ગુજરાતમાં કોરોનાનો વધુ એક કેસ નોંધાયો, જાણો કયા જિલ્લામાં થઈ એન્ટ્રી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આજે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં 11 વર્ષનો બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેને ઘરમાં આઇસોલેટ કરવામાં આવ્યો હતો. બાળકમાં કોવિડના લક્ષણો જોવા મળતાં તેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો.
ગુરુવારે એક જ દિવસમાં કોરોનાના 21 નવા કેસ સામે આવતા કુલ આંકડો 34 પર પહોંચ્યો હતો. આ વધારો આરોગ્ય તંત્ર માટે ફરી એકવાર સાવચેતીનો સંકેત આપી રહ્યો છે. કુલ 34 કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 32 કેસ હતા, આ ઉપરાંત, અમદાવાદ ગ્રામ્યમાં 1 કેસ અને રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં પણ 1 કેસ સામે આવ્યો હતો.
આપણ વાંચો: કોરોના જીવલેણ નથી પણ અર્થતંત્રને ફટકો મારી શકે
રાજ્યમાં કોવિડ ટેસ્ટિંગનું પ્રમાણ વધતાં એક્ટિવ કેસનો આંકડો પણ વધી રહ્યો છે. તબીબો પણ ગભરાવાના બદલે સાવચેતી રાખવાની તથા ભીડથી દૂર રહેવાની અપીલ કરી રહ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના સૂત્રોના કહેવા પ્રમાણે, અમદાવાદ શહેરમાં હાલ કોવિડના 32 એક્ટિવ કેસ છે. મોટાભાગના દર્દી ઘરે જ સારવાર લઈ રહ્યા છે. મે મહિનામાં અત્યાર સુધીમાં અમદાવાદમાં કોરોનાના 38 પોઝિટિવ કેસ નોંધાયા છે.
આપણ વાંચો: વધુ એક બોલ્ડ એક્ટ્રેસ આવી કોરોનાની ઝપેટમાં, માતાને પણ લાગ્યો ચેપ
આરોગ્ય વિભાગ થયું સક્રિય
ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કેસને લઈ આરોગ્ય વિભાગ પણ સક્રિય થયું હતું. રાજ્યની સરકારી હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
સાથે જ ઓક્સિજન ટેંક, પીપીઈ કિટ, વેન્ટિલેટર, દવાઓ સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 1200 બેડ, 20 હજારની બે ઓક્સિજન ટેંક તૈયાર કરવામાં આવી હતી. રાજકોટ સિવિલમાં 20 બેડનો અને વડોદરાની સયાજી હોસ્પિટલમાં 22 બેડનો આઇસોલેશન વોર્ડ ઊભો કરવામાં આવ્યો હતો.