વીક એન્ડ

સ્પોર્ટ્સ મૅન : ઓવર ટુ … ટેસ્ટ ક્રિકેટ શ્રેણીબદ્ધ ટેસ્ટ-જંગ આવી રહ્યા છે એટલે ફરી મજા…

અજય મોતીવાલા

આઇપીએલની પૂર્ણાહુતિ બહુ દૂર નથી. જૂનમાં ભારતના ટેસ્ટ-જંગનો આરંભ થશે અને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની નવી સીઝનની શરૂઆત પણ થઈ રહી છે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 18મી સીઝનમાં ચરમસીમાનો તબક્કો નજીક આવી ગયો છે. પ્લે-ઑફના વાજાં થોડા જ દિવસમાં વાગશે અને પછી અમદાવાદમાં 1,00,000થી પણ વધુ પ્રેક્ષકો બેસી શકે એટલી સીટવાળા ક્રિકેટ જગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમના મેદાન પર ફાઇનલ જંગ ખેલાશે.

અમદાવાદમાં ત્રીજી જૂનની રાત્રે એ સાથે જ ટી-20 ક્રિકેટની જલસા પાર્ટી પૂરી થશે અને ત્યાર બાદ થોડા દિવસમાં ટેસ્ટ ક્રિકેટનો શંખ ફૂંકાશે. ક્રિકેટના સૌથી ટૂંકા ફૉર્મેટમાંથી સૌથી લાંબા ફૉર્મેટમાં જવામાં આપણને થોડી માનસિક કસરત તો થશે, પણ ખૂબ જ અગત્યના શ્રેણીબદ્ધ ટેસ્ટ-જંગ આવી રહ્યા છે એટલે મજા તો પડવાની જ. ઇંગ્લૅન્ડ સામે 20મી જૂને શરૂ થઈ રહેલા જંગથી ભારત વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ની નવી સીઝનમાં જોડાશે. શુભમન ગિલનું નામ ભારતના નવા ટેસ્ટ-સુકાની તરીકે સૌથી વધુ ચર્ચામાં છે.

2025ની આઇપીએલની શરૂઆત થોડી ઠંડી હતી, મુંબઈ ઇન્ડિયન્સની ટીમ શરૂઆતમાં પાંચમાંથી ચાર મૅચ હારી ગઈ એટલે શહેરભરના ક્રિકેટપ્રેમીઓમાં નિરાશા ફેલાઈ હતી, પરંતુ પછીથી ઉપરાઉપરી છ મૅચ જીતીને મુંબઈએ ચમત્કાર કર્યો, બાજી પલટી નાખી અને 21મી મેએ વાનખેડેમાં દિલ્હી કૅપિટલ્સ પર નિર્ણાયક ઘા કરીને પ્લે-ઑફમાં સ્થાન પાકું કરી લીધું. કરોડો લોકોની પ્રિય ટીમ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (આરસીબી) આ વખતે હરણફાળ ભરીને પહેલાં પૉઇન્ટ્સ-ટેબલમાં નંબર-વન થઈ અને પછી પ્લે-ઑફમાં પહોંચી ગઈ એટલે આઇપીએલને ચાર ચાંદ લાગી ગયા, પણ બીજી લાડલી ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)એ છેક તળિયું જોવું પડ્યું એ આ આઇપીએલની સૌથી મોટી નિરાશા છે.

હવે 20મી જૂનથી ઇંગ્લૅન્ડમાં ભારતના ટેસ્ટ મુકાબલા શરૂ થશે એ સાથે કરોડો ભારતીય ક્રિકેટપ્રેમીઓ ફરી રોમાંચિત થઈ જશે એમાં બેમત નથી. રોહિત શર્માએ ટી-20 પછી ટેસ્ટમાંથી પણ નિવૃત્તિ લઈ લીધી હોવાથી ભારતની ટેસ્ટ ટીમને નવો ટેસ્ટ સુકાની મળશે, વિરાટ કોહલીએ પણ ટેસ્ટને ગુડબાય કરી હોવાથી ટીમ ઇન્ડિયાને બૅટિંગમાં ચોથા સ્થાન પર નવો બૅટ્સમૅન મળશે, રિટાયર થઈ ગયેલો રવિચન્દ્રન અશ્વિન આ વખતના ઇંગ્લૅન્ડ-પ્રવાસ માટેની ભારતીય ટીમમાં નહીં હોય એટલે વધુ એક અનુભવીની ખોટ વર્તાશે. જોકે ગયા વર્ષના અંતે ઘરઆંગણે ન્યૂ ઝીલૅન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં 0-3થી પરાજિત થયા બાદ ટીમ ઇન્ડિયાએ ઑસ્ટે્રલિયાની ધરતી પર 1-3થી જે પછડાટ ખાવી પડી હતી એ ભુલાવી દે એવો પર્ફોર્મન્સ ભારતની `નવી ટેસ્ટ ટીમે’ ઇંગ્લૅન્ડમાં બતાવવો પડશે.

20મી જૂનથી ભારત-ઇંગ્લૅન્ડની ટેસ્ટમાં ટક્કર
ભારતની ટેસ્ટ ટીમ છેલ્લે 2022માં (ત્રણ વર્ષ પહેલાં) ઇંગ્લૅન્ડના પ્રવાસે ગઈ હતી જેમાં વિરાટ કોહલી કૅપ્ટન હતો, પરંતુ હવે તો વિરાટ ટીમમાં જ નહીં હોય. ત્યારે પાંચ મૅચની સિરીઝ 2-2થી ડ્રૉમાં ગઈ હતી. આ વખતની સિરીઝ પણ પાંચ ટેસ્ટની છે જેમાં પ્રથમ ટેસ્ટ 20મી જૂનથી લીડ્સમાં હેડિંગ્લીના મેદાન પર રમાશે. બીજી ટેસ્ટ બર્મિંગહૅમમાં બીજી જુલાઈથી, ત્રીજી ટેસ્ટ લૉર્ડ્સમાં 10મી જુલાઈથી, ચોથી ટેસ્ટ મૅન્ચેસ્ટરમાં 23મી જુલાઈથી અને પાંચમી ટેસ્ટ 31મી જુલાઈથી લંડનના ઓવલમાં રમાશે. માર્ચ, 2024માં બ્રિટિશરો ભારતમાં 1-4થી ટેસ્ટ-સિરીઝ હારીને ગયા હતા એટલે હવે પોતાને આંગણે એનો બદલો લેવા કોઈ કસર નહીં છોડે. જોકે રોહિત, વિરાટ, અશ્વિન જેવા અનુભવીઓની બાદબાકી બાદ હવે ભારતની નવસર્જિત ટેસ્ટ ટીમ કેટલી અસરદાર હશે એની બ્રિટિશરોને જરાય જાણ નહીં હોય એટલે ભારતને તેઓ હળવાશથી નહીં જ લે.

શુભમન ગિલનો ઘોડો સૌથી આગળ
ભારતના નવા ટેસ્ટ સુકાની બનવા માટે શુભમન ગિલને સૌથી વધુ લાયક ગણાવવામાં આવી રહ્યો છે. જસપ્રીત બુમરાહ વારંવાર ઈજા પામતો હોવાથી તેને સુકાની બનાવીને તેના પર વધારાનો બોજ નાખવાથી ટીમ ઇન્ડિયાએ `બોલર બુમરાહ’ને ગુમાવવાનો પણ સમય આવી શકે એવી ભીતિ જણાતા તેના માથે સુકાનનો ભાર કદાચ નહીં નાખવામાં આવે. રિષભ પંત હજી હમણાં જ આઇપીએલમાં લખનઊ સુપર જાયન્ટ્સની નિષ્ફળતાને લીધે આત્મવિશ્વાસ ગુમાવી બેઠો હશે એટલે અજિત આગરકર અને તેમની સિલેક્શન કમિટી તેને ટેસ્ટનો કૅપ્ટન બનાવવાનું પણ કદાચ પસંદ નહીં કરે. કેએલ રાહુલ, અજિંક્ય રહાણેના નામ પર પણ ચર્ચા થઈ શકે, પરંતુ બધામાં ગિલનું નામ અગ્રેસર છે જેનું સૌથી મોટું કારણ એ છે કે તેના સુકાનમાં ગુજરાત ટાઇટન્સ (જીટી)ની ટીમ આઇપીએલમાં નંબર-વન પર રહીને પ્લે-ઑફમાં પહોંચી છે અને 2022 પછી આ ટીમ બીજી વાર ટાઇટલ જીતવા માટે ફેવરિટ ગણાય છે.

ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલ નજીક આવી ગઈ
2021 અને 2023માં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી) એટલે કે ટેસ્ટના વર્લ્ડ કપની પહેલી બન્ને સીઝનની ફાઇનલમાં ભારતીય ટીમ રમી હતી, પણ આ વખતે પહેલી વાર ફાઇનલમાં ભારતની ટીમ નહીં જોવા મળે. ઑસ્ટે્રલિયામાં થયેલા રકાસને કારણે ભારત ડબ્લ્યૂટીસીની ફાઇનલની હૅટ-ટ્રિકથી વંચિત રહી ગયું. જોકે ઑસ્ટે્રલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની આગામી ફાઇનલ જોવા જેવી તો હશે જ. 10મી જુલાઈથી લૉર્ડ્સમાં ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચે જંગ જામે એ પહેલાં 11મી જૂનથી ક્રિકેટના મક્કા ગણાતા આ ઐતિહાસિક સ્થળે ડબ્લ્યૂટીસીના નિર્ણાયક મુકાબલામાં પૅટ કમિન્સ અને ટેમ્બા બવુમાની ટીમ ટકરાશે.

બન્ને ટીમના કેટલાક ખેલાડીઓ આઇપીએલમાં રમી ચૂક્યા છે અથવા હજી રમી રહ્યા છે એટલે તેમને ડબ્લ્યૂટીસીની ફાઇનલમાં રમતા જોવાની પણ મજા પડી જશે. આઇપીએલમાં પર્ફોર્મ કરીને ડબ્લ્યૂટીસી માટેની ટીમમાં જોડાનાર ખેલાડીઓમાં (ઑસ્ટે્રલિયાના) ટૅ્રવિસ હેડ, પૅટ કમિન્સ, જૉશ હૅઝલવૂડ, મિચલ સ્ટાર્ક અને જૉસ ઇંગ્લિસનો તેમ જ (સાઉથ આફ્રિકાના) કૉર્બિન બૉસ્ચ, માર્કો યેનસેન, કૅગિસો રબાડા, રાયન રિકલ્ટન, એઇડન માર્કરમ, લુન્ગી ઍન્ગિડી અને ટ્રિસ્ટેન સ્ટબ્સનો સમાવેશ છે.

આપણ વાંચો : સ્પોર્ટ્સ મૅન: વિરાટને માથાની ઈજાએ બનાવ્યો કૅપ્ટન-કિંગ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button