સ્પોર્ટસ

બુમરાહે બીસીસીઆઈને કહી દીધું છે કે ‘ ઇંગ્લૅન્ડમાં હું…’

મુંબઈ: ટેસ્ટ ક્રિકેટના વર્લ્ડ નંબર-વન બોલર જસપ્રીત બુમરાહે (Jaspreet Bumrah) બીસીસીઆઈ (BCCI)ને એવું કહી દીધું હોવાનું મનાય છે કે ઇંગ્લૅન્ડ ખાતેના આગામી પ્રવાસમાં તે બધી પાંચ ટેસ્ટ નહીં રમે, ફક્ત ત્રણ ટેસ્ટ રમશે. ઇંગ્લૅન્ડમાં ભારતની ટેસ્ટ સિરીઝ 20મી જૂને શરૂ થશે અને એ માટેના કેપ્ટન તથા ટેસ્ટ ટીમની જાહેરાત આજે બપોરે કરવામાં આવશે એવી પાકી સંભાવના છે. ભારતની ટેસ્ટ ટીમના નવા કેપ્ટન તરીકે શુભમન ગિલનું નામ અગ્રેસર છે.

BCCI

બુમરાહે પોતાની ફિટનેસ (FITNESS) તેમ જ વર્ક લૉડ મૅનેજમેન્ટને ધ્યાનમાં રાખીને અજિત આગરકરના અધ્યક્ષસ્થાન હેઠળની સિલેક્શન કમિટીને કહી દીધું હોવાનું મનાય છે કે પોતે માત્ર ત્રણ ટેસ્ટ રમશે. બુમરાહને ત્રણ મહિના પહેલાં ઑસ્ટ્રેલિયાની ટૂર દરમ્યાન સિડની ખાતેની છેલ્લી ટેસ્ટમાં ઈજા થઈ હતી. ભારત એ ટેસ્ટ મૅચ સહિત સિરીઝ 1-3થી હારી ગયું હતું. બુમરાહ એ ટૂર બાદ વન-ડેની ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ નહોતો રમ્યો. તેણે આઈપીએલની શરૂઆતની કેટલીક મૅચો પણ ગુમાવી હતી.

બુમરાહે બીસીસીઆઈને એવું કહ્યું હોવાનું મનાય છે કે હું તમામ પાંચ ટેસ્ટ મૅચ સુધી મારા શરીરને પરિશ્રમ કરાવી શકું એવી સ્થિતિમાં નથી. બુમરાહનો આવો કથિત નિર્ણય જોતાં એવું લાગે છે કે સિલેક્ટરો રોહિત શર્માની નિવૃત્તિ બાદ હવે બુમરાહને કેપ્ટન્સી નહીં સોંપે. બુમરાહ હજી સુધી ટેસ્ટનો વાઇસ કેપ્ટન છે, પરંતુ પીઠના દુખાવા (BACK PAIN)ને લીધે હવે સિલેક્ટરો તેને સુકાનીપદ સોંપવાનું જોખમ નહીં ઉઠાવે એવું કહી શકાય.

આપણ વાંચો : ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર કહે છે, ` ટેસ્ટ-કૅપ્ટન તરીકે ગિલ કરતાં બુમરાહ જ બેસ્ટ’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button