નેશનલ

હીટ વેવ સામે એક્શન પ્લાન મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યોને નોટીસ પાઠવી

નવી દિલ્હી: ભારતના ઘણા વિસ્તારોમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, જેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હીટ વેવની પરિસ્થિતિ દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારો નેશનલ ગાઈડલાઈન્સનો કડક અમલ કરે એ માટે આદેશ આપવા માંગ કરતી અરજીની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL)માં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ગયા વર્ષે હીટ વેવ અને ગરમી સંબંધિત બીમારીઓને કારણે 700 થી વધુ લોકોના મોત થયા. કોર્ટે આ મામલે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ પાઠવી છે.

આપણ વાંચો: ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે ક્યાં આવ્યો વાતાવરણમાં પલટો?

બે અઠવાડિયામાં જવાબ માંગ્યો:

પર્યાવરણીય કાર્યકર્તા વિક્રાંત ટોંગડ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ અને ન્યાયાધીશ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે ગૃહ મંત્રાલય, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી અને અન્યોને નોટિસ જાહેર કરી અને બે અઠવાડિયામાં તેમનો જવાબ માંગ્યો છે.

આપણ વાંચો: કાળઝાળ ગરમી વચ્ચે વડોદરામાં 25 થી 30 એપ્રિલ વીજકાપ રહેશે

અરજીમાં કરવામાં આવેલી માંગ:

અરજીમાં આગાહી, ગરમીની ચેતવણી/અર્લી વોર્નિંગ સિસ્ટમ અને ચોવીસ કલાક રીડ્રેશલ હેલ્પલાઇન વગેરે માટે સુવિધાઓ પૂરી પાડવા નિર્દેશોની માંગ કરવામાં આવી છે.

આ અરજીમાં ગરમી સંબંધિત બીમારીના પીડિતોને વળતર આપવા અને અત્યંત ગરમીના સમયગાળા દરમિયાન નબળા વર્ગોને લઘુત્તમ વેતન અથવા અન્ય સામાજિક અને નાણાકીય સુરક્ષાની જોગવાઈ કરવાની માંગ કરવામાં આવી છે.

અરજીમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે 2019 માં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી દ્વારા જાહેર કરવામાં આવેલી યોજના હેઠળ રાષ્ટ્રીય ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી હતી છતાં, ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ હજુ સુધી ફરજિયાત યોજનાનો અમલ કર્યો નથી.

આપણ વાંચો: કાળઝાળ ગરમીમાં શેકાવા રહો તૈયાર! વોર્મ નાઇટ અને હીટવેવનું હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ

અરજદારની દલીલ:

અરજદાર ટોંગડ તરફથી હાજર રહેલા એડવોકેટ આકાશ વશિષ્ઠે જણાવ્યું હતું કે ગયા વર્ષે તીવ્ર ગરમીને કારણે 700 થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. તેમણે કહ્યું કે વારંવાર આગાહી કરવામાં આવી છે કે હીટ સ્ટ્રેસ વધુ તીવ્ર બનશે, જેના પરિણામે મૃત્યુઆંક વધી શકે છે.

એડવોકેટ વશિષ્ઠે જણાવ્યું હતું કે, “પહેલાં, તીવ્ર ગરમી અને હીટ વેવની સ્થિતિ ઉત્તરપશ્ચિમ અને મધ્ય ભારત સહિત ત્રણ પ્રદેશો સુધી મર્યાદિત હતી, પરંતુ હવે તે પૂર્વ કિનારા, પૂર્વ, ઉત્તરપૂર્વ, દ્વીપકલ્પ, દક્ષિણ અને દક્ષિણ-મધ્ય પ્રદેશોમાં પણ ફેલાઈ ગઈ છે અને આ વાત IMDના એક અહેવાલમાં જ જણાવવામાં આવી છે.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button