હાર્વર્ડમાં વિદેશી વિદ્યાર્થીઓનો એડમિશન નહીં મળે! ટ્રમ્પના નિર્ણયથી 788 ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં

વોશીંગ્ટન ડી સી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને હાર્વર્ડ યુનિવર્સિટી વચ્ચે મતભેદ (Trump-Harvard Tension) સતત વધી રહ્યા છે. અગાઉ ટ્રમ્પ વહીવટીતંત્રએ હાર્વર્ડ યુનિવર્સિટીને મળતું ફંડ રોકી દીધું હતું, હવે ટ્રમ્પ વહીવટીતંત્રે વધુ એક મોટું પગલું ભર્યું છે, જેને કારણે હાર્વર્ડમાં ભણવા જઈ રહેલા ભારતીય સહીત તમામ વિદેશી વિદ્યાર્થીઓને અસર થઇ શકે છે.
ટ્રમ્પ સરકારે હાર્વર્ડમાં વિદેશી વિદ્યાર્થીઓના એડમિશન પર રોક લગાવી દીધી છે. આનાથી ભારત અને વિશ્વના અન્ય દેશોના વિદ્યાર્થીઓની સમસ્યાઓ વધી શકે છે.
વિદેશી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા:
અહેવાલ મુજબ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS)ના સેક્રેટરી ક્રિસ્ટી નોએમે (Kristi Noem) હાર્વર્ડ યુનિવર્સિટીને એક પત્ર મોકલ્યો છે, આ પત્રને ટાંકીને એક જાણીતા અખબારે અહેવાલ આપ્યો છે. પત્રમાં નોએમે લખ્યું, “હું તમને જણાવવા માટે લખી રહી છું કે હાર્વર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થી અને શૈક્ષણિક વિનિમય પ્રવેશ કાર્યક્રમની માન્યતા તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવી છે.”
હાર્વર્ડના સત્તાવાર રેકોર્ડ મુજબ, દર વર્ષે 500 થી 800 ભારતીય વિદ્યાર્થીઓ અહીં એડમિશન લે છે. દર વર્ષે દુનિયાભરમાંથી લગભગ 6800 વિદ્યાર્થીઓ અહીં આવે છે. આ વર્ષે 788 ભારતીય વિદ્યાર્થીઓએ હાર્વર્ડમાં પ્રવેશ મળવ્યો હતો. હવે ટ્રમ્પ સરકારના આદેશ બાદ વિદેશી વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધવાની છે.
વિદ્યાર્થીઓ પાસે વિકલ્પ:
વિદેશી વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું છે કે તેઓ કાં તો બીજી સંસ્થામાં પ્રવેશ લે અથવા અમેરિકામાં તેમનો કાયદેસર દરજ્જો ગુમાવે. તેથી, ભારતીય વિદ્યાર્થીઓ પાસે બીજી સંસ્થામાં પ્રવેશ લેવાનો વિકલ્પ રહેશે. જો વિદ્યાર્થીઓ એવું નહીં કરે, તો તેમને અમેરિકા છોડવું પડી શકે છે.
હાર્વર્ડમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓનું શું થશે?
હાર્વર્ડમાં વર્તમાનમાં વિદ્યાર્થીઓ પર આ આદેશની અસર થશે નહીં, તેઓ તેમનું ગ્રેજ્યુએશન પૂર્ણ કરી શકશે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) સેક્રેટરી ક્રિસ્ટી નોએમે તેમના પત્રમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું છે કે ટ્રમ્પ સરકાર દ્વારા કરવામાં આવેલ ફેરફાર 2025-26 વર્ષથી લાગુ કરવામાં આવશે.
ટ્રમ્પ અને હાર્વર્ડ વચ્ચે તણાવ કેમ?
ટ્રમ્પ વહીવટીતંત્ર ઈચ્છે છે કે હાર્વર્ડ યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન પર રોક લગાવે, પરંતુ હાર્વર્ડ વિદ્યાર્થીઓના અધિકાર છીનવવા તૈયાર નથી. ટ્રમ્પ વહીવટીતંત્રએ હાર્વર્ડ પર યહૂદીઓ સામે નફરત રોકવામાં નિષ્ફળ જવાનો આરોપ મુક્યો છે. વહીવટીતંત્રે આરોપ લગાવ્યો હતો કે યહૂદી વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો સામે ભેદભાવ કરવામાં આવે છે. ટ્રમ્પ વહીવટીતંત્ર વિવિધ રીતે યુનિવર્સીટી પર દબાણ લાવવાની કોશિશ કરી રહી છે.
આ પણ વાંચો…અમેરિકાને પણ હવે સુરક્ષાની ચિંતા, ગોલ્ડન ડોમ મિસાઇલ ડિફેન્સ શીલ્ડ બનાવવાની જાહેરાત, જાણો વિશેષતા