મેટિની

‘પારસમણિ’ના ગીત આજે પણ સ્મરણમાં છે…

હેન્રી શાસ્ત્રી

લક્ષ્મીકાંત – પ્યારેલાલ

ફિલ્મ પત્રકારત્વના દિવસો દરમિયાન કેટલીક સિને સેલિબ્રિટીને નજીકથી નિહાળવાનો મોકો મળ્યો. અલબત્ત, અહીં કોઈ બાહ્ય દેખાવની વાત નથી, બલકે એ વ્યક્તિની કાર્યશૈલીને વ્યક્તિગત સ્વરૂપે જાણવા- સમજવાનો મોકો મળ્યો. આવી લેવડદેવડમાં વિશિષ્ટ માહિતી – જાણકારી મળવા ઉપરાંત કેટલીક બાબત વ્યક્તિગત વિકાસમાં નિમિત્ત બને છે. ‘એલપી’ તરીકે ખ્યાતનામ એવા લક્ષ્મીકાંત – પ્યારેલાલ સંગીત બેલડીના લક્ષ્મીકાંત કુડાળકરને એમના નિવાસસ્થાન ‘પારસમણિ’ પર મળવાનું થયું અને એ મુલાકાત અનન્ય સંભારણું બનવાની સાથે સંગીતની સમજણ વિકસાવવામાં મદદરૂપ થઈ. આ રવિવારે લક્ષ્મીકાંતજીની પુણ્યતિથિ છે ત્યારે એમની પ્રથમ ફિલ્મ ‘પારસમણિ’નાં અવિસ્મરણીય ગીતો અને એમણે જ કહેલી અન્ય કેટલીક મજેદાર વાત અહીં પેશ છે….

અલગ અલગ સંગીત દિગ્દર્શકો માટે રેકોર્ડિંગ કર્યા પછી ઈન્ડસ્ટ્રીમાં કાબેલ મ્યુઝિશિયન્સ તરીકે લક્ષ્મી – પ્યારેની ખ્યાતિ પ્રસરી રહી હતી. વારાફરતી બે ફિલ્મમાં સંગીત દિગ્દર્શક બનવાની ઓફર મળી. એક હતી ‘હમ તુમ ઔર વો’ (1971ની આ નામવાળી ફિલ્મ અલગ હતી, જેમાં સંગીત કલ્યાણજી – આનંદજીનું હતું) અને બીજી હતી ‘પિયા લોગ ક્યા કહેંગે’. આ બંને ફિલ્મ શૂટિંગ શરૂ થવા પહેલા જ ડબ્બામાં બંધ થઈ ગઈ. જોકે, ટાઈટલ સોંગ ‘પિયા લોગ ક્યા કહેંગે’ની ધૂનનો ઉપયોગ ‘દોસ્તી’ ફિલ્મના અવિસ્મરણીય ગીત ‘ચાહુંગા મૈં તુજે સાંજ સવેરે’ ગીતમાં કર્યો હતો. ફિલ્મ ‘પારસમણિ’નાં ગીતો સ્વરબદ્ધ કર્યા એ પહેલાં એમણે ‘છૈલા બાબુ’ (1967)ના ગીત રેકોર્ડ કર્યા હતા, પણ ‘પારસમણિ’ પહેલા રિલીઝ થઈ હતી. જે થયું એ સારું થયું, કારણ કે ‘પારસમણિ’નાં ગીતોને ધૂમ લોકપ્રિયતા મળી અને પહેલી જ ફિલ્મથી નામના મળી. ‘છૈલા બાબુ’ પહેલી આવી હોત તો એવું ન થયું હોત.

બાબુભાઈ મિસ્ત્રીની ‘પારસમણિ’માં કુલ છ ગીત હતાં અને ફિલ્મ રિલીઝ થઈ ત્યારે છ એ છ ગીત લોકપ્રિય થઈ ગયા. ખાસ ઉલ્લેખ કરવો જોઈએ લતાદીદીના ‘ઉઈ માં ઉઈ માં યે ક્યા હો ગયા, ઉન કી ગલી મેં દિલ ખો ગયા, બિંદિયા હો તો ઢૂંઢ ભી લૂં મૈં, દિલ ના ઢૂંઢા જાય’ ગીતનો. ગીતનું ફિલ્માંકન મુખ્યત્વે હેલન પર કરવામાં આવ્યું છે. હેલનનું નામ પડતા કેબ્રે ડાન્સ અને ઓછાં વસ્ત્રોમાં સજ્જ ડાન્સર જ નજર સામે તરવરે. જોકે, આ ગીત અપવાદ છે. ગીતનું સ્વરાંકન શાસ્ત્રીય રાગમાં થયું છે અને સર સે પાંવ તક ગ્રામીણ પરિવેશમાં સજ્જ હેલને લોકનૃત્ય કર્યું છે. લતાદીદીની મીઠાશ, હેલનનું નૃત્ય અને એલપીના સ્વરાંકનના વિશિષ્ટ ત્રિવેણી સંગમે ગીતને ચાર ચાંદ લગાવી દીધા છે. ગીતની શરૂઆતમાં લગભગ એક મિનિટનું પ્રીલ્યુડ (ગીત શરૂ થતા પૂર્વે વાગતું સંગીત) એવો સમા બાંધી દે છે કે ભાવક ગીતમાં તણાઈ જાય છે અને પોણા પાંચ મિનિટ લાંબા ગીતને માણીને આનંદવિભોર થઈ જાય છે. ગીત સાંભળશો તો વાયોલિન, ગિટાર, ફ્લુટ અને સંગીતકાર જોડીનો ટ્રેડમાર્ક બની ગયેલા ઢોલકનો ઉપયોગ તમને પ્રસન્ન ચિત્ત કરી દેશે. ગીતના ઈન્ટરલ્યુડ (ગીતના શબ્દોને વિરામ આપતું સંગીત)માં પણ વાયોલિન, ગિટાર અને ફ્લુટનું સુંદર સંયોજન જોવા મળે છે. સિવાય આ જોડીનાં ગીતોમાં પોસ્ટલ્યુડ (ગીતના સમાપન વખતની વિશિષ્ટ તરજ) પણ નામના ધરાવે છે.

લક્ષ્મીકાંત – પ્યારેલાલની જોડીએ અનેક વાર રફી – લતા માટે અહોભાવ પ્રગટ કર્યો છે. જ્યારે એલપીની સ્વતંત્ર મ્યુઝિક ડિરેક્ટર તરીકે કોઈ ઓળખ નહોતી બની એ સમયમાં એમના સ્વરાંકનમાં ગીત ગાવાની તૈયારી એ સમયના આ બંને ટોચના ગાયકોએ બતાવી હતી અને એ પણ પોતાના રેગ્યુલર વળતર-મહેનતાણામાં કાપ મૂકીને!. ‘પારસમણિ’માં રફી – લતાનું એક યુગલ ગીત (વો જબ યાદ આયે, બહોત યાદ આયે) આજે પણ લોકજીભે રમે છે એમાં બંને ગાયકના યોગદાન ઉપરાંત ગીતકાર અસદ ભોપાલીની કલમ (ગમ – એ – ઝિંદગી કે અંધેરે મેં હમને ચિરાગ – એ – મોહબ્બત જલાયે, બુઝાયે)ની કમાલ સાથે સ્વરાંકનમાં સિતાર, વાયોલિન અને તબલા – ઢોલકનો ઈસ્તેમાલથી ગીત સદાબહાર બન્યું છે. ઢોલક તો લક્ષ્મીકાંત – પ્યારેલાલના કમ્પોઝીશનનો પ્રાણ બની ગયું. લક્ષ્મીકાંતજી ગુલામ હૈદર અને ગુલામ મોહમ્મદના સ્વરાંકનથી પ્રભાવિત હતા. હિન્દી ફિલ્મ સંગીતમાં ઢોલકના વ્યાપક ઉપયોગની શરૂઆત ગુલામ હૈદર અને ગુલામ મોહમ્મદનાં ગીતોથી શરૂ થઈ હતી.

‘પારસમણિ’ રિલીઝ થઈ ત્યારે લક્ષ્મી – પ્યારેના ‘હસતા હુઆ નુરાની ચેહરા’ને સૌથી વધુ ખ્યાતિ મળી. એલપીએ ફિલ્મ માટે સ્વરબદ્ધ કરેલું આ પ્રથમ ગીત હતું અને ગીતકાર હતા ફારૂક કૈસર. ભારતીય શાસ્ત્રીય સંગીત અને વેસ્ટર્ન હાર્મનીનું સુંદર સંયોજન અહીં જોવા મળે છે. એકોર્ડિયન અને ગિટારમાં પશ્ચિમી ધૂન અને તબલા તેમજ હાર્મોનિયમની સંગતમાં ભારતીય શૈલીનું મ્યુઝિક સંગીતપ્રેમીઓને રસતરબોળ કરી દે છે. હિન્દી ફિલ્મોનાં અવિસ્મરણીય ગીતોની યાદીમાં આ ગીત આવે જ અને છ દાયકા પછી પણ લોકો નહીં ભૂલ્યા હોય. આજે ફિલ્મ કે એના કલાકાર વિશે ભાગ્યે જ કોઈને કશું યાદ હશે, પણ લક્ષ્મીકાંત પ્યારેલાલનાં અનેક ગીત હોઠ પર ચોક્કસ રમતા હશે.

આ પણ વાંચો…મસાલેદાર કિસ્સા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના…

‘દોસ્તી’ની ધૂંઆધાર સફળતા પછી નામ – કામ અને દામ મળવા લાગ્યા એ હકીકતથી સહુ કોઈ વાકેફ છે. જોકે, તારાચંદ બડજાત્યા શરૂઆતમાં અન્ય સંગીતકાર સાથે કામ કરવા ઉત્સુક હતા. તો લક્ષ્મી – પ્યારેને આ ફિલ્મ મળી કેવી રીતે? જાણીએ લક્ષ્મીકાન્તજીના જ શબ્દોમાં….

‘રાજશ્રી પ્રોડક્શન બે કિશોરની મૈત્રી પર એક ફિલ્મ બનાવવા ઉત્સુક હતું. તારાચંદ બડજાત્યાને બંગાળી ફિલ્મ ‘લાલુ ભૂલુ’ બહુ પસંદ પડી હતી અને ‘દોસ્તી’ આ બંગાળી ફિલ્મની રિ-મેક હતી. બડજાત્યા સાહેબ સંગીતકાર તરીકે રોશનને લેવા ઉત્સુક હતા. જોકે, ફિલ્મની વાર્તા સાંભળી રોશનજી નિરાશ થયા અને બહાનું કાઢી ફિલ્મ સ્વીકારી નહીં. એટલે રાજશ્રીએ અમારો સંપર્ક કર્યો. અમે તરત હા પાડી દીધી, કારણ કે ફિલ્મમાં ગીત – સંગીતને ખાસ્સો અવકાશ હોવાનો ખ્યાલ મને આવી ગયો હતો, પણ એક મુશ્કેલી આવીને ઊભી રહી. ગીતકાર મજરૂહ સુલતાનપુરી અમારા જેવા નવાસવા સંગીતકાર સાથે કામ કરવા ઉત્સુક નહોતા. બડજાત્યાની સમજાવટ પછી તૈયાર થયા અને અમારી કરિયરની પ્રથમ હિટ ફિલ્મ અમને મળી. પછી તો મજરૂહ સાથે અમારું ટ્યુનિંગ એવું જામ્યું કે બીજી 45 ફિલ્મમાં અમે સાથે કામ કર્યું.! ’

1960ના દાયકામાં જ્યુબિલી સ્ટારનો ટ્રેડમાર્ક ધરાવતા રાજેન્દ્ર કુમારની ફિલ્મોને સાંપડેલી સફળતામાં ગીત – સંગીતનો ફાળો મહત્તમ રહ્યો છે. એમનાં ગીતો સાંભળો તો તમને મુખ્યત્વે મોહમ્મદ રફી સાહેબનો જ સ્વર સંભળાશે. અપવાદરૂપે મુકેશ કે મહેન્દ્ર કપૂરનો અવાજ સાંભળવા મળે ખરો. પણ, કિશોર કુમાર? ધોળે ધરમેય ન ચાલે એવી દલીલ કરાય.

જોકે, રાજેન્દ્ર કુમારની ‘આપ આયે બહાર આયી’ ફિલ્મમાં લક્ષ્મીકાંતજીના આગ્રહથી જ લતા મંગેશકરના એક યુગલ ગીતમાં કિશોર કુમારએ પ્લેબેક આપ્યું છે. દિગ્દર્શક, પ્યારેલાલ અને ખુદ રાજેન્દ્ર કુમાર રફીના આગ્રહી હતા, પણ લક્ષ્મીકાંતજીની દલીલ હતી કે મસ્તીખોર – ચંચળ ગીત છે (તુમ કો ભી તો, ઐસા હી કુછ) અને એવા ગીત માટે કિશોર કુમાર જ જોઈએ. અને એ ગીત ખાસ્સું લોકપ્રિય થયું હતું.

આ પણ વાંચો…બાબુભાઈ મિસ્ત્રીની અનોખી હૅટ-ટ્રિક…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button