…તો વિદેશી વિદ્યાર્થીઓને હાર્વર્ડમાં એડમીશન મળશે! ટ્રમ્પ વહીવટીતંત્રએ 6 શરતો મૂકી

વોશિંગ્ટન ડીસી: યુનાઈટેડ સ્ટેટ્સના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) દ્વારા સ્ટુડન્ટ એન્ડ એક્સચેન્જ વિઝિટર પ્રોગ્રામ (SEVP) સર્ટિફિકેશનને રદ કર્યા પછી હાર્વર્ડ યુનિવર્સિટી(Harvard University) મુશ્કેલીમાં મુકાઈ છે. હવે યુનિવર્સીટી 2025-2026 શૈક્ષણિક વર્ષ માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના એડમિશન નહીં લઇ શકે. DHSના આ નિર્ણયને કારણે ભારતના 780 વિદ્યાર્થીઓના ભવિષ્યને અસર થઇ શકે છે. પરંતુ, વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા યુનિવર્સીટી સામે છ શરતો રાખવામાં આવી છે, જેને 72 કલાકની અંદર પૂર્ણ કરવાનું કહેવામાં આવ્યું છે.
DHSના નિર્ણયને પરિણામે, હાર્વર્ડ હવે F-1 અથવા J-1 વિઝા હેઠળ વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકશે નહીં, અને વર્તમાન આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ તેમના વિઝા સ્ટેટ્સ જાળવી રાખવા માટે બીજી સંસ્થામાં ટ્રાન્સફર થવું પડશે.
DHS સચિવ ક્રિસ્ટી નોએમે યુનિવર્સિટીને લખેલા પત્રમાં આ આદેશ આપ્યો હતો. જોકે, સાથે સેક્રેટરી નોએમે જણાવ્યું હતું કે હાર્વર્ડ આગામી શૈક્ષણિક વર્ષ માટે સમયસર તેનું SEVP સર્ટિફિકેશન પાછું મેળવી શકે છે, જો તે છ શરતો પૂરી કરે અને 72 કલાકની અંદર માંગેલી કરેલી માહિતી સબમિટ કરે તો.
DHSએ માંગેલી માહિતી:
- છેલ્લા પાંચ વર્ષમાં હાર્વર્ડમાં એનરોલ થયેલા નોનઇમિગ્રન્ટ વિદ્યાર્થીઓના કેમ્પસની અંદર અથવા બહાર “ગેરકાયદેસર પ્રવૃત્તિ” સંબંધિત ઇલેક્ટ્રોનિક અને ઑડિઓવિઝ્યુઅલ મટીરીયલ સહિત તમામ રેકોર્ડ.
- છેલ્લા પાંચ વર્ષમાં નોન-ઇમિગ્રન્ટ વિદ્યાર્થીઓ દ્વારા કેમ્પસમાં અથવા બહાર, “ખતરનાક અથવા હિંસક પ્રવૃત્તિ” સંબંધિત તમામ રેકોર્ડ.
- અન્ય વિદ્યાર્થીઓ અથવા યુનિવર્સિટી કર્મચારીઓ પ્રત્યે “નોન-ઇમિગ્રન્ટ વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવેલી ધમકીઓ” સંબંધિત તમામ રેકોર્ડ.
- જે ઘટનાઓમાં નોન-ઇમિગ્રન્ટ વિદ્યાર્થીઓએ કેમ્પસમાં અથવા બહાર અન્ય લોકોના અધિકારો છીનાવ્યા હોય તેના પણ રેકોર્ડ્સ.
- છેલ્લા પાંચ વર્ષમાં હાર્વર્ડમાં નોંધાયેલા નોન-ઇમિગ્રન્ટ વિદ્યાર્થીઓના શિસ્તને લગતા તમામ રેકોર્ડ.
- છેલ્લા પાંચ વર્ષમાં હાર્વર્ડના કેમ્પસમાં નોન-ઇમિગ્રન્ટ વિદ્યાર્થીઓ સાથે સંકળાયેલ વિરોધ પ્રદર્શનના કોઈપણ ઑડિઓ અથવા વિડિઓ ફૂટેજ.
પત્રમાં નોઈમે DHS સચિવ ક્રિસ્ટી નોએમે ચેતવણી આપી હતી, “ધ્યાન રાખો કે ખોટી, કાલ્પનિક અથવા કપટપૂર્ણ માહિતી આપવાથી તમારી સામે 18 U.S.C. § 1001 હેઠળ ફોજદારી કાર્યવાહી કરવામાં આવી શકે છે તથા અન્ય ફોજદારી અને નાગરિક પ્રતિબંધો પણ લાગુ થઈ શકે છે.”
હાર્વર્ડના સત્તાવાર રેકોર્ડ મુજબ, દર વર્ષે 500 થી 800 ભારતીય વિદ્યાર્થીઓ અહીં એડમિશન લે છે. દર વર્ષે દુનિયાભરમાંથી લગભગ 6,800 વિદ્યાર્થીઓ અહીં આવે છે. આ વર્ષે 788 ભારતીય વિદ્યાર્થીઓએ હાર્વર્ડમાં પ્રવેશ મળવ્યો હતો. હવે ટ્રમ્પ સરકારના આદેશ બાદ વિદેશી વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધવાની છે.
આ પણ વાંચો…હાર્વર્ડ યુનિવર્સિટીએ ટ્રમ્પ સામે શિંગડાં ભરાવ્યા! યુએસ સરકાર સામે ફેડરલ કેસ દાખલ કર્યો