સુરતમાં ફરી વિચિત્ર કિસ્સો: 17 વર્ષના કિશોરને ભગાડી જનારી યુવતી સામે પોક્સો હેઠળ ગુનો દાખલ

સુરતઃ સુરતમાં 23 વર્ષની શિક્ષિકા 13 વર્ષના છોકરાને લઈને ભાગી ગયા હોવાની ઘટના બાદ 19 વર્ષની યુવતી 17 વર્ષના કિશોરને ભગાડી ગયાની ઘટનાએ ચકચાર જગાવી છે. સુરતના લીંબાયતમાં યુવતી કિશોરને ભગાડીને મધ્ય પ્રદેશના ઉજ્જૈન લઈ ગઈ હતી. આ કિસ્સો થોડા સમય પહેલા પુણામાં બનેલી શિક્ષિકા-વિદ્યાર્થીની ઘટનાની યાદ અપાવે છે.
યુવતી કિશોરને ભગાડીને પહેલા ઉજ્જેન લઈ ગઈ
આ અંગે મળતી વિગતો અનુસાર, લીંબાયતની આ યુવતી કિશોરને ભગાડીને પહેલા ઉજ્જેન લઈ ગઈ હતી, અને ત્યાંથી તેઓ જલગાંવ રોકાયા હતા. આ ઘટનામાં કિશોર પોતાના ઘરેથી ₹25,000 પણ લઈ ગયો હતો. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, યુવતી અને કિશોર લીંબાયતમાં એક જ સોસાયટીમાં રહેતા હોવાથી તેમની વચ્ચે સંબંધ બંધાયા હતા. તેઓ લગભગ 50 દિવસ સુધી ઘરની બહાર રહ્યા હતા.
યુવતી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો
આ ઘટના અંગે કિશોરના માતા-પિતાએ લીંબાયત પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે યુવતી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આ કિસ્સો સમાજમાં જુદા જુદા વય જૂથના સંબંધો અને તેના સામાજિક તથા કાયદાકીય પાસાઓ પર ફરી એકવાર ચર્ચા જગાવી છે.
આપણ વાંચો: ગુજરાતમાં વાવાઝોડું ટળ્યું, છતાં આ ભાગોમાં વરસાદની શક્યતા: પરેશ ગૌસ્વામીની આગાહી…
23 વર્ષીય શિક્ષિકા વિદ્યાર્થીને ભગાડી ગઈ
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પૂર્વે સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં ગત 25 એપ્રિલના રોજ વિદ્યાર્થીનું અપહરણ તેને અભ્યાસ કરાવતી 23 વર્ષીય શિક્ષિકા દ્વારા કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ બાદ પુણા પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી અને વિદ્યાર્થીને લઈને ભાગી ગયેલી શિક્ષિકાની શોધખોળ કરવામાં આવી હતી. 1 મેના રોજ શિક્ષિકા અને વિદ્યાર્થીને પોલીસે રાજસ્થાન બોર્ડર પાસેથી પોલીસે ચાલુ બસમાંથી જ ઝડપી લીધા હતા.