આમચી મુંબઈટોપ ન્યૂઝ

મુંબઈ સહિત થાણેમાં આજથી બે દિવસ ઓેરેન્જ અલર્ટ

મુંબઈ: આજથી બે દિવસ મુંબઈ, થાણે સહિત પાલઘર માટે હવામાન વિભાગે ઓરેન્જ અલર્ટની ચેતવણી જાહેર કરીને ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. તો રાજ્યમાં રાયગઢ અને રત્નાગિરી માટે રેડ તેમ જ બાકીના જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ આપીને ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

લો પ્રેશરની અસર હેઠળ મુંબઈ સહિત થાણેમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વાદળિયું વાતાવરણ રહેવાની સાથે સાંજ બાદ વીજળીના ગડગડાટ સાથે વરસાદ પડી રહ્યો છે. મંગળવારે મોડી સાંજે મુંબઈ સહિતના મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તામાં ભારે વરસાદ રહ્યા બાદ બુધવારે મોડી રાતે પણ ભારે વરસાદ પડયો હતો. ગુરુવારે થાણેમાં વરસાદ રહ્યો હતો તો મુંબઈના અમુક વિસ્તારમાં દિવસ દરમ્યાન વરસાદના મધ્યમ સ્વરૂપના ઝાપટાં પડી ગયા હતા.મુંબઈમાં આજથી બે દિવસ ઓરેન્જ એલર્ટની ચેતવણી હોઈ પાલિકા પ્રશાસન સહિત જુદી જુદી સરકારી એજન્સી એલર્ટ મોડમાં આવી ગઈ છે.

રાજ્યના હવામાન વિભાગે રવિવાર સુધીની ચેતવણી જાહેર કરી છે, તે મુજબ રવિવાર સુધીમાં રાજ્યના મોટાભાગના જિલ્લામાં ભારે વરસાદ પડવાનો છે, જેમાં ૨૩-૨૪ માટે મુંબઈ, થાણે અને પાલઘરમાં ઓરેન્જ અલર્ટની ચેતવણી આપીને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો રાયગઢ માટે આજે રેડ એલર્ટ અને આવતી કાલ માટે ઓરન્જ એલર્ટની તો રત્નાગિરી માટે આજે અને આવતી કાલે બંને દિવસ રેડ એલર્ટ અને શનિવાર અને રવિવાર સુધી ઓરેન્જ એલર્ટ રહેશે. સિંધુદુર્ગ માટે રવિવાર ૨૫ મે સુધી ઓરેન્જ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. નાશિકમાં અને નાશિક ઘાટમાં આજે ઓરેન્જ એલર્ટ, પુણે અને પુણે ઘાટમાં પણ ઓરેન્જ એલટ્ર રહેશે.

ઓરેન્જ એલર્ટમાં ભારેથી અતિ ભારે વરસાદ અને અલગ અલગ સ્થળોએ વીજળીની સાથે ભારે પવન સાથે વાવાઝોડાની શક્યતા છે. તો રેડ એલર્ટમાં અલગ અલગ સ્થળોએ વીજળી અને તેજ પવન સાથે ભારે વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે.

લો પ્રેશરની અસર હેઠળ વરસાદ

હવામાન વિભાગના અધિકારી શુભાંગી ભુતેના જણાવ્યા મુજબ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે દક્ષિણ કોંકણ અને ગોવાના દરિયાકાંઠે પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર એક લો પ્રેશરનો વિસ્તાર રચાયો છે. આ સિસ્ટમ ઉત્તર તરફ આગળ વધી રહી છે અને ૩૬ કલાકમાં તે ડીપ્રેશનમાં ફેરવાઈને તીવ્ર બનવાની ધારણા છે. તેને કારણે મોટાભાગના વિસ્તારમાંં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. ૨૨થી ૨૭ મે દરમ્યાન કોંકણ-ગોવા, કર્ણાટકના કિનારપટ્ટીના વિસ્તાર અને મધ્ય મહારાષ્ટ્રના અલગ અલગ સ્થળોએ ભારેથ અતિભારે વરસાદની શકયતા છે.

૨૨થી ૨૪ મે વચ્ચે તીવ્ર વરસાદ

શુભાંગી ભુતેના જણાવ્યા મુજબ ગુરુવાર, ૨૨ મેથી ૨૪ મે, શનિવાર સુધીમાં વરસાદની તીવ્રતા વધુ રહેવાની શશકયતા છે. કોંકણ-ગોવામાં અને ૨૪મેના રોજ કર્ણાટકના કિનારપટ્ટીના વિસ્તાર સહિત મધ્ય મહારાષ્ટ્રમાં વરસાદમાં અલગ-અલગ વિસ્તારમાં વરસાદ રહેશે. આગામી દિવસોમાં પવનની ગતિમાં પણ વધારો થવાની શક્યતા છે. ૨૩ મેના ૪૦થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જે ૬૦ કિમી. પ્રતિકલાકે સુધી વધશે. ૨૫થી ૨૭ મેના રોજ ૫૫થી ૬૫ કિમી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે જે ૭૫ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે વધશે.

મે મહિનામાં વરસાદ ૧૦૦મિ.મી.ને પાર

મુંબઈમાં આ વખતે મે મહિનામાં કમોસમી વરસાદનું જોર રહ્યું છે. કોલાબા અને સાંતાક્રુઝ બંને વેધશાળાએ મે મહિનામાં ૧૦૦ મિ.મી.ના આંકને પાર કર્યો છે, જેમાં સાંતાક્રુઝમાં ૧૧૮ મિ.મી. અને કોલાબામાં ૧૩૭ મિ.મી. વરસાદ પડી ચૂક્યો છે. જોકે મુંબઈનો સરેરાશ વરસાદ જોઈએ તો તે માત્રે ૧૧.૩ મિ.મી. છે.

હવામાન ખાતાના કહેવા મુજબ મુંબઈમાં મંગળવાર અને બુધવાર મધરાતના શહેરમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો, જેમાં કોલાબા અને સાંતાક્રુઝમાં અનુક્રમે ૯.૮ મિ.મી. અને ૨૭.૪ મિ.મી. વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચો…મુંબઈમાં ભારે કમોસમી વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, હવામાન વિભાગે કરી આ આગાહી…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button