
બીકાનેરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે બીકાનેરના પ્રવાસે હતા. આ દરમિયાન તેમણે પાલનામાં જનસભાને સંબોધી હતી. ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદીએ પ્રથમ વખત જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે પાકિસ્તાન પર પ્રહાર કર્યા હતા અને ઓપરેશન સિંદૂરની ઉપલબ્ધિ ગણાવી હતી.
પીએમ મોદીએ કહ્યું, પાકિસ્તાન એક વાત ભૂલી ગયું કે ભારત માતાનો સેવક મોદી અહીંયા છે. મોદીનું મગજ શાંત છે, શાંત રહે છે પરંતુ મોદીનું લોહી ગરમ રહે છે. મોદીની નસોમાં હવે લોહી નહીં ગરમ સિંદૂર વહી રહ્યું છે. 22 એપ્રિલે આતંકવાદીઓએ ધર્મ પૂછીને આપણી બહેનોની માંગમાંથી સિંદૂર ભૂંસી નાંખ્યું હતું. ગોળીઓ પહેલા પહલગામમાં ચાલી હતી પરંતુ આ ગોળીથી 140 કરોડ દેશવાસીઓને દર્દ થયું હતું.
પીએમ મોદીના ભાષણની દમદાર વાતો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધન કરતાં કહ્યું, 22 તારીખના હુમલાના જવાબમાં આપણે 22 મિનિટમાં આતંકીઓના 9 સૌથી મોટા ઠેકાણ તબાહ કર્યા હતા.
જ્યારે સિંદૂર બારૂદ બની જાય ત્યારે શું પરિણામ આવે તે દુનિયા અને દેશના દુશ્મનોએ પણ જોઈ લીધું.
પીએમ મોદીએ કહ્યું, પાકિસ્તાન એક વાત ભૂલી ગયું કે ભારત માતાનો સેવક મોદી અહીંયા છે. મોદીનું મગજ શાંત છે, શાંત રહે છે પરંતુ મોદીનું લોહી ગરમ રહે છે. મોદીના નસોમાં હવે લોહી નહીં ગરમ સિંદૂર વહી રહ્યું છે.
વડા પ્રધાને તેમના સંબોધનમાં કહ્યું, મેં કહ્યું હતું મને આ માટીની સોગંધ છે. હું દેશને ઝુકવા નહીં દઉ. જે લોકો સિંદૂર ભૂંસવા નીકળ્યા હતા તેમને માટીમાં મેળવી દીધા. તેઓ હિન્દુસ્તાનનું લોહી વહાવતા હતા આજે દરેકનો હિસાબ ચુકતે કરી દીધો છે.
પીએમ મોદીએ કહ્યું, તેઓ વિચારતા હતા કે ભારત ચૂપ રહેશે. તેઓ તેમના હથિયારનો ઘમંડ કરતા હતા પરંતુ આજે કાટમાળમાં દબાઈ ગયા છે. આ બદલો લેવાની રમત નથી, ન્યાયનું નવું સ્વરૂપ છે. આ ઓપરેશન સિંદૂર છે. આ માત્ર આક્રોશ નથી સમર્થ ભારતનું રૌદ્ર સ્વરૂપ છે. પહેલા ઘરમાં ઘૂસીના માર્યા હતા હવે સીધો જ માથા પર પ્રહાર કર્યો હતો. આતંકની ફેણ કચડી નાખવાની આ નીતિ અન રીતિ છે. આ નવું ભારત છે.
પીએમ મોદીએ કહ્યું, પાકિસ્તાન ભારત સાથે ક્યારેય કોઈ યુદ્ધ જીતી ન શકે. જ્યાર પણ યુદ્ધ થયું છે ત્યારે પાકિસ્તાનની કારમી હાર થઈ છે. તેથી પાકિસ્તાને આતંકવાદને ભારત સામેની લડાઈનું હથિયાર બનાવ્યું છે. આઝાદી બાદ દાયકાઓથી આમ ચાલી રહ્યું છે.
પીએમ મોદીએ કહ્યું, ભારતે સ્પષ્ટ કર્યું છે કે દરેક આતંકી હુમલાની પાકિસ્તાને આકરી કિંમત ચૂકવવી પડશે. આ કિંમત પાકિસ્તાની સેના, પાકિસતાનનું અર્થતંત્ર ચૂકવશે. જ્યારે હું દિલ્હીથી અહીંયા આવ્યો ત્યારે નાલ એરપોર્ટ પર ઉતર્યો હતો. પાકિસ્તાને આ એરબેઝને પણ નિશાન બનાવવાની કોશિશ કરી હતી પરંતુ લેશ માત્ર નુકસાન ન પહોંચાડી શક્યા.
પીએમ મોદીએ કહ્યું, સરહદ પાર પાકિસ્તાનનું રહીમયાર ખાન એરબેસ છે. તે ક્યારે ખૂલશે તેની ખબર નથી. આઈસીયુમાં છે. ભારતીય સેનાએ આ એરબેસને ખૂબ મોટું નુકસાન પહોંચાડ્યું છે.
વડા પ્રધાને કહ્યું, પાકિસ્તાન સાથે ન ટ્રેડ થશે, ન વાત. જો વાત થશે તો માત્ર પીઓકેની. જો પાકિસ્તાન આતંકીઓને છાવરવાનું બંધ નહીં કરે તો હજુ પણ મોટી કિંમત ચૂકવવી પડશે.
પાકિસ્તાનને પાણી માટે પણ તરસવું પડશે. ભારતીયોના લોહી સાથે રમવાનું પાકિસ્તાનને મોંઘુ પડશે. આ ભારતનો સંકલ્પ છે. દુનિયાની કોઈ તાકાત આ સંકલ્પને ડગાવી નહીં શકે.