IPL 2025

અમદાવાદમાં ગુજરાતના ખેલાડીઓ મૅચ હાર્યા, પણ કેવી રીતે અસંખ્ય લોકોના દિલ જીતી લીધા જાણી લો…

અમદાવાદઃ શુભમન ગિલના સુકાનમાં ગુજરાત ટાઇટન્સ (GT)ની ટીમ પ્લે-ઑફમાં તો પહોંચી ગઈ છે, પરંતુ ગુરુવારે અમદાવાદના હોમ-ગ્રાઉન્ડ પર લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) સામેના પરાજયને લીધે જીટીની ટીમ થોડી હતાશ થઈ હશે. જોકે લૅવેન્ડર કલર (LAVENDER COLOR)ના ડ્રેસમાં રમીને જીટીના ખેલાડીઓએ કૅન્સર-વિરોધી (CAMPAIGN AGAINST CANCER) અભિયાનમાં અનેક લોકોના દિલ જીતી લીધા એ બદલ જરૂર ગર્વ અનુભવતા હશે.

જેમ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (આરસીબી)નું ફ્રૅન્ચાઇઝી ગો ગ્રીન’ની ઝુંબેશને ટેકો આપવાના હેતુથી પોતાના ખેલાડીઓ માટે દર વર્ષે આઇપીએલની એક મૅચ માટે લીલા રંગનો ડ્રેસ નક્કી કરી રાખે છે એમ જીટીનું ફ્રૅન્ચાઇઝી ત્રણ વર્ષથી પોતાના ખેલાડીઓ માટે લૅવેન્ડર કલરના ડ્રેસ બનાવડાવે છે. એટલું જ નહીં, આ ફ્રૅન્ચાઇઝીએ આ વખતે લોકોમાં લૅવેન્ડર કલરના 30,000 ફ્લૅગ તથા 10,000 જર્સી વહેંચ્યા હતા. જીટીના ફ્રૅન્ચાઇઝી તેમ જ એના ખેલાડીઓ અને આ ટીમ તથા ફ્રૅન્ચાઇઝી સાથે સંકળાયેલા તમામ લોકોનો દર વર્ષે લૅવેન્ડર કલરની થીમ રાખવા પાછળનો એકમાત્ર આશય એ હોય છે કે કૅન્સરના રોગની પ્રાથમિક તબક્કામાં જ ચકાસણી થઈ જાય કે જેથી કરીને એ રોગથી પીડાતી વ્યક્તિની સફળ સારવાર થઈ શકે અને તે લાંબું આયુષ્ય જીવી શકે. આવી જાગૃતિ લાવવાનો જીટીનો હેતુ રહ્યો છે. બીજો ઉદ્દેશ કૅન્સરની બીમારી કેવી રીતે ટાળવી એની લોકોમાં પણ જાગૃતિ લાવવી તેમ જ કૅન્સરની જેમને બીમારી હોય તેમને સારી ગુણવત્તાની સારવાર મળી રહે એની તકેદારી રાખવામાં આવે એનો પ્રચાર પણ કરવો.’

આપણ વાંચો:  ડબ્લ્યૂટીસીની ફાઇનલમાં ભારત નહીં હોય, પણ બે ભારતીયની હાજરી તો હશે જ!

ગુજરાત ટાઇટન્સ (જીટી)ના ચીફ ઑપરેટિંગ ઑફિસર (સીઓઓ) કર્નલ અરવિન્દરે એક મુલાકાતમાં કહ્યું હતું કે અમારા ફ્રૅન્ચાઇઝીને સતત ત્રીજા વર્ષે (સતત ત્રીજી આઇપીએલમાં) કૅન્સર સામે લોકોમાં જાગૃતિ લાવવાનો સુંદર અવસર મળ્યો છે અને એમાં અમને અસંખ્ય ક્રિકેટપ્રેમીઓનો સાથ મળ્યો એ બદલ ખુશી અનુભવીએ છીએ.’ જીટીના કૅપ્ટન શુભમન ગિલે પણ કહ્યું હતું કેખેલાડીઓ તરીકે અમે આઇપીએલના આ વ્યાપક મંચ પરથી કૅન્સર-વિરોધી અભિયાનમાં સહભાગી થયા એનો આનંદ અનુભવીએ છીએ.’

ગુરુવારે લખનઊએ મિચલ માર્શ (117 રન, 64 બૉલ, આઠ સિક્સર, દસ ફોર)ના સુપરહિટ શૉ સાથે અને નિકોલસ પૂરન (56 અણનમ, 27 બૉલ, પાંચ સિક્સર, ચાર ફોર)ના મહત્ત્વના યોગદાનની મદદથી 20 ઓવરમાં બે વિકેટે 235 રન કર્યા હતા. ગુજરાતની ટીમ જવાબમાં એમ. શાહરુખ ખાન (57 રન, 29 બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર)ની હાફ સેન્ચુરી છતાં 20 ઓવરમાં નવ વિકેટે 202 રન બનાવી શકી હતી અને લખનઊનો 33 રનથી વિજય થયો હતો. મિચલ માર્શને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button