સલમાન ખાનની સુરક્ષામાં મોટી ચૂક, બે અજ્ઞાત વ્યક્તિઓએ કર્યો ઘરમાં ઘૂસવાનો પ્રયાસ…

મુંબઈઃ બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan)ની સુરક્ષામાં ફરી ચૂક થઈ હોવાની માહિતી સામે આવી રહી છે. કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે બે લોકોએ એક્ટરના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. પહેલાં એક વ્યક્તિએ તેના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યાર બાદ એક મહિલાએ પણ તેમના ઘરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. મુંબઈ પોલીસે બંનેની ધરપકડ કરી છે, એવી માહિતી મુંબઈ પોલીસના અધિકારી દ્વારા આપવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ 20મી મેના સાંજે આ ઘટના બની હતી. આરોપી વાહનની આડમાં સલમાન ખાનના એપાર્ટમેન્ટમાં ઘૂસવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો હતો. બાંદ્રા પોલીસે આ મામલે જિતેન્દ્ર કુમાર સિંહ નામની આરોપી સામે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. આરોપી છત્તીસગઢનો રહેવાસી છે. પોલીસે બીએનએસની ધારા 329 (1) હેઠળ કેસ નોંધ્યો છે.
આ ઘટનાના થોડાક સમય બાદ જ સલમાનની સુરક્ષામાં બીજી ચૂક જોવા મળી હતી. એક મહિલાએ પણ સલમાનની બિલ્ડિંગમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. બાંદ્રા પોલીસે 22મી મેના સવારે સાડાત્રણ વાગ્યાની આસપાસ 32 વર્ષીય ઈશા છાબડા નામની મહિલાની ધરપકડ કરી છે. ગેલેક્સી એપાર્ટમેન્ટના સિક્યોરિટી ગાર્ડસે ઈશાને બાંદ્રા પોલીસને હવાલે કરી દીધી હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
વાત કરીએ 23 વર્ષેયી જિતેન્દ્ર કુમારની તો સલમાન ખાનને મળવા માટે બિલ્ડિંગમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. સલમાન ખાનને મળેલી ધમકીઓ બાદ તેની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ વાત જાણતા બહોવા છતાં યુવકે પોલીસ અને સુરક્ષાકર્મીઓની વાતને નજરઅંદાજ કરતાં નિયમોનું ઉલ્લંઘન કરતાં તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં જિતેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે તે સલમાન ખાનને મળવા માંગતો હતો, પણ પોલીસ મને તેને મળવા નહોતી દેતી એટલે હું ચોરીછુપે તેને મળવા જવા બિલ્ડિંગમાં ઘૂસ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે સલમાન ખાનને પહેલાં પણ અનેક વખત જાનથી મારવાની ધમકી મળી ચૂકી છે અને હાલમાં જ તેના ઘરમાં ફાઈરિંગની ઘટના પણ બની હતી. આ બંને ઘટનાઓને પગલે તેની સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
આપણ વાંચો : પહલગામ હુમલા બાદ Salman Khanએ લીધો મહત્ત્વનો નિર્ણય…