આજે ગુજરાતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની સંભાવના, આ વિસ્તારમાં યલો એલર્ટ જાહેર…

ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તારીખ 24થી 27મે સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. એવું લાગી રહ્યું છે કે, આ વર્ષે ચોમાસું ખરેખર વહેલું શરૂ થઈ ગયું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 27 મે સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.
અરબ સાગરમાં વોલમાર્ક લો-પ્રેશર સક્રિય થશે
ગુજરાતમાં ભારે વરસાદ આવવાનું એક ખાસ કારણ અરબ સાગર પણ છે. અત્યારે પણ અરબ સાગરમાં વોલમાર્ક લો-પ્રેશર સક્રિય થઈ રહ્યું છે, જેના કારણે આગામી 24 કલાકમાં વાતાવરણમાં પરિવર્તન આવશે અને ભારે વરસાદ થવાની સંભાવના છે. દરિયામાં ચક્રવાત સક્રિય થતો હોવાથી માછીમારોને પણ દરિયામાં ન જવાની સૂચના આપી દેવામાં આવી છે. ભારે વરસાદના કારણે દરિયામાં જતા માછીમારોને વધારે તકલીફનો સામનો કરવો પડતો હોવાથી દરિયા ના ખેડવાનું કહેવામાં આવ્યું છે.
30થી 31 મે સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી
આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો, સૌરાષ્ટ્રના ભાવનગર, જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથ અને રાજકોટ જેવા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે. જ્યારે આગામી 30થી 31 મે સુધી ગાજવીજ અને ભારે પવન સાથે છૂટાછવાયા વરસાદની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અત્યારે રાજ્યમાં ઉતર-પૂર્વ દિશા તરફ 50-60 કિ.મી. પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જેથી વરસાદનું જોર વધી શકે છે.
ગુજરાત અને મહારાષ્ટ્રમાં મુશળધાર વરસાદની આગાહી
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ 24 મેના રોજ ગુજરાત અને મહારાષ્ટ્રમાં મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયામાં લો પ્રેશરમાંથી મજબૂત થઈને ડિપ્રેશનમાં ફેરવાઈ એવી શક્યતા હોવાથી મુશળધાર વરસાદ વરસી શકે છે. આ દરમિયાન મહારાષ્ટ્રના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી શકે છે. ખાસ કરીને આ 5 દિવસમાં મુંબઈની અંદર અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.