
સુરતઃ ડાયમંડ નગરી તરીકે ઓળખાતા સુરતમાં હાલ હીરા ઉદ્યોગ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. હીરામાં મંદીના કારણે અનેક રત્નકલાકારોએ જીવન ટૂંકાવ્યું છે. રત્ન કલાકારોના અનેક પ્રશ્નોને ધ્યાને લઈ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે 11 માર્ચે ઑલ ગુજરાત ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં રત્નકલાકારોના હિતમાં નિર્ણય લેવાની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ શનિવારે રાજ્ય સરકારે રત્નકલાકારોના હિત માટે વિવિધ સહાય યોજનાની જાહેરાત કરી હતી.
પેકેજનો કયા રત્નકલાકારોને લાભ મળશે
ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ પ્રધાન મુકેશ પટેલ, રાજ્યના શિક્ષણ પ્રધાન પ્રફૂલ પાનસેરિયાએ સહાય યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ, રાજ્ય સરકાર રત્ન કલાકારના સંતાનની એક વર્ષની શિક્ષણ ફીમાં વધુમાં વધુ 13500 સુધીની રકમ માફ કરશે. સરકાર દ્વારા ડીબીટી મારફતે આ રકમ ટ્રાન્સફર કરવામાં આવશે. આ સિવાય વીજ ડ્યુટીમાં પણ એક વર્ષની રાહત આપવામાં આવશે. તેમજ, 5 લાખની લોન ઉપર 9 ટકાની ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય આપવામાં આવશે. આ રાહતનો લાભ 31 માર્ચ 2024થી કામ ન મળ્યું હોય અને તેમને કારખાનામાંથી છૂટા કરી દેવામાં આવ્યા હોય તેવા જ રત્નકલાકારોને મળશે. આ સિવાય તેમણે રત્નકલાકાર તરીકે સતત 3 વર્ષ સુધી કામ કર્યું હોવું જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 30 અને 31 માર્ચના રોજ સુરતમાં ડાયમંડ વર્કર્સ યુનિયન દ્વારા બે દિવસની હડતાળ પાડવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કારખાનાં બંધ રાખી હીરા વેપારીઓ જોડાયા હતા. હીરા ઉદ્યોગમાં મંદીના કારણે ઘણા રત્નકલાકારો અન્ય કામધંધામાં લાગી ગયા હતા. ડાયમંડ વર્કર્સ યુનિયનના દાવા પ્રમાણે છેલ્લા 16 મહિનામાં 71 રત્નકલાકારોએ જીવન ટૂંકાવ્યું હતું. જેમાં મોટાભાગના લોકોએ આર્થિક સંકડામણથી આ પગલું ભર્યું હતું. રત્નકલાકારોમાં આપઘાતના વધી રહેલા પ્રમાણને લઈ સતત પેકેજ જાહેર કરવાની માંગ ઉઠી હતી.