આમચી મુંબઈ

વધારાની ચાર મીટરની સીડી માટે રૂ.૪૦ કરોડ ફાયરબ્રિગેડ માટે સીડી ખરીદીમાં ગેરવ્યવહારનો આક્ષેપ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મુંબઈ ફાયરબ્રિગેડ દ્વારા હાલમાં વાપરવામાં આવેલી રહેલી ૬૪ મીટરની સીડી કરતા માત્ર એક માળ જેટલી ઊંચી એટલે કે ૬૮ મીટર સીડી માટે ૪૦ કરોડ રૂપિયા એક કંપનીને આપવા સામે ભાજપે વિરોધ નોંધાવ્યો છે અને ખરીદીની પ્રક્રિયાની ગેરવ્યવહાર કરવામાં આવ્યો હોવાથી તેની તપાસ કરાવવાની માગણી પણ પાલિકા કમિશનર સમક્ષ કરવામાં આવી છે.

મુંબઈ ફાયરબિગ્રેડ પાસે હાલ ૬૪ મીટર ઊંચાઈની ટર્ન ટેબલ લેડર (સીડી) ઉપલબ્ધ છે. એ સિવાય કટોકટીના સમય માટે બહુમાળીય બિલ્ડિંગના ઉપરના માળ સુધી પહોંચવા માટે ૭૦ મીટર, ૮૧ મીટર અને ૯૦ મીટર ઊંચા હાઈડ્રોલિક પ્લેટફોર્મ બેસાડેલા વાહનો પણ છે. છતાં મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત ફાયરબ્રિગેડે ૬૮ મીટર ઊંચાઈની ચાર સીડી ખરીદી માટે કૉન્ટ્રેક્ટ પ્રક્રિયા અમલમાં મૂકી છે.

ભાજપે પાલિકા કમિશનરને લખેલા પત્ર મુજબ ૬૮ મીટર ઊંચાઈની સીડી બનાવવામાં વિશ્ર્વભરમાં મૅગ્રિયસ જીએમબીએચ એકમાત્ર કંપની છે. તેથી આ કંપનીની દુનિયાભરમાં દાદાગીરી ચાલે છે. તેથી સીડી ખરીદીમાં સ્પર્ધા થઈ જ નથી. ૬૮ મીટરથી વધુ ઊંચાઈના ટર્ન ટેબલ લૅડર માટે ૨૦૧૭-૧૮માં ત્રણ વખત ટેન્ડર કાઢવામાં આવ્યા હતા. દરેક વખતે મૅગ્રિયસ કંપનીએ જ બોલી લગાવી હતી. તેથી પાલિકાએ ૬૪ મીટર ઊંચી સીડી બનાવતી કંપનીને ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેવા માટે તક આપી હતી. આ દરમ્યાન થયેલી સ્પર્ધાત્મક પ્રક્રિયામાં ૧૦ કરોડ રૂપિયામાં ૬૪ મીટર ઊંચી સીડીની ખરીદી કરવામાં આવી હતી.

ભાજપે કરેલા આક્ષેપ મુજબ ફાયરબ્રિગેડે નવેસરથી બહાર પાડેલી ટ્રેન્ડર પ્રક્રિયામાં ૬૮ મીટર ઊંચાઈની સીડી માટે અન્ય કોઈ પણ કંપનીએ ભાગ લીધો નહોતો. તેથી ૬૮ મીટરની સીડી બનાવનારી કંપનીની દાદાગીરી વધી હતી. તેથી તેણે સીડીની કિંમત સીધી ૨૦ કરોડ રૂપિયા કરી નાખી હતી. ફકત ચાર મીટરથી સીડીની ઊંચાઈ વધતી હોવાથી પાલિકા ૬૪ મીટર સિડી કરતા બમણા પૈસા ખર્ચવાની છે. જે ટેન્ડર પ્રક્રિયાના ગાઈડલાઈનનુ ઉલ્લંઘન છે. તો બીજી તરફ કરદાતાના ૪૦ કરોડ રૂપિયાને વેડફવામાં આવી રહ્યા છે એવો આક્ષેપ કરીને ભાજપે પૂરા પ્રક્રિયાની તપાસ કરાવવાની માગણી પણ કમિશનર સમક્ષ કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button