ઇજિપ્ત,તુર્કી,ઇઝરાયેલ,સુદાન જેવા સૂકા રણ પ્રદેશોમાંજ જોવા મળતી વનસ્પતિની પ્રજાતિ કચ્છમાંથી મળી આવી

ભુજ: અનેક ભૌગોલિક વિવિધતાઓ ધરાવતાં ભાતીગળ પ્રદેશ કચ્છની ભૂમિમાંથી ગાઈડ’ તરીકે જાણીતી ગુજરાત ઈન્સ્ટિટયૂટ ઓફ ડેઝર્ટ ઈકોલોજી' સંસ્થાના વૈજ્ઞાનિકોની ટુકડીને સમગ્ર ભારતમાં ક્યાંય જોવા ન મળનારી દુર્લભ વનસ્પતિ ઝાઈગોફેલિયમ કોસિનિયમ' (ZYGOPHYLLUM COCCINEUM) મળી આવી છે.
મૂળ ઈજિપ્ત-તુર્કી, ઈઝરાયેલ જેવા પ્રદેશોની ખારી ભૂમિની આ વનસ્પતિ બૃહદ ભારતમાંથી માત્ર કંડલા-ગાંધીધામના માર્ગે મળી આવતાં વનસ્પતિશાત્રીઓ રોમાંચિત થઇ ઉઠ્યા છે. નોંધમીય છે કે, કચ્છમાં ઝાઈગોફેલિયમ કૂળની સિમ્પલેક્ષ નામની પ્રજાતિ અસ્તિત્વ ધરાવે છે, પરંતુ
કોસિનિયમ’ પ્રજાતિ પહેલી જ વખત નોંધાઈ છે.
આપણ વાંચો: ફોક્સ : દુર્લભ ઔષધીય વૃક્ષ દહીમન
કચ્છમાં જ અને દેશમાં પણ અન્ય સ્થળે આ પ્રજાતિની ઉપસ્થિતિ હોઈ શકે છે અને તેથી ગાઈડ સંસ્થા દ્વારા તેની વધુ હાજરી તેમજ આ પ્રજાતિના ગુણધર્મ વગેરે વિશે આગળનું સંશોધન હાથ ધરવામાં આવ્યું છે.
આ અંગે ગાઈડના નિર્દેશક ડો. વી. વિજયકુમારે આ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, સંસ્થાની નિયમિત ફિલ્ડ મુલાકાત દરમ્યાન વર્ષ ૨૦૨૩માં કંડલા-ગાંધીધામના માર્ગે પુલ નજીક જમીનમાં આ વનસ્પતિ નજરે પડી હતી. પહેલી નજરમાં તે `અજાણી’
લાગતાં તેના નમૂનાને જોધપુરની બોટોનિકલ સર્વે ઓફ ઈન્ડિયાને વૈજ્ઞાનિક પૃથકરણ માટે મોકલવામાં આવ્યા હતા, જ્યાં પરીક્ષણ બાદ આ વનસ્પતિ ઝાઈગોફેલિયમ કોસિનિયમ હોવાની પુષ્ટિ મળી હતી.
આપણ વાંચો: આ દુર્લભ પ્રાણી દેખાયું કચ્છમાંઃ વન વિભાગના કેમેરામાં થયું કેદ
કોસિનિયમ મૂળ પિરામિડ નગરી ઈજિપ્તની છે, જે મોટાભાગે રણ અથવા સૂકી ભૂમિ પર પાંગરતી હોય છે. આ વિશિષ્ટ પ્રજાતિ ઈજિપ્ત ઉપરાંત ઈરીટ્રિયા, અખાતી દેશો, કુવૈત, લેબેનોન-સીરિયા, ઇઝરાયેલ-પેલેસ્ટાઈન, સાઉદી અરેબિયા, સુદાન અને યમન જેવા દેશોમાં સામાન્ય રીતે જોવા મળે છે.
વિદેશોમાં થયેલાં સંશોધનોએ આ છોડની માટીમાંથી ભારે ધાતુઓ એકઠી કરવાની ક્ષમતાને ઓળખી છે. આ સાથે તેમાં અનેક ઔષધીય મૂલ્યો પણ રહેલાં છે. આ વન્સપરીનો ઉપયોગ સંધિવા, ઉધરસ, રક્તનું ઊંચું દબાણ (હાઈ બ્લડપ્રેશર), અસ્થમા તેમજ કેલોઈડ જેવા અમુક ત્વચાના રોગોમાં થાય છે.
જો કે, ભારતમાં તે સૌપ્રથમ વખત કચ્છમાં જ મળી હોવાથી તેનો ઔષધીય સ્વરૂપમાં કઈ રીતે અને કેટલો ઉપયોગ થાય છે તે સંપૂર્ણ તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકે તેમ હોવાનું ડો. વિજયકુમારે ઉમેર્યું હતું.
આ વનસ્પતિની હાજરી તેના મૂળ નિવાસસ્થાનથી દૂર નોંધાઈ હોવાથી વધુ સંશોધન જરૂરી છે. વિજયકુમારે વધુમાં ઉમેર્યું હતું કે, વનસ્પતિની કચ્છ પ્રદેશમાં હાજરી એ જળવાયુ પરિવર્તનને આભારી પણ કહી શકાય.
વૈજ્ઞાનિક ભાષામાં તેને એક્સટેન્શન કહેવાય છે. ઈઝરાયલ, તુર્કી જેવી આબોહવા અહીં મળી હોવાથી આ વનસ્પતિ અહીં ઊગી હોય તેવી સંભાવના છે. આ વનસ્પતિ પ્રજાતિ તેના પર્યાવરણીય અને ઔષધીય મૂલ્યોને કારણે મહત્ત્વપૂર્ણ છે.
કારણ કે, આ પ્રજાતિ વિવિધ પ્રકારની વસાહતોમાં નોંધાઈ છે અને ખડકાળ તેમજ કાંકરીવાળાં મેદાનોથી લઈને રેતાળ રણ પ્રદેશ તેમજ ચૂનાના પથ્થરોથી ભરપૂર ભૂમિમાં પણ જોવા મળે છે.
વનસ્પતિની પ્રજાતિની ઓળખ તથા તેનાં સંશોધનમાં ડો.વિજય કુમાર ઉપરાંત ડો. જયેશ બી. ભટ્ટ, રાકેશ પોપટાણી, વિવેક ચૌહાણ અને ભગીરથ પરાડવા જોડાયા હતા.