IPL 2025

ગુજરાત ટાઇટન્સનો હવે આ છે લક્ષ્યાંક…

પ્લે-ઑફની બહાર થઈ ગયેલી લખનઊની ટીમ સામે સાંજે 7.30 વાગ્યાથી ટક્કર

અમદાવાદઃ ગુજરાત ટાઇટન્સ (GT)એ પ્લે-ઑફમાં પહોંચવાનું પ્રથમ લક્ષ્ય રવિવારે દિલ્હી કૅપ્ટિલ્સને હરાવીને હાંસલ કરી લીધું ત્યાર બાદ હવે જીટીનો બીજો ટાર્ગેટ પ્લે-ઑફ (PLAY OFF)માં પહોંચી ગયેલી ચાર ટીમમાં છેલ્લે ટોચના બે સ્થાનમાં રહેવાનો છે કે જેથી ગુરુવાર, 29 મેની મુલ્લાંપુર ખાતેની ક્વૉલિફાયર-વન જીતીને એને સીધા ફાઇનલમાં જવા મળે. જો ગુજરાત ફાઇનલમાં પહોંચશે તો એને અમદાવાદના હોમ-ગ્રાઉન્ડ પર એ નિર્ણાયક મુકાબલો રમીને ચાર વર્ષમાં બીજી વાર ટાઇટલ જીતવાની તક મળશે.

2022ની ચૅમ્પિયન જીટીનો આજે (સાંજે 7.30 વાગ્યાથી) અમદાવાદમાં લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) સામે મુકાબલો છે. જો ગુજરાત આજે જીતી જશે તો એના 18+2=20 પૉઇન્ટ થશે અને ત્યાર બાદ પચીસમી મેએ અમદાવાદમાં ચેન્નઈ સામે પણ જીતીને શુભમન ગિલના નેતૃત્વમાં આ ટીમને બાવીસ પૉઇન્ટ સાથે ટોચના સ્થાને રહેવા મળશે. બીજા નંબરના બેંગલૂરુના 17 તથા ત્રીજા નંબરના પંજાબના 17 પૉઇન્ટ છે. આ બે ટીમ પણ ગુજરાતની જેમ બાકીની બે-બે મૅચ જીતીને ટૉપ-ટૂ (TOP TWO)માં રહેવા કોઈ કસર બાકી નહીં રાખે. પ્લે-ઑફની ચોથી ટીમ મુંબઈના 16 પૉઇન્ટ છે અને એની હવે એક જ મૅચ બાકી રહી છે.

ગુજરાતની આજની હરીફ લખનઊની ટીમ થોડા જ દિવસ પહેલાં પ્લે-ઑફની રેસની બહાર થઈ ગઈ હોવાથી હતાશ તો છે જ, કુલ 14 વિકેટ લેનાર એના (લખનઊના) મુખ્ય સ્પિનર દિગ્વેશ રાઠી પર ગેરવર્તન બદલ એક મૅચનો પ્રતિબંધ હોવાથી તે આજની મૅચમાં નહીં રમે એટલે એનો પણ ગુજરાતના બૅટ્સમેન ફાયદો ઉઠાવશે.

ગુજરાતના ટૉપ-ઑર્ડરના ત્રણેય બૅટ્સમેન બહુ જ સારા ફૉર્મમાં છે. ઑરેન્જ કૅપ ધરાવતો સાઇ સુદર્શન (617 રન), શુભમન ગિલ (601) અને જૉસ બટલર (500) આજે લખનઊ સામે કેટલીક મોટી ભાગીદારીઓ કરીને ગુજરાતની જીતનો પાયો નાખી શકે એમ છે. ગુજરાતના મોટા ભાગના વિજયમાં આ ત્રણ બૅટરના યોગદાનો છે.

ગુજરાતની બોલિંગ પણ મજબૂત છે. પ્રસિદ્ધ ક્રિષ્નાની 21 વિકેટ આ સીઝનમાં હાઇએસ્ટ છે, જ્યારે મોહમ્મદ સિરાજ અને લેફ્ટ-આર્મ સ્પિનર સાઇ કિશોરે 15-15 વિકેટ લીધી છે. સાઉથ આફ્રિકાનો કૅગિસો રબાડા પણ ગુજરાતના બોલિંગ-આક્રમણનો મહત્ત્વનો હિસ્સો છે.

સોમવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે પરાજિત થવાને કારણે સ્પર્ધાની બહાર થઈ ગયેલી રિષભ પંતની એલએસજી ટીમ સતત ચાર મૅચ હારી ચૂકી છે, પણ ગુજરાતને આજે હરાવીને થોડી આબરૂ પાછી મેળવી શકે એમ છે. લખનઊએ પંત ઉપરાંત નિકોલસ પૂરન, મિચલ માર્શ અને એઇડન માર્કરમ પર જ મોટો મદાર રાખ્યો અને તેઓ નિષ્ફળ રહ્યા છે. બોલિંગમાં પણ લખનઊના વળતા પાણી જોવા મળ્યા છે. પેસ બોલર મોહસિન ખાને આખી સીઝન ગુમાવ્યા બાદ ફાસ્ટેસ્ટ બોલર મયંક યાદવને પણ ઈજા નડી. આવેશ ખાન તથા આકાશ દીપને પણ ઈજાએ પરેશાન કર્યા અને શાર્દુલ ઠાકુર શરૂઆતમાં ચમક્યા બાદ રિધમ નહોતો જાળવી શક્યો.

બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-ઇલેવન

ગુજરાતઃ શુભમન ગિલ (કૅપ્ટન), જૉસ બટલર (વિકેટકીપર), સાઇ સુદર્શન, શેરફેન રુધરફર્ડ, એમ. શાહરુખ ખાન, રાહુલ તેવાટિયા, રાશીદ ખાન, કૅગિસો રબાડા, અર્શદ ખાન, સાઇ કિશોર, મોહમ્મદ સિરાજ. 12મો પ્લેયરઃ પ્રસિદ્ધ ક્રિષ્ના

લખનઊઃ રિષભ પંત (કૅપ્ટન, વિકેટકીપર), મિચલ માર્શ, એઇડન માર્કરમ, નિકોલસ પૂરન, આયુષ બદોની, અબ્દુલ સમદ, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઈ, આકાશ દીપ, આવેશ ખાન, શાહબાઝ અહમદ/મણિમારન સિદ્ધાર્થ. 12મો પ્લેયરઃ વિલ ઑરુરકે

આ પણ વાંચો…સૂર્યવંશીને સેન્ચુરી પછી 500 મિસ્ડ કૉલ આવ્યા, મોબાઇલ સ્વિચ્ડ ઑફ કરી દેવો પડ્યો હતો!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button