હૈદરાબાદની બેંગલૂરુને બ્રેક: વિજય મેળવીને રહીસહી આબરૂ સાચવી…

લખનઊઃ સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ)એ અહીં રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (આરસીબી)ને 42 રનથી હરાવીને ફરી એકવાર રહીસહી આબરૂ મેળવવાનો સફળ પ્રયાસ કર્યો હતો. હૈદરાબાદે પ્લે-ઑફની બહાર થઈ ગયા બાદ સોમવારે લખનઊને હરાવ્યા પછી હવે બેંગલૂરુની મજબૂત ટીમને પરાજિત કરીને નાનો અપસેટ સર્જયો હતો. બેંગલૂરુની ટીમ 232 રનના લક્ષ્યાંક સામે 19.5 ઓવરમાં 189/10નો સ્કોર નોંધાવી શકી હતી અને લાગલગાટ ચાર વિજય બાદ પાંચમી મૅચમાં એણે હૈદરાબાદ સામે પરાજય જોવો પડ્યો હતો. ગુરુવારે પ્લે-ઑફની ટીમ ગુજરાતને પ્લે-ઑફ બહારની ટીમ લખનઊએ હરાવી અને શુક્રવારે એવી જ રીતે હૈદરાબાદે બેંગલૂરુની ટીમને પરાજિત કરી.
ફિલ સૉલ્ટ (62 રન, 32 બૉલ, પાંચ સિક્સર, ચાર ફોર) અને વિરાટ કોહલી (43 રન, 25 બૉલ, એક સિક્સર, સાત ફોર) વચ્ચેની 80 રનની ઓપનિંગ ભાગીદારીએ સંભવિત જીતનો મજબૂત પાયો નાખી આપ્યો હતો, પરંતુ મિડલ-ઑર્ડર સારું ન રમતાં તેમની મહેનત પાણીમાં ગઈ હતી.
સૉલ્ટ-કોહલીની પાર્ટનરશિપ બાદ મયંક અગરવાલ (11 રન) સસ્તામાં વિકેટ ગુમાવી બેઠો હતો, પણ કાર્યવાહક સુકાની જિતેશ શર્મા (24 રન, 15 બૉલ, બે સિક્સર, એક ફોર) અને ઇંમ્પૅક્ટ પ્લેયર તરીકે રમેલા મુખ્ય સુકાની રજત પાટીદાર (18 રન, 16 બૉલ, એક ફોર) વચ્ચેની 44 રનની ભાગીદારી પાટીદાર રનઆઉટ થતાં તૂટી હતી. બન્ને વચ્ચે રન દોડવામાં ગેરસમજ થતાં એશાન મલિન્ગાએ સીધા થ્રોમાં પાટીદારને રનઆઉટ કર્યો હતો. મલિન્ગાએ બે તથા કમિન્સે ત્રણ વિકેટ લીધી હતી.
એ પહેલાં, હૈદરાબાદે બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં છ વિકેટે 231 રન કરીને આરસીબીને 232 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો. ઇશાન કિશન (94 અણનમ, 48 બૉલ, પાંચ સિક્સર, સાત ફોર) આ ઇનિંગ્સનું સૌથી મોટું આકર્ષણ હતો. તે છ રન માટે આ સીઝનમાં બીજી સદી ચૂકી ગયો હતો. તેના સિવાય હૈદરાબાદના બીજા કોઈ બૅટ્સમૅનની હાફ સેન્ચુરી નહોતી. જોકે ડેથ ઓવરમાં બેંગલૂરુના બોલર્સે 54 રન આપી દીધા હતા.
અભિષેક શર્મા (34 રન, 17 બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર) અને ટ્રૅવિસ હેડ (17 રન, 10 બૉલ, ત્રણ ફોર) વચ્ચે 54 રનની સાધારણ ભાગીદારી થઈ હતી, પણ 54 રનના જ સ્કોર પર બન્ને ઓપનરે વિકેટ ગુમાવી દીધી ત્યાર બાદ હૈદરાબાદની બાજી સંભાળવાની જવાબદારી કિશને સંભાળી લીધી હતી. તેણે હિન્રિક ક્લાસેન (24 રન, 13 બૉલ, બે સિક્સર, બે ફોર) સાથે 48 રનની, અનિકેત વર્મા (26 રન, નવ બૉલ, બે સિક્સર, એક ફોર) સાથે 43 રનની અને છેલ્લે કૅપ્ટન પૅટ કમિન્સ (13 અણનમ, છ બૉલ, એક સિક્સર) સાથે 43 રનની અતૂટ ભાગીદારી કરી હતી અને હૈદરાબાદના સ્કોરને 231 સુધી પહોંચાડવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી હતી. બેંગલૂરુના બોલર્સમાં રોમારિયો શેફર્ડે સૌથી વધુ બે વિકેટ લીધી હતી. ભુવનેશ્વર, ઍન્ગિડી, સુયશ અને કૃણાલને એક-એક વિકેટ મળી હતી.
આરસીબીની ટીમનું સુકાન રજત પાટીદાર નહીં, પણ વિકેટકીપર જિતેશ શર્મા સંભાળી રહ્યો હતો. પાટીદારને ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે રાખવામાં આવ્યો છે. મયંક અગરવાલને દેવદત્ત પડિક્કલના સ્થાને પ્લેઇંગ-ઇલેવનમાં સમાવવામાં આવ્યો છે.