પુત્રવધૂ પાસેથી દહેજની માગણી અને બળદ માટે લાવણીઃ હગવણે પરિવારના કારનામા…

પુણેઃ પુણેના મુળશી ખાતે એનસીપી સાથે જોડાયેલા હગવણે પરિવારની નાની વહુની દહેજ માટે સતામણી અને તેની આત્મહત્યાના કેસમાં એક પછી એક ચોંકવનારી માહિતી બહાર આવી રહી છે. નાની વહુ વૈષ્ણવીને પિયરમાંથી રૂ. 2 કરોડ લાવવા દબાણ કરતો આ પરિવાર પૈસાની કેવી લ્હાણી કરતો તે જાણમાં આવ્યુ છે. એક અહેવાલ પ્રમાણે આ પરિવાર ખાસ તેમના બળદ માટે લાવણી કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને ગૌતમી પાટીલ નામની પ્રખ્યાત લાવણી ડાન્સરનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો.
પરિવારે બળદનો જન્મદિવસ મનાવવા આ આયોજન કર્યું હતું. આ આયોજન પોતાની ધાક જમાવવા અને પૈસા ઉડાડી રોફ જમાવવા કરવામાં આવ્યું હતું. લાવણી સમયે બળદને સામે બેસાડી રાખવામાં આવ્યો હતો અને હગવણે પરિવાર પૈસા ઉડાડતો જોવા મળ્યો હતો. આ કેસમાં પતિ શશાંક, નણંદ કરિશ્મા, સાસુ લતાની પહેલા અટક કરવામાં આવી હતી જ્યારે સસરા જિતેન્દ્ર અને દીયર સુશીલ ફરાર હતા, જેને ગઈકાલે પોલીસે પકડ્યા હતા.
આ કેસમાં એવી માહિતી પણ મળી છે કે સાસરા દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાથી ઘરની મોટી વહુ મયૂરી ઘર છોડી જતી રહી છે. શશાંક અને વૈષ્ણવીના લગ્ન પણ ધામધૂમથી થયા હતા, પરંતુ કોઈને ખ્યાલ ન હતો કે અહીં વહુ સાથે આટલો ક્રુર વ્યવહાર થશે અને દહેજ માટે તેને એટલી હેરાન કરવામાં આવશે કે તે જીવ આપી દેશે. હાલમાં લોકો તેનાં નવ મહિનાના બાળક માટે સંવેદનાઓ વ્યક્ત કરી રહ્યા છે. હાલમાં આ બાળક તેના નાના-નાની પાસે છે. વૈષ્ણવીના માતા-પિતાએ હગવણે પરિવાર સામે મકોકા હેઠળ પગલાં લેવાની માગ કરી છે.
આપણ વાંચો : વૈષ્ણવી આત્મહત્યા કેસ:એનસીપીના ભૂતપૂર્વ નેતા રાજેન્દ્ર હગવણે, પુત્રની ધરપકડ…