વેપાર

વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. 299નો અને ચાંદીમાં રૂ. 1135નો ચમકારો

મુંબઈઃ અમેરિકાના રાજકોષીય સ્થિતિની ચિંતા અને ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર અને વાયદાના ભાવમાં 1.1 ટકાની અને ચાંદીના ભાવમાં 0.3 ટકાનો સુધારો આગળ ધપ્યો હોવાના અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 1135નો અને સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 296થી 299નો ચમકારો આવ્યો હતો. જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 57 પૈસા ઊંચકાયો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરોમાં ઘટાડો થવાને કારણે વિશ્વ બજારની સરખામણીમાં ભાવ વધારો મર્યાદિત રહ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે વેરા રહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 1135ના સુધારા સાથે રૂ. 97,654ના મથાળે રહ્યા હતા. તેમ જ મધ્યસત્ર દરમિયાન સોનામાં પણ વિશ્વ બજાર પાછળ સુધારાતરફી વલણ રહેતા વેરા રહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 296 વધીને રૂ. 95,431 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 299 વધીને રૂ. 95,815ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી મર્યાદિત રહી હતી.

એકંદરે આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને 16 અબજ ડૉલરના અમેરિકી 20 વર્ષીય બૉન્ડના વેચાણનો નબળો પ્રતિસાદ મળ્યો હોવાથી અમેરિકાના રાજકોષીય ભવિષ્યની ચિંતા વચ્ચે આજે લંડન ખાતે રોકાણકારોની સલામતી માટેની માગને ટેકે હાજર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 1.1 ટકા વધીને અનુક્રમે 3329.69 ડૉલર અને 3329.80 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે આ સપ્તાહમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં દોઢ મહિનાનો સૌથી મોટો ચાર ટકાનો ઉછાળો આવી ગયો છે, જ્યારે ડૉલરમાં સાપ્તાહિક ધોરણે એક ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. વધુમાં આજે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.3 ટકા વધીને આૈંસદીઠ 33.16 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

વર્તમાન સપ્તાહમાં ખાસ કરીને મૂડીઝ દ્વારા અમેરિકાનાં ક્રેડિટ રેટિંગમાં ઘટાડો કરવામાં આવતા અમેરિકાની રાજકોષીય સ્થિતિની ચિંતા અને અમેરિકી અસ્ક્યામતોમાં રોકાણકારોનો નિરુત્સાહ રહેતાં સોનું રોકાણકારોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હોવાનું કેસીએમ ટ્રેડનાં ચીફ માર્કેટ એનાલિસ્ટ ટીમ વૉટરરે જણાવ્યું હતું. હાલમાં નાણાકીય બજારોમાં અમેરિકી ટૅરિફ અને દેવાની ચિંતા ઉપરાંત મધ્ય પૂર્વના દેશોમાં ભૂરાજકીય તણાવ બજારોને ઘમરોળતા હોવાથી સોનું આૈંસદીઠ 3000 ડૉલરની સપાટી જાળવી રાખે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.

રિપબ્લિકન પક્ષની બહુમતી ધરાવતા યુએસ હાઉસમાં ગઈકાલે ડૉનલ્ડ ટ્રમ્પનું સ્વીપીંગ ટૅક્સ (વ્યાપક વેરા) અને સ્પેન્ડિંગ (ખર્ચ)નું બિલ પસાર થઈ ગયું હતું જે આ બિલ ટ્રમ્પનાં પૉલિસીના એજન્ડામાં હતું અને તેને કારણે દેવામાં ટ્રિલિયન ડૉલર કરતાં વધુ માત્રામાં વધારો થશે. ટ્રમ્પ દ્વારા આ બિલને `બિગ બ્યુટીફુલ બિલ’ નામ આપવામાં આવ્યું છે. હવે આ બિલ સંસદ (સેનેટ)માં જશે. જેમાં રિપબ્લિકન પક્ષની બહુમતી 53ઃ47ની સરાસરીમાં છે.

વધુમાં ગઈકાલે ઈરાનના વિદેશ પ્રધાને અમેરિકાને ચેતવણી આપી હતી કે ઈરાનની પરમાણુ સુવિધાઓ પર ઈઝરાયલના કોઈપણ હુમલા અમેરિકાની કાયદેસરની જવાબદારી રહેશે. ઈરાનની આ ચેતવણીને કારણે પણ સોનાની તેજીને અુંક અંશે ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button