પરેશ રાવલે હેરા ફેરી 3 છોડતા અક્ષય કુમારને દુઃખ થયું; પ્રિયદર્શને કર્યા ખુલાસા

મુંબઈ: દિગ્ગજ અભિનેતા પરેશ રાવલનો ‘હેરા ફેરી 3‘ ફિલ્મ છોડવાનો નિર્ણય અને અક્ષય કુમાર સાથે તેમનો અણબનાવ હાલ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી ચર્ચાઈ રહેલો મુદ્દો છે.
એક ઈન્ટરવ્યું દરમિયાન પરેશ રાવલે જાહેરાત કરી હતી કે તેમને બાબુરાવના પાત્રથી ગુંગણામણ (Paresh Rawal quit Hera Pheri 3) થાય છે. અક્ષય કુમાર સાથે તેમના અણબનાવના પણ અહેવાલો વહેતા થયા છે. એવામાં ફિલ્મના દિગ્દર્શક પ્રિયદર્શન (Priyadarshan) એક ઈન્ટરવ્યુંમાં ઘણા ખુલાસા કર્યા છે.
પ્રિયદર્શને કહ્યું કે પરેશ રાવલના ‘હેરા ફેરી 3’ માંથી અચાનક બહાર નીકળવાના સમાચારથી તેમને અને તેમની આખી ટીમને આઘાત લાગ્યો હતો. પ્રિયદર્શને એ પણ ખુલાસો કર્યો કે જ્યારે અક્ષય કુમારને આ વાતની ખબર પડી ત્યારે તે ખૂબ જ દુઃખી થઈ ગયો હતો. તેને સમજાયું નહીં કે પરેશ રાવલે આવું કેમ કર્યું અને તેની આંખોમાં આંસુ આવી ગયા હતાં.
આપણ વાંચો: ‘હેરા ફેરી 3’માં ‘બાબુ ભૈયા’ બનવા અંગે પંકજ ત્રિપાઠીએ આપ્યું નિવેદન, હું તો પરેશ રાવલ સામે…
‘અમે મિત્રો છીએ’
ફિલ્મ હેરાફેરીના દિગ્દર્શક પ્રિયદર્શને ઇન્ટરવ્યુમાં કહ્યું, “પરેશે અમારામાંથી કોઈને પણ આ નિર્ણય વિશે જણાવ્યું ન હતું. તેઓ મારો અથવા બીજા કોઈનો સીધો સંપર્ક કરી શક્યા હોત કારણ કે અમે વર્ષોથી મિત્રો છીએ. ગયા અઠવાડિયે જ અમે અક્ષય કુમાર સાથે ‘ભૂત બાંગ્લા’નું શૂટિંગ પૂરું કર્યું હતું.”
પ્રિયદર્શને જણાવ્યું કે પરેશ રાવલે મીડિયામાં જાહેરાત કર્યા પછી તેમને એક મેસેજ મોકલ્યો હતો. તેમણે મેસેજમાં હતું કે, “પ્રિયાન સર, મને તમારી સાથે કોઈ ફરિયાદ નથી. હું તમારો ખૂબ આદર કરું છું, પણ ફિલ્મ ન કરવા પાછળ મારી પાસે મારા પોતાના કારણો છે. આપણે ભવિષ્યમાં ચોક્કસ સાથે કામ કરીશું.”
આપણ વાંચો: પરેશ રાવલને ‘બાબુરાવ’થી નફરત કેમ થઈ? ‘હેરા ફેરી 3’ છોડવા પાછળનું ચોંકાવનારું કારણ!
‘મને ફોન ન કરશો’
પરેશ રાવલે તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે પ્રિયદર્શને તેમને હેરાફેરી 3 ફિલ્મ માટે મનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પ્રિયદર્શને આ દાવાને ફગાવી દીધો છે.
પ્રિયદર્શને કહ્યું, “મેં તેમને રોકવાનો પ્રયાસ કર્યો નથી, કારણ કે તેમણે મને જાણ કરી ન હતી કે તેઓ ફિલ્મ છોડવા ઈચ્છે છે. જ્યારે મેં તેમનો સંપર્ક કર્યો, ત્યારે તેમણે મેસેજ મોકલ્યો કે, ‘પ્લીઝ મને ફોન કરશો નહીં. આ મારો નિર્ણય છે.'”
આપણ વાંચો: Bad news: હેરાફેરી-3માં નહીં હોય પરેશ રાવલ, આ કારણે ફિલ્મ છોડવાનો લીધો નિર્ણય
અક્ષય કુમારને પણ દુઃખ થયું:
પ્રિયદર્શને આગળ કહ્યું, “અમારા બધા કરાર યોગ્ય રીતે પૂર્ણ થયા હતા. દસ દિવસ પહેલા પણ અમે સાથે એક સીન અને IPL ટીઝર શૂટ કર્યું હતું. અમારી સંમતિ પછી જ અક્ષયે ફ્રેન્ચાઇઝીના રાઈટ્સ ખરીદ્યા હતાં. જ્યારે અક્ષયે મને પૂછ્યું, ‘પરેશ અમારી સાથે આવું કેમ કરી રહ્યો છે?’ ત્યારે તેની આંખોમાં આંસુ હતાં.”