ગ્રાહક બાબતોના મંત્રાલયે મુસાફરો સાથે ફ્રોડ કરતી એરલાઇન્સ કંપની અને ઓનલાઇન ટ્રાવેલ એગ્રીગેટર્સને ચેતવણી આપતા દરેક સીટને પેઇડ સીટ નહીં દર્શાવવા જણાવ્યું છે. આ બધી કંપનીઓ મફત વેબ ચેક ઇનના નામે દરેક સીટને પેઇડ સીટના રૂપમાં દર્શાવે છે અને મુસાફરો પાસેથી વધારાના નાણા ખંખેરે છે. એક અહેવાલ મુજબ કન્ફર્મ ટિકિટ ધરાવતા લોકોને પણ બોર્ડિંગ કરવાની મનાઇ રી દેવામાં આવે છે અને પછી રિફંડમાં ભારે વિલંબ કરવામાં આવે છે.
છેલ્લા એક વર્ષમાં નેશનલ કન્ઝ્યુમર્સ હેલ્પલાઈન પર એરલાઈન્સ સંબંધિત લગભગ 10,000 ફરિયાદો નોંધાઈ છે. ડેટા પરથી જાણવા મળ્યું છે કે લગભગ 41 ટકા ફરિયાદમાં ટિકિટ કેન્સલ થયા બાદ રિફંડનો ઇનકાર સામેલ છે. 15 ટકા ફરિયાદો એરલાઇન કંપનીઓ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાના અભાવને લગતી છે. જ્યારે 5 ટકા ફરિયાદો મુસાફરો પાસે માન્ય ટિકિટ હોવા છતાં બોર્ડિંગ નકારવા સંબંધિત છે. ઉપભોક્તા બાબતોના મંત્રાલયે કહ્યું છે કે જ્યારે બોર્ડિંગનો ઇનકાર કરવામાં આવે છે, ત્યારે મુસાફરોએ કાં તો તેમની મુસાફરી રદ કરવી પડે છે અથવા ખૂબ જ ઊંચી કિંમતે નવી ટિકિટ બુક કરવી પડે છે.
બેઠક દરમિયાન, ગ્રાહક બાબતોના સચિવે ભારપૂર્વક જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં ફરિયાદો દર્શાવે છે કે ગ્રાહકોની ફરિયાદોનું અસરકારક રીતે નિરાકરણ કરવામાં આવી રહ્યું નથી. ગ્રાહક વિભાગના અહેવાલો અનુસાર, ગયા વર્ષ દરમિયાન, નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન (NCH) ને એરલાઈન્સ સંબંધિત લગભગ 10,000 ફરિયાદો મળી હતી. તમામ કંપનીઓના સીઈઓ સાથે બેઠક પણ નક્કી કરવામાં આવી છે જ્યાં આવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે અને તેનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને