ટિકીટ કપાતા ચોધાર આંસુએ રડી પડ્યા ખંડવાના વિધાનસભ્ય: સમર્થકોએ આપ્યો દિલાસો
ખંડવા: મધ્ય પ્રદેશના ખંડવામાંથી સતત ત્રણવાર વિધાનસભ્ય રહી ચૂકેલ દેવેન્દ્ર વર્મા દશેરાના કાર્યક્રમમાં કાર્યકર્તાઓ અને સમર્થકો સામે પોતાના આંસુ છૂપાવી ન શક્યા. તેમનો પોતાના પર કાબૂ જ ન રહ્યો અને તેઓ આંસુ રોકી ન શક્યા. અહીં સમર્થકો તેમના આંસુ લૂછતા દેખાયા. ટિકીટ કપાયા બાદ વર્માએ જરા પણ વિદ્રોહ કર્યો નહતો. તમામ સર્વેના અહેવાલ સકારાત્મક હોવા છતાં, કોઇ પણ પ્રકારના ગંભીર આક્ષેપો કે ફરિયાદ ન હોવા છતાં તેમની ટિકીટ કાપવામાં આવી છે એવો પ્રશ્ન હવે તેમના સમર્થકો દ્વારા ઉપસ્થિત કરવામાં આવ્યો છે.
ખંડવામાં ભાજપના વિધાનસભ્ય દેવેન્દ્ર વર્માના સમર્થકો માટે દશેરાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ટિકીટ કપાયા બાદ વર્મા પહેલીવાર મંચ પર હાજર રહ્યાં હતાં. અને અહીં તેમણે પોતાની ભાવનાઓ વ્યક્ત કરી હતી. ખાનગી સ્થળે આયોજીત આ કાર્યક્રમમાં તેમના સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમ એ તેમના શક્તી પ્રદર્શન તરીકે જોવાઇ રહ્યો છે. જોકે આ કાર્યક્રમમાં પક્ષના નિર્ણય સામે પ્રશ્ન જરુર ઉપસ્થિત થયા છે. પણ વિદ્રોહ કરવામાં આવ્યો નથી.
ટિકીટ કપાયા બાદ કાર્યક્રમ તરફ ધ્યાન આપવામાં નહીં આવે તેવો ડર દેવેન્દ્ર વર્માને હતો. કાર્યક્રમમાં લોકોની સંખ્યા પણ ઓછી હશે એમ વર્માને લાગી રહ્યું હતું. જોકે તેમના સમર્થકોની સંખ્યા અને તેમની ઉપરનો પ્રેમ જોઇ દેવેન્દ્ર વર્મા ભાવુક થઇ ગયા હતાં. અને તેઓ આંસુ રોકી શક્યા નહતાં. વિધાનસભ્ય દેવેન્દ્ર વર્માએ કહ્યું કે, અમને ટિકીટનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. સર્વેમાં નામ પણ હતું.
જનતા પણ નારાજ નહતી. પક્ષના કેટલાંક લોકો સામે આંગળી બતાવી તેમના કારણે જ ટિકીટ ન આપી હોવાની વાત દેવેન્દ્ર વર્માએ કરી હતી. કાર્યક્રમમાં દેવેન્દ્ર વર્મા ફરી એકવાર…. ના નારા લગાવવામાં આવ્યા હતાં.
ભાજપના વરિષ્ઠ નેતા અને જિલ્લા સહકારી બેન્કના પૂર્વ અધ્યક્ષ કૈલાસ પાટીદારે કહ્યું કે, વિકાસના કામોમમાં અમે ક્યાંક પાછળ પડ્યાં નથી. અમે ઉપર પૂછ્યું પણ કે આ વ્યક્તિમાં શું ઉણપ છે? જેના જવાબમાં કોઇ ઉણપ નથી એમ કહેવામાં આવ્યું હતું. કોઇ આક્ષેપ પણ નથી તો પછી આવો નિર્ણય કેમ લેવામાં આવ્યો? ભગવાન આ લોકોને યોગ્ય નિર્ણય લેવા સદબુદ્ધી આપે. એમ તેમણે કહ્યું હતું.