આમચી મુંબઈ

રસ્તાના કામ માટે ૩૧મે ની ડેડલાઈનને પહોંચી વળવા એન્જિનિયરો પર દબાણ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: રસ્તાના કૉંક્રીટાઈઝેશનના કામની ૩૧ મેની મુદત પૂરી થવા માટે માત્ર એક અઠવાડિયાનો સમય બાકી રહ્યો છે ત્યારે પાલિકાના અધિકારીઓને સમયસર કામ પૂરું કરવાનું દબાણ છે. રોડ ડિપાર્ટમેન્ટના સિનિયર એન્જિનિયરોને ફિલ્ડ રિવ્યુ કરવા અને સબ એન્જિનિયરોને સાઈટ પર જઈને માર્ગદર્શન આપવાની સૂચના આપવામાં આવી છે. કૉન્ટ્રેક્ટરો ડેડલાઈનમાં કામ પૂરું કરવામાં નિષ્ફળ ગયા તો બીજા કૉન્ટ્રેક્ટર પાસેથી ડામર નખાવીને રસ્તાનું કામ પૂરું કરવાનો અને તેનો ખર્ચ સંબંધિત કૉન્ટ્રેક્ટર પાસેથી બમણા દંડના સ્વરૂપમાં વસૂલ કરવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે.

મુંબઈના સિમેન્ટ-કૉંક્રીટાઈઝેશન પ્રોજેક્ટના ફેઝ-વન કુલ ૩૨૪ કિલોમીટર (૬૯૮) રસ્તાનું કૉંક્રીટાઈઝેશન કરવામાં આવ્યું છે, જ્યારે ફેઝ-ટુમાં ૩૭૭ કિ.મી (૧૪૧૦) રસ્તાનું કૉંક્રીટાઈઝેશન કરવામાં આવ્યું છે. એટલે કે ૭૦૧ કિલોમીટરના રસ્તાઓનું કામ પતી ગયું છે. પાલિકાનો લક્ષ્યાંક ૩૧ મે,૨૦૨૫ સુધીમાં ફેઝ-વન ૭૫ ટકા અને ફેઝ-ટુમાં ૫૦ ટકા કામ પૂરું કરવાનો છે. અત્યાર સુધીમાં ફેઝ-વનમાં ૨૮૯ રસ્તાઓનું કામ પૂરું થઈ ગયું છેત્યારે ૨૮૫ રસ્તાઓના કામ ચાલી રહ્યા છે. ફેઝ-ટુમાં ૧૦૧ રસ્તાઓના કામ પૂરા થઈ ગયા છે અને બાકીના ૭૦૪ રસ્તાઓના કામ ચાલી રહ્યા છે. તો ફેઝ-વનમાં ૧૧૪ અને ફેઝ-ટુમાં ૬૧૪ રસ્તાના કામ હજી ચાલુ થયા નથી.

પાલિકાના એડિશનલ કમિશનર (પ્રોજેક્ટ) અભિજિત બાંગરે જણાવ્યું હતું કે રસ્તાનું ફિનિશિંગનું કામ ચાલી રહ્યું છ અને એન્જિનિયરોને ગુણવત્તા સાથે સમાધાન નહીં કરવાની ચેતવણી આપવામાં આવી છે. રસ્તાઓને ટ્રાફિક માટે ખુલ્લા મુકવા પહેલા ઝાડ પાસેના ખાડાની સફાઈ, કાટમાળનો નિકાલ, રસ્તા ધોવા સહિત ફૂટપાથ અને કૅરેજ વેના કામ સમયસર પૂરા કરવા માટે વધારાની ટીમની મદદ લેવાનું કહેવામાં આવ્યું છે.

નોંધનીય છે કે તાજેતરમાં અભિજિત બાંગરે પાલિકા મુખ્યાલયમાં એન્જિનિયરો સાથે સમીક્ષા બેઠક કરી હતી, જેમાં કૉન્ટ્રેક્ટરો ૨૫ મે સુધીમાં ડામરનું કામ શરૂ કરવામાં અને રસ્તાઓને સુરક્ષિત રીતે ખુલ્લો મૂકવામાં નિષ્ફળ જાય તો મૂળ કૉન્ટ્રેક્રના જોખમે અને ખર્ચે બીજા કૉન્ટ્રેક્ટર પાસેથી ૩૧ મે પહેલા કામ પૂરું કરાવી લેવાની સૂચના આપી હતી. તેમ જ જે ખર્ચો થયો હોય તેનાથી બમણી દંડની રકમ મૂળ કૉન્ટ્રેક્ટર પાસેથી વસૂલ કરવાની સૂચના પણ આપી હતી.

આપણ વાંચો : મુંબઈની નાળાસફાઈમાં એઆઈ ટેકનોલોજી અને રોબોટ્સનો ઉપયોગ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button