
નવી દિલ્હીઃ ચોમાસું કેરળ પહોંચી ગયું છે. છેલ્લા 16 વર્ષમાં પ્રથમ વખત ચોમાસાનું નિયમ સમય કરતાં વહેલા આગમન થયું હતું. આ વખતે ચોમાસું 8 દિવસ પહેલાં જ કેરળ પહોંચી ગયું હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. આ પહેલાં 2009માં ચોમાસું 23 મેના રોજ કેરળ પહોંચ્યું હતું.
સામાન્ય રીતે કેરળમાં ચોમાસું 1 જૂને બેસતું હોય છે. જોકે 1918માં 11 મેના રોજ ચોમાસું કેરળ પહોંચ્યું હતું. કેરળમાં ચોમાસું મોડેથી બેસવાનો રેકોર્ડ 1972માં નોંધાયો હતો. આ સમયે કેરળમાં ચોમાસાની શરૂઆત 18 જૂનથી થઈ હતી. છેલ્લા 25 વર્ષમાં ચોમાસાના આગમનમાં વિલંબ 2016માં નોંધાયો હતો, તે વર્ષે 9 જૂને કેરળમાં ચોમાસું બેઠું હતું.
ગયા વર્ષે 30 મેના રોજ ચોમાસું બેઠું હતું. 2023 માં ચોમાસું 8 જૂને, 2022 માં 29 મેના રોજ, 2021 માં 3 જૂને, 2020 માં 1 જૂને, 2019 માં 8 જૂને અને 2018 માં 29 મેના રોજ કેરળ પહોંચ્યું હતું. હવામાન વિભાગે એપ્રિલમાં 2025 ના ચોમાસાની ઋતુમાં સામાન્ય કરતાં વધુ વરસાદનો અંદાજ લગાવ્યો હતો. આમાં અલ નીનોની સ્થિતિની સંભાવનાને નકારી કાઢવામાં આવી હતી. અલ નીનો ભારતીય ઉપખંડમાં સામાન્ય કરતાં ઓછા વરસાદ માટે જવાબદાર હોય છે.
આગામી દિવસોમાં વરસાદની સંભાવના
ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગે શનિવારે કેરળ, દરિયાકાંઠાના-દક્ષિણ આંતરિક કર્ણાટક, કોંકણ અને ગોવામાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ ની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે 29 મે સુધી કેરળ અને દરિયાકાંઠાના કર્ણાટકમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. આ દરમિયાન 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવનો ફૂંકાશે. તમિલનાડુ, તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં પણ આગામી પાંચ દિવસમાં છૂટોછવાયો વરસાદ અને ગાજવીજ સાથે ઝાપટાં પડી શકે છે.
ભારતીય હવામાન વિભાગ મુજબ, રાયગઢ અને રત્નાગિરી જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતાને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે મુંબઈ, પાલઘર, સિંધુદુર્ગની સાથે સાથે પુણે અને સતારામાં ભારે પવન, ગાજવીજ સાથે વરસાદનું ઓરન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.