… અને આજે બપોરે શિરડીના સાંઈબાબાનું મંદિર આ કારણે ભક્તો માટે બંધ રહ્યું!
શિરડીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે અહેમદનગર જિલ્લાની એક દિવસની મુલાકાતે આવ્યા છે અને આ મુલાકાત દરમિયાન તેઓ વિવિધ વિકાસકામોનું લોકાર્પણ પણ કરવાના છે.
દરમિયાન એક મહત્ત્વની માહિતી સામે આવી રહી છે કે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બપોરે શિરડીના સાંઈબાબાના દર્શન લેવા પહોંચ્યા હતા. પીએ મોદીની આ વિઝીટને ધ્યાનમાં લઈને શિરડી સાંઈબાબાનું મંદિર અડધા કલાક માટે સામાન્ય ભક્તોના દર્શન માટે બંધ રાખવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી રહી છે.
પીએમ મોદીએ શિરડીના સાંઈબાબા મંદિરમાં દર્શન અને પૂજા- અર્ચના કરી હતી અને એ સમયે તેમની સાથે મહારાષ્ટ્રના ગવર્નર રમેશ બૈસ, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર, રાધાકૃષ્ણ વિખે-પાટીલ પણ હાજર રહ્યા હતા. પીએમ મોદીની મુલાકાત દરમિયાન અડધો કલાક માટે સામાન્ય ભક્તો માટે બંધ રાખવામાં આવશે, એવી માહિતી સામે આવી રહી છે.
શિરડીના સાંઈબાબાના ચરણે નતમસ્તક થયા બાદ પીએમ મોદીએ પાદ્યપૂજન કર્યું હતું અને એની સાથે સાથે જ શિર્ડી માઝે પંઢરપુર…ની આરતી પણ પીએમ મોદીના હસ્તે કરવામાં આવી હતી.જોકે, પીએમ મોદી પહેલી વખત શિરડીના સાંઈબાબાના દર્શને આવ્યા હોય એવું નથી. આ પહેલાં પણ તેઓ બે વખત શિરડીના સાંઈબાબાના દર્શને આવી ચૂક્યા છે. આ પહેલાં જ્યારે તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન હતા એ સમયે 2008માં પહેલી વખત અને દેશના વડા પ્રધાન બન્યા બાદ 2018માં બીજી વખત શિરડીના સાંઈબાબાબાના દર્શન કરવા પહોંચ્યા હતા.