શો-શરાબા- બોલિવૂડ ને પાન-ઇન્ડિયા ફિલ્મ્સની પાક્કી દોસ્તી ક્યારે થશે?

-દિવ્યકાંત પંડ્યા
હિન્દી ફિલ્મ્સના નિર્માતાઓને પાન-ઇન્ડિયા ફિલ્મ્સ કેમ નથી ફળી રહી એ જાણવું જરૂરી છે
હમણાં ‘યશરાજ ફિલ્મ્સ’ની સ્પાય યુનિવર્સની ‘વોર 2’ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું. અયાન મુખર્જી દિગ્દર્શિત આ ફિલ્મમાં હૃતિક રોશન, જુનિયર એનટીઆર અને કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં છે. જુનિયર એનટીઆરની હાજરી અને ફિલ્મનો રિલીઝ પ્લાન ‘વોર 2’ને એક પાન-ઇન્ડિયા ફિલ્મ બનાવે છે.
જોકે, પાછલાં કેટલાંક વર્ષોમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક શબ્દ ખૂબ ચર્ચામાં રહ્યો છે. એ છે પાન-ઇન્ડિયા. જ્યાં પહેલાં હિન્દી ફિલ્મ્સ માત્ર ઉત્તર ભારતમાં અને દક્ષિણની ફિલ્મ્સ મુખ્યત્વે એમનાં પ્રદેશોમાં જ બોક્સઓફિસ પર ચાલતી હતી, ત્યાં હવે ફિલ્મ્સ બધી ભાષામાં ડબ કરી, આખા દેશમાં રિલીઝ કરવાની પરંપરા શરૂ થઈ છે.
ખાસ કરીને દક્ષિણમાં જ્યારથી ‘બાહુબલી’, ‘પુષ્પા’, ‘કે.જી.એફ.’ અને ‘આરઆરઆર’ જેવી ફિલ્મ્સ હિન્દી તથા અન્ય ભાષાઓમાં રજૂ થઈ અને તેને જોરદાર સફળતા મળી ત્યારથી આ ચલણ વધ્યું છે.
આપણ વાંચો: ફિલ્મ માની રીલિઝ પહેલાં કાજોલ પહોંચી કોલકતાના જાણીતા મંદિરે…
આજે દક્ષિણના કલાકારો પણ હિન્દી ફિલ્મ્સમાં પણ વધુ કામ કરવા લાગ્યા છે અને બોલિવૂડના કલાકારો દક્ષિણની ફિલ્મ્સમાં કામ કરવા લાગ્યા છે. આ બધું જોઈને એવું લાગે કે હવે સાચે પાન-ઇન્ડિયા સિનેમા ઊભું થઈ રહ્યું છે. પણ શું એવું છે ખરું?
પાન-ઇન્ડિયા ફિલ્મ ‘બાહુબલી’ને દેશના કોઈ પણ ખૂણે બેઠેલા માણસને જોવાની મજા આવી હતી. ‘કે.જી.એફ.’ અને ‘પુષ્પા’ જેવી ફિલ્મ્સમાં પણ ધમાકેદાર એક્શન અને લોકપ્રિય પાત્રો હતા કે લોકો ફરીથી-ફરીને જોવા ગયા. દિગ્દર્શક એસ. એસ. રાજામૌલીની ‘આરઆરઆર’ તો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ગાજી.
આ બધું જોઈને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના નિર્માતાઓએ પણ વિચાર્યું કે હવે અમારે પણ એવી ફિલ્મ્સ બનાવવી જોઈએ જે આખા દેશમાં રિલીઝ થાય અને બધે ચાલે, પણ અહીં યક્ષ પ્રશ્ન એ છે કે શું હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ એ રીતે આખા ભારતમાં ચાલવા લાયક ફિલ્મ્સ બનાવી શકે છે ખરી?
આપણ વાંચો: ‘હેરા ફેરી 3’માં ‘બાબુ ભૈયા’ બનવા અંગે પંકજ ત્રિપાઠીએ આપ્યું નિવેદન, હું તો પરેશ રાવલ સામે…
એક ઉદાહરણ જોઈએ, ‘લાઇગર’ (2022). આ પાન-ઇન્ડિયા ફિલ્મમાં વિજય દેવરકોંડા અને અનન્યા પાંડે હતા. બહુ પ્રમોશન કરવામાં આવ્યું, પણ ફિલ્મમાં કોઈ ખાસ કથાવસ્તુ ન હતી એટલે દક્ષિણના દર્શકોને પણ ન ગમી અને હિન્દી દર્શકોએ પણ તેને આવકારી નહીં.
બોલિવૂડની બીજી ઘણી ફિલ્મ્સ હતી જેને પાન-ઇન્ડિયા બનાવવાનો પ્રયાસ થયો, પણ હકીકતમાં એ પ્રયત્ન માત્ર કાગળ પર જ રહી ગયો. ‘બ્રહ્માસ્ત્ર’ જેવી ફિલ્મમાં નાગાર્જુન જેવા દક્ષિણના કલાકારને લઈને દેશભરમાં મોટી રિલીઝ પ્લાન થઈ હતી, પણ એ ફિલ્મ દક્ષિણમાં બહુ ચાલી નહીં.
કુલ કમાણી પણ માંડ બજેટ જેટલી જ થઈ અને એટલે જ ત્રણ ભાગની ફ્રેન્ચાઈઝની જાહેરાત કરી હોવા છતાં હવે બીજા ભાગના કોઈ જ સમાચાર નથી.
આપણ વાંચો: અવનીત કૌરની ગ્લેમરસ તસવીરો વાયરલ, યૂઝરે લખ્યું હવે વિરાટ લાઈક નહીં કરે
દક્ષિણના દર્શકો પોતાનાં કલ્ચર અને પાત્રો જોવાનું વધુ પસંદ કરે છે. હિન્દી ફિલ્મ્સમાં જે ઓછું જોવા મળે છે. હિન્દી ફિલ્મ પ્રોડક્શન હાઉસિસના પ્રયાસો એટલા સફળ ન જવા પાછળ આ કારણ પણ જવાબદાર ખરું. દક્ષિણ અને ખાસ કરીને આખા દેશને પસંદ આવે તેવી માસ હીરોઇઝમ પ્રદર્શિત કરતી પાન-ઇન્ડિયા ફિલ્મ્સ બનાવવામાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પૂરતી ફાવટ નથી એ વર્તાઈ રહ્યું છે. એમની પાન-ઇન્ડિયા ફિલ્મ્સ માત્ર ભવ્યતામાં સીમિત રહી જાય છે.
‘આદિપુરુષ’ જેવા કિસ્સાઓમાં તો બોલિવૂડના નિર્માતાઓએ પવિત્ર કથાઓને પણ બદલી નાખી અને એને પાન-ઇન્ડિયા બનાવી દેશભરમાં વેચવાનો મોટાપાયે પ્રયાસ કર્યો, પણ પરિણામે ફિલ્મ નિષ્ફળ થઈ.
રામાયણ જેવી કથામાં જ્યાં સંવેદનશીલતા જોઈએ ત્યાં અતરંગી વિઝ્યુઅલ ઇફેક્ટસથી જ કામ લેવાનું વિચાર્યું. એટલું જ નહીં, ફિલ્મના ઢંગધડા વગરના સંવાદો મુદ્દે યોગ્ય રીતે જ લોકોએ વિરોધ ઉઠાવ્યો. આવી સ્થિતિમાં એ ફિલ્મ પાન-ઇન્ડિયા નહીં, પાન-ઇન્ટરનેટ મીમ બની ગઈ.
ટૂંકમાં જો કથાવસ્તુ ન હોય તો એ કોઈ પણ ફિલ્મ માત્ર ડબ કરીને દરેક ભાષામાં રિલીઝ થવાથી પાન-ઇન્ડિયા ન બની શકે. કલાકારો, સૌને અપીલ કરે તેવી વાર્તા, ગીતો, માર્કેટિંગ બધું જ ખરા અર્થમાં પાન-ઇન્ડિયા હોવું જરૂરી છે, જેમ કે એટલી દિગ્દર્શિત ‘જવાન’ ફિલ્મમાં શાહરુખ ખાન ઉપરાંત નયનતારાની હાજરી પણ હતી અને માસ અપીલ પણ
હતી.
એ ફિલ્મ સફળ રહી હતી, પણ તેની સામે હમણાં જ આવેલી સલમાન ખાનની ‘સિકંદર’માં પણ દક્ષિણ ભારતીય દિગ્દર્શક મુરુગાદોસ હતા અને દક્ષિણની જ અભિનેત્રી રશ્મિકા મંદાના હતી. પણ ફિલ્મની વાર્તા અને મેકિંગ સાવ ઉભડક હતા કે ફિલ્મ ન ચાલી. એનાથી સાબિત થાય છે કે દરેક પાસાંને યોગ્ય રીતે ગોઠવીને ફિલ્મ બનાવવામાં આવે તો દર્શકો ફિલ્મને સફળ બનાવે, નહીં તો પાન-ઇન્ડિયાના નામ પર કંઈ પણ ચાલી જાય એ શક્ય
નથી.
નિતેશ તિવારીના દિગ્દર્શનમાં બની રહેલી ‘રામાયણ’ પર આધારિત ફિલ્મમાં રણબીર કપૂર ઉપરાંત ‘કે.જી.એફ.’ સ્ટાર યશ છે અને દક્ષિણના અન્ય કલાકારો પણ છે. જો આ ફિલ્મ સાચી લાગણી અને સંસ્કૃતિ સાથે બનાવવામાં આવશે તો એ શક્ય છે કે એ ખરા અર્થમાં પાન-ઇન્ડિયા ફિલ્મ બની શકશે.
આજે લોકો માત્ર મોટા નામોને કારણે ફિલ્મ જોવા જતાં નથી. એમને એવો વિષય જોઈએ છે જે હૃદયને સ્પર્શે.
ફિલ્મ ભાષા વગર પણ એમાં લાગણી અને કથાવસ્તુ હોય તો લોકો જોઈ શકે છે. પાન-ઇન્ડિયા બનાવવા માટે માત્ર અનેક ભાષામાં ડબિંગ કરી લેવું પૂરતું નથી.
લાસ્ટ શોટ
શાહિદ કપૂર અભિનીત ‘દેવા’માં પણ દક્ષિણ ભારતીય દિગ્દર્શક અને અભિનેત્રી હતા, છતાં ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત નહોતી થઈ શકી.