આ કારણે એક જ દિવસમાં કાંદાના ભાવમાં જોવા મળ્યો આટલો જંગી વધારો…
નાશિકઃ નાશિકમાં એક્સ્પોર્ટ ડ્યૂટી લગાવવામાં આવી હોવાને કારણે અમુક સમય માટે નિયંત્રણમાં આવી ગયેલાં કાંદાના ભાવમાં ફરી એક વખત ઉછાળો જોવા મળ્યો છે. બુધવારે એક જ દિવસમાં કાંદાના ભાવમાં ક્વિન્ટલ દીઠ રૂપિયા 500થી 600નો વધારો જોવા મળ્યો હતો. દેશાંતર્ગત માગણી કાયમ હોવા છતાં આવકમાં ઘટાડો જોવા મળ્યો છે. નવો લાલ કાંદો પૂરતા પ્રમાણમાં બજારમાં આવે ત્યાં સુધી પરિસ્થિતી કાયમ રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
જિલ્લાની બધી જ બજાર સમિતીમાં ઉનાળાના કાંદાનો ભાવ સિઝનનો સૌથી વધુ ઊંચાઈ પર પહોંચ્યો હતો. લાસલગાવ બજાર સમિતીમાં મંગળવારે ઉનાળાનો કાંદાનો ભાવ પ્રતિક્વિન્ટલ આશરે 3800 રૂપિયા જેટલો હતો. બીજા દિવસે આ ભાવમાં કાંદાના ભાવમાં 500 રૂપિયાનો ભાવ વધીને 4351 રૂપિયા પર પહોંચી ગયો હતો. બુધવારે માર્કેટમાં 6364 ક્વિન્ટલ કાંદાની આવક થઈ હતી.
જિલ્લામાં થોડાક દિવસ પહેલાં બજાર સમિતીમાં લિલામી બંધ રાખવામાં આવી હતી અને આ નિર્ણય પર ફેરવિચારણા કરવામાં નથી આવી. આથી વિપરીત દેશમાં કાંદાની આવક ઓછી થઈ રહી છે. ચોમાસાના અભાવે આવતા વર્ષે આવકમાં ઘટાડો થશે અને આ પરિસ્થિતિને કારણે ઉપલબ્ધ કાંદાનો પુરવઠો દેશમાં જ રાખવું જરૂર છે, નહીં તો ભાવ એટલા બધા વધી જશે કે અત્યાર સુધીના તમામ વિક્રમો તૂટી જશે, એ તરફ ભાજપના પ્રધાને ધ્યાન દોર્યું હતું.
સપ્ટેમ્બર, ઓક્ટોબરના મધ્ય સુધીમાં અમુક હદે નિયંત્રણમાં રહેલાં ભાવ પાછા વધી રહ્યા છે. ઉનાળાનો કાંદો પૂરો થવા આવે અને નવો લાલ કાંદા બજારમાં આવે એ સમય વચ્ચે જેટલું અંતર હોય છે એ જ સમયગાળા દરમિયાન અછતને કારણે કાંદાના ભાવ વધે છે, એવો અત્યાર સુધીનો અનુભવ છે. હાલમાં આ જ પરિસ્થિતી છે. માગણી એટલી જ હોવા છતાં પણ કાંદાના આવકમાં ઘટાડો જોવા મળ્યો છે, જેને કારણે કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે.