મેટિની

ફિલ્મો થકી ફુગાવાનો અંદાજ આવે ખરો?!

મહેશ નાણાવટી

સરકાર ફુગાવાના ઈન્ડેક્સો બહાર પાડીને બહુ કોશિશ કરે છે એ દેખાડવાની કે મોંઘવારી કાબૂમાં છે. બીજી તરફ , વિપક્ષો સોશિયલ મીડિયામાં ચાર્ટ વહેતો મૂકીને કહે છે કે જુઓ, ડૉલરની સરખામણીમાં રૂપિયો ગબડતો ગબડતો આજે કેટલો તળિયે પહોંચી ગયો છે!

જોકે, રૂપિયાની કિંમત અગાઉ કેટલી હતી અને આજે કેટલી છે એ જાણવા માટે હિન્દી ફિલ્મો બેસ્ટ ફૂટપટ્ટી સમાન છે,

જેમકે….

‘ચલતી કા નામ ગાડી’ ફિલ્મ (1958)માં એક ગાયન હતું:

‘દે દો મેરા પાંચ રૂપૈયા બારા આના…!’

હવે જસ્ટ વિચાર કરો, એ ગાયન ગાનારા કિશોરકુમારે તો બિલકુલ મોડી રાત્રે, ભર વરસાદમાં બંધ પડી ગયેલી મધુબાલાની કાર (ગાયન ગાતાં ગાતાં) રિપેર કરી આપી હતી, છતાં એનું બિલ માત્ર પાંચ રૂપિયા અને 12 આના અર્થાત પંચોતેર પૈસા જ હતું!

એમાંય રિપેરિંગ કરતાં કરતાં કિશોરકુમારે જે મસ્ત ગીત સંભળાવ્યું હતું એનો તો એક પૈસો પણ એક્સ્ટ્રા ચાર્જ લગાડ્યો નહોતો!

અત્યારે ભલે પાંચ રૂપિયા ને પંચોત્તેર પૈસા સાવ મામૂલી સીન લાગે, પણ ‘ગૂગલ’બાબાને પૂછો તો જવાબ મળે છે કે એ વખતે પેટ્રોલની કિંમત માત્ર 25 થી 27 પૈસા હતી!

1947ના ‘કિસ્મત’ નામની એક સુપરહિટ ફિલ્મ આવી હતી, જે કોલકત્તાના એક ગુજરાતી માલિકના સિનેમા હોલ ‘રોક્ષી’માં સળંગ ત્રણ વરસ ચાલી હતી. આજે એ ફિલ્મનો ટોટલ વકરો આજની કિંમત મુજબ કાઢો તો કંઈ 500 કરોડની ઉપરનો હિસાબ બતાડે છે! પણ યાદ છે, એમાં અશોકકુમાર એક ઘડિયાળ ચોરે છે? એ વેચીને એ ઘડિયાળનો મુફલિસ માલિક એક ભવ્ય લાઈવ મ્યુઝિકલ ઓપેરાની ટિકિટ ખરીદવા માગતો હતો તો એ જમાનામાં એ ઘડિયાળની કિંમત કેટલી હશે? કમ સે કમ ‘પાંચ’ રૂપિયા!

આ પણ વાંચો…પંકજ મલિક – સાયગલના બહુઆયામી ડિરેક્ટર: ફણી મજુમદાર

જૂની ફિલ્મોમાં હીરોની માને હંમેશાં ‘ટીબી’ થતો હતો, જેના ઈલાજની કિંમત ફિલ્મના રિલીઝ થવાના વર્ષ મુજબ બદલાતી રહેતી હતી. 50ના દાયકામાં ‘બેટા, ઈલાજ કે લિયે એક હજાર રૂપિયે… મૈ કહાં સે લાઉંગી?’ એવો ડાયલોગ આવતો હતો.

લોટરીનું પણ ઈકોનોમિક્સ કેટલું બદલાઈ ગયું છે. આજે ઈંઙકમાં તો રોજનું એક કરોડ અને બબ્બે કરોડનું ઈનામ હોય છે, જ્યારે 1966માં આવેલી ફિલ્મનું નામ જ ‘દસ લાખ’ હતું ! આ ‘દસ લાખ’ વડે ટિકિટબારી ઉપર કેટલા રૂપિયા જમા થયા હશે?

અંદાજ લગાવવો મુશ્કેલ છે કેમ કે 1973માં જ્યારે ઓ. પી. રાલ્હને પોતાની ‘બંધે હાથ’ (એમાં અમિતાભ બચ્ચનનો પહેલો ડબલ રોલ હતો) રિલીઝ કરેલી ત્યારે પબ્લિસિટી એ રીતે કરેલી કે આ ફિલ્મ બનાવવામાં ‘1 કરોડ’ રૂપિયાનો ખર્ચ થયો છે!

હવે એની સામે બે જ વર્ષ પછી આવેલી ‘શોલે’ની વાત કરીએ તો એમાં પણ ખૂનખાર ડાકુ ગબ્બરને માથે કેટલા રૂપિયાનું ઈનામ હતું? ‘પૂરે પચાસ હજાર!’ તો આ સાંભળીને આપણને જરૂર વિચાર આવે કે એ જમાનામાં સરકાર ઈનામ બાબતે ઘણી કંજૂસાઈ કરતી હતી, નહીં? બે વરસ પહેલાં એક આખી ફિલ્મ બનાવવામાં 1 કરોડ ખર્ચાઈ ગયા અને આ ખતરનાક ડાકુને જીવતો પકડવાનું ઈનામ માત્ર 50 હજાર?!

આ પણ વાંચો…ફિલ્મ ઘરાનાના અટપટા સંબંધોના ગૂંચવી દે એવા ગુણાકાર – ભાગાકાર..!

‘દસ લાખ’ ફિલ્મમાં એક ગાયન હતું : ‘તુમ એક પૈસા દોગે, વો દસ લાખ દેગા!’ જો કે આ દસ લાખ તો ઉપરવાળો ભગવાન આપશે એવી વાત હતી, પણ આપણે 1967માં જઈએ તો એક ગાયન હતું ‘એક પૈસે કા સવાલ હૈ, મેરે દાતા… મેરે દાતા…’
ફિલ્મ ‘ઘર કા ચિરાગ’માં એ ભિક્ષુક બાળક આગળ કહે છે ‘એક રોટી ખા લુંગા, મૈં પ્યાસ બુઝા લુંગા…’ મતલબ કે 1967માં એક રોટી એક પૈસામાં મળી જતી હતી! (તો ગુજરાતી થાળીનો શું ભાવ ચાલતો હતો? કોઈ કહેશો?! )

આપણે 1975માં ગબ્બરને પકડવાનું જે ઈનામ હતું એનો ભાવ તો પચાસ હજાર સાંભળી ચૂક્યા હતા, છતાં 1987માં ફિલ્મ આવે છે જેનું નામ હતું: ‘ઈનામ દસ હજાર…’ બોલો. એમાં બિચારા સંજય દત્તના માથે માત્ર દસ હજારનું ઈનામ હોય છે!

ફિલ્મ ‘શરાબી’માં જયા પ્રદા પોતાના માટે અમિતાભ આગળ ગાયન ગાતાં ડિમાન્ડ કરે છે. ‘મુઝે નૌલખા મંગા દે, ઓ સૈયા દિવાને…’ આમાં સામાન્ય સમજણ તો એવી જ હોય કે એ નેકલેસની કિંમત ‘નવ લાખ’ની જ હશે, પરંતુ ‘નૌલખા હાર’ તો એથી પણ જૂની નોન ફિલ્મી વાર્તાઓમાં આવતો રહેતો હતો.

તો આમાં આપણે નેકલેસનું વેલ્યુએશન શી રીતે કરાવવાનું? કેમ કે લગભગ 100 વરસ પહેલાંની દંતકથામાં પણ ‘નવલખો’ હાર નવ લાખનો જ હતો અને 1987ની ફિલ્મ ‘શરાબી’માં પણ એની વેચાણ કિંમત (જીએસટી વિના) હજી નવ લાખ જ હોય?
Indian economy in movies
તો પૂરેપૂરી શક્યતા છે કે કાં તો હારની સાઈઝ નાની થઈ ગઈ હશે અથવા એમાં જે હીરા-મોતી જડેલા હશે તે સાવ સસ્તી ક્વોલિટીના હશે!

હવે તમે ફિલ્મી ફુગાવો જુઓ… જ્યાં ‘60’, ‘70’, કે ‘80’ના દાયકાની ફિલ્મોમાં કિંમતો નવ લાખ કે દસ લાખની ઉપર નથી જતી ત્યાં 2014માં ‘હેપ્પી ન્યુ યર’ ફિલ્મમાં છેક દુબઈમાં જઈને પૂરા 500 કરોડના હીરા ચોરવાનો પ્લાન બને છે! ફુગાવાની પણ હદ કહેવાયને? કેમ કે હજી 1978માં આવેલી ‘શાલીમાર’નો પેલો મહા-કિંમતી ડાયમન્ડ પણ માત્ર 1 કરોડનો હતો.

ચાલો, હીરા મોતી જેવી મોંઘી ચીજોના ભાવમાં ના પડીએ તો 2014માં આવેલી ‘હંપ્ટી શર્મા કી દુલ્હનિયા’માં આલિયા ભટ્ટ પોતાના લગ્ન માટે ‘માત્ર’ કેટલા રૂપિયાના ‘લહેંગા’ માટે અંબાલાથી દિલ્હી ભાગી આવે છે? માત્ર 1 લાખના લહેંગા માટે!

આવા મોટા મોટા આંકડાઓ વચ્ચે જ્યારે આપણે એક જૂનું ગાયન સાંભળીએ કે ‘દસ પૈસે મેં રામ લે લો, દસ પૈસે મેં રામ….’

ત્યારે સહેજે સવાલ થાય કે બોસ, આટલી બધી સસ્તાઈ ક્યારે હતી? માત્ર દસ પૈસામાં રામની મૂર્તિ તો જવાબ છે 1968! ફિલ્મ ‘એક ફૂલ, એક ભૂલ’ જેમાં આગળ કહે છે ‘દસ સિરવાલા રાવણ લે લો, દો પૈસૈ હૈં દામ!’

આ પણ વાંચો…મસાલેદાર કિસ્સા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button