કરોડો ભારતીયોનો રોજિંદા થેલાની અમેરિકામાં કિંમત હજારોમાં: લોકો બોલ્યા “આ તો કચરો, બીજાનો ખજાનો!”

નવી દિલ્હી: ભારતના ઘરોમાં રોજબરોજ ઉપયોગમાં લેવાતો અને ખૂબ જ સામાન્ય ગણાતો સાદો થેલો કે બેગ જે કરિયાણાની દુકાનેથી સામાન લાવવા કે મુસાફરીમાં ડબ્બા રાખવા માટે વપરાય છે, તે હવે અમેરિકામાં હજારો રૂપિયામાં વેચાઈ રહ્યો છે. જે થેલાની ભારતમાં લોકો પસ્તી જેટલી પણ ઇજ્જત નથી કરતાં તેને એક અમેરિકન કંપની 48 ડોલર એટલે કે લગભગ 4100 રૂપિયામાં વેચી રહી છે. આ વાત જાણીને ભારતીયો તો આશ્ચર્યમાં ડૂબી ગયા અને સોશિયલ મીડિયા પર આ વાયરલ પોસ્ટ પર મજેદાર કોમેન્ટ કરી રહ્યા છે.
આ થેલો અમેરિકન કંપની વેંચી રહી છે 48 ડોલરમાં
આ ઘટના એ સમયે ચર્ચામાં આવી જ્યારે એક સોશિયલ મીડિયા યુઝરે આ બાબતને લગતો એક સ્ક્રીનશોટ શેર કર્યો હતો. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ સાદા શણના થેલાને હાઈ-એન્ડ અમેરિકન રિટેલર નોર્ડસ્ટ્રોમ નામની કંપની 48 ડોલરમાં વેચી રહી છે. આ સ્ક્રીનશોટ શેર કરતા યુઝરે લખ્યું, “LOL, આ તો મારા દેશનો એ જ થેલો છે, જે અમને દુકાન પર મળતો હતો. હવે આ 48 ડોલરમાં વેચાઈ રહ્યો છે!”

સોશિયલ મીડિયા પર થઈ રહી છે કોમેન્ટ
આ પોસ્ટ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. લોકો કહી રહ્યા છે કે કેવી રીતે આ થેલો તેમને કરિયાણાની દુકાન પર મફતમાં જ મળી જતો હતો. એક યુઝરે તો લખ્યું, “આશ્ચર્ય છે કે આ ફક્ત 48 ડોલર છે, 480 ડોલર કેમ નથી.” જ્યારે અન્ય એક વ્યક્તિએ લખ્યું, “હું ડાલડા ઘીનો ટીન બોક્સ વેચવા જઈ રહ્યો છું.” એક અન્ય યુઝરે લખ્યું, “આ, ‘એક આદમી કા કચરા, દૂસરે આદમી કા ખજાના’ નું બિલકુલ સાચું ઉદાહરણ છે.” અન્ય એક યુઝરે લખ્યું, “ખરેખર, આ એક સ્વૅગ આઈડિયા છે!”
આપણ વાંચો: અમેરિકી રાષ્ટ્રપતિએ આપી ખુલ્લી ધમકીઃ એપલનું મેન્યુફેક્ચરિંગ અમેરિકામાં નહીં તો 25 ટકા ટેરિફ…