશ કરવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button