વીક એન્ડ

અરાઉન્ડ ધ વર્લ્ડ : કાપ્પાબાશી – ટોક્યોની આકર્ષક વાસણ બજાર…

પ્રતીક્ષા થાનકી

જાપાનમાં ટોક્યો ભ્રમણ દરમ્યાન એક પછી એક દૃશ્ય કોઈ ને કોઈ રીતે કાર્ટૂન કેરેક્ટરો અથવા પારંપરિક જાપાનીઝ આર્ટથી લદાયેલું હતું. જાણે આખો દેશ જ ઇન્સ્ટાગ્રામ એસ્થેટિક્સ માટે બનેલો હોય. એ જ થીમના ભાગ રૂપે જ્યારે અમે કાપ્પાબાશી સ્ટ્રીટ પહોંચ્યાં, ત્યારે સોશિયલ મીડિયા પર મજેદાર લાગે તેવી કટલરી અને ક્રોકરીની દુકાનો શરૂ થઈ ગઈ. હવે કોઈ વાસણ બજારમાં એવું તો શું હોઈ શકે કે તેનું નામ શહેરનાં ખાસ જોવાલાયક સ્થળોમાં આવે, પણ કાપ્પાબાશી સ્ટ્રીટ વિષે એમ કહેવાય છે કે અહીં ટોક્યોની મુલાકાત દરમ્યાન એક આંટો તો મારવો જ પડે. મને તો ત્યાં એટલી મજા પડી છે કે હું ફરી ટોક્યો જઈશ તો પહેલા જ દિવસે આ કાપ્પાબાશી પહોંચી જઈશ. ભવિષ્યના મારા ઘણા પ્લાન્સમાં આ ગલીથી ખરીદેલી ચીજોનો ઉપયોગ છે. એ પ્લાન તો બની ગયા છે, પણ તેમાંની ઘણી ચીજો હજી ખરીદવાની બાકી રહી ગઈ છે.

ઉએનો પાર્કમાં પડેલી તે સવારની સાંજ કાપ્પાબાશીમાં પડી રહી હતી. અત્યાર સુધીમાં કોણ જાણે અમે કેટલા પ્રકારની વાનગીઓ નાની-નાની ક્વોન્ટિટીમાં ગપચાવી ચૂક્યાં હતાં. છતાંય ત્યાં પ્લેટો અને ચમચીઓ જોઈને પણ ભૂખ લાગી રહી હતી. જાપાનીઝ આમ તો ત્યાનાં ચાકુ, કાચનાં વાસણો અને ચોપસ્ટિક માટે જાણીતું છે. ખરેખર તો ત્યાંનું શું શું જાણીતું છે તેનો ટે્રક રાખવાનું પણ મુશ્કેલ બનતું જાય છે. એટલું પૂરતું ન હોય તેમ ત્યાંનો ક્નિતઝુગી’ કોન્સેપ્ટ પણ એટલો જ જાણીતો છે. તૂટેલી પોટ્ટરીને ગોલ્ડન પેસ્ટથી જોડવાની પરંપરા તે ચીજને વધુ મજબૂત અને મહત્ત્વની બનાવે છે એ વાત તો શાહરુખ ખાને પોતાની ફિલ્મપઠાન’માં પણ કરી દીધી છે. અહીં નવાંનક્કોર વાસણોની સાથે જો તે તૂટી જાય તો તેને આકર્ષક રીતે જોડવા માટેની ક્નિતઝુગી કિટ પણ મળતી હતી.

અહીં માત્ર ચમચા, ચાકુ અને કટલરી માટે થઈને દુનિયાભરનાં શૅફ આવ્યા કરે છે. જેને પણ જમવાનું બનાવવાનો શોખ હોય અને જાપાન જવાનો પણ પ્લાન હોય તેણે તો આ વિસ્તાર જરા પણ ન ચૂકવો જોઈએ. અહીંની એક અનોખી ખાસિયત ફૂડ રેપ્લિકા છે. આર્ટિફિશિયલ ફળો, શાકભાજી, ઇવન પ્લેટમાં સર્વ થયેલું ફૂડ પણ અહીં શો-પીસ તરીકે મળે છે. એક જમાનામાં ફેક ફૂડનો ઉપયોગ માત્ર જાહેરાતો કે મેગેઝિન્સનાં ફોટો શૂટમાં થતો હતો. આજકાલ તો દરેક ફૂડ ઇન્ફ્લુઅન્સરને તેની જરૂર પડવા લાગી છે. અમુક બૉલ્સ અને પ્લેટ્સ તેના વજનના કારણે ખરીદવાનું શક્ય ન બન્યું, તો પણ મેં ડેઝર્ટ પ્લેટ્સ, ડિપ બૉલ્સ, ગિટ બૉલ્સ તો લઈ જ લીધાં હતાં. જ્યાં નજર પડતી હતી ત્યાં બધું જ લેવાની ઇચ્છા થઈ જતી હતી. આખા જાપાનમાંથી પણ રેસ્ટોરાંનાં માલિકો અહીં ખરીદી કરવા પહોંચી જાય છે.

1912માં અહીં એક રેસ્ટોરાંના માલિકે સેક્નડ હેન્ડ વાસણોનો સ્ટોલ ખોલ્યો હતો, તે આજે બસો જેટલા ભવ્ય સ્ટોર્સ વચ્ચે શું લેવું અને શું નહીં તેની ચર્ચા થઈ શકે તેમ છે. એટલું પૂરતું ન હોય તેમ અહીંના સોલિડ લોઢામાંથી બનેલાં કાસ્ટ આયર્ન કૂકવેર પણ હતાં. ક્યારેક એવું પણ લાગતું હતું કે દુનિયાની બધી સાધારણ ચીજોને જાપાન પોતાની અસાધારણ ક્રિયેટિવિટીથી અત્યંત હાઇ સ્ટાન્ડર્ડ બનાવી દે છે. બહુમાળી બિલ્ડિગમાં નિમ્મી કિચનવેરની છત પર તો એક મહાકાય શૅફનું સ્ટેચ્યૂ પણ બનાવેલું હતું. બીજી તરફ એક બિલ્ડિગની બાલ્કનીઓ કોફી મગ્સના શેપમાં હતી.

કોમાત્સુયા સ્ટોરમાં અનેક પ્રકારનાં રામેન બૉલ્સ અને ટી પોટ્સ જોઇને ફરી પાછું ખરીદી માટે મન લલચાઈ રહ્યું હતું. જો બેગેજની ચિંતા હોય તો આ જગ્યાએ જવું જરા જોખમી છે. ડેનગામા સ્ટોરમાં દરેક શેપ અને સાઇઝનાં ચમચી અને ચોપસ્ટિક રાખવાનાં સ્ટેન્ડ અને સોલ્ટ-પેપર શેકર મળતાં હતાં. મેં ત્યાંથી `ઓચોકો’ તરીકે ઓળખાતા સાકે કપ્સ લીધા. બીજી તરફ માજીમાયામાં દરેક શેપનાં કૂકી મોલ્ડ મળતાં હતાં. સાથે ત્યાં દરેક ચીજ માટેનું પીલર મળતું હતું. બધાંએ બટેટા અને ગાજરનું પીલર તો જોયું છે, પણ અહીં ટમેટાંથી માંડીને માછલીઓ માટેનું પીલર મળતું હતું. એટલું પૂરતું ન હોય તેમ ફુવારીમાં લાકડાનાં વાસણોની ખાસિયત હતી. યુનિયન કોફીમાં કોફી મશીન્સ, ગ્રાઇન્ડર, મગ્સનો ખજાનો હતો. આ સ્થાનિક દુકાનો ક્યાંય જાહેરાત નથી કરતાં છતાંય ત્યાં પગ મૂકવાની જગ્યા ન હતી. જાણે આખી દુનિયાને એ જ દિવસે બધી કિચન રિલેટેડ ખરીદી કરી લેવી હોય. વળી પાછળથી જાણવા મળ્યું કે ઓસાકામાં પણ આવી જ કિચન માર્કેટ છે જ.

અહીં માત્ર જમવાનું બનાવવાની ચીજો જ નહીં, જમવાનું પણ મળી જ જાય છે. જોકે તે સમયે અમે ફૂલટુ જમવાની ક્ષમતા સાથે નહોતાં આવેલાં. એવામાં કાકીગોરીએ જલસા કરાવી દીધા. ખાસ તો એટલા માટે કે આ જાપાનીઝ સ્ટાઇલનો બરફનો ગોળો કોઈ અનોખું મિષ્ટાન હોય તેવી રીતે પ્રેઝન્ટ કરવામાં આવતો હતો. ત્યાં દરેક દુકાનમાં વિગતે જવા માટે તો આખું અઠવાડિયું ઓછું પડે. અમે શક્ય એટલી જગ્યાઓ પર ગયાં એમાં જ ઠૂસ થઈ ચૂક્યાં હતાં. એવામાં આ સ્ટ્રીટના નામમાં આવતું `કાપ્પા’ કેરેક્ટર જ્યાં જુઓ ત્યાં નજરે પડતું હતું. આ પહેલાં કાપ્પા વિષે હેરી પોટર બુક્સમાં વાંચ્યું હતું. ત્યારે ખબર ન હતી કે કાપ્પા જાપાનીઝ દંતકથાઓનાં પાત્રો છે, તેમની પાસે જાદુઈ શક્તિઓ હોવાની વાત છે. તે સમયે ગલીઓમાં મોજૂદ કાપ્પાનાં સ્ટેચ્યૂઝ તો માત્ર ક્યુટ જ લાગતાં હતાં.

આ બજારની સૌથી ખાસ વાત એ લાગી કે અહીં લગભગ દરેક આઇટમ જાપાનમાં જ બનેલી હતી. અહીં સસ્તા ઇમ્પોર્ટેડ માલ માટે ભાગ્યે જ જગ્યા દેખાતી હતી. જોકે ખુદ જાપાનીઝ ચીજો પણ ઘણી મોડરેડ ભાવની હતી. હવે સાંજે દુકાનો બંધ થઈ રહી હતી, પણ અમારો પ્રોગ્રામ ચાલુ જ હતો. હવે અમે ઓમોઇડો યાકોચોનાં રસ્તે હતાં.

આપણ વાંચો : અરાઉન્ડ ધ વર્લ્ડ: જાપાનની અમેયા યોકોચો માર્કેટમાં શું જોવું ને શું ન જોવું…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button