ISIનો એજન્ટ નીકળ્યો દાનિશ, જ્યોતિ મલ્હોત્રા સાથેના સંબંધો મામલે મોટો ખુલાસો

નવી દિલ્હીઃ પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. જ્યોતિ મલ્હોત્રાનો પાકિસ્તાનના દાનિશ સાથે ખાસ સંબંધ હોવાનું પણ પ્રકાશમાં આવ્યું હતું. આ દાનિશ પાકિસ્તાનના દૂતાવાસમાં કામ કરતો હતો. અત્યારે સુરક્ષા એજન્સીઓ જ્યોતિ મલ્હાત્રા સાથે પૂછપરછ કરી રહી છે. આ તપાસ દરમિયાન દાનિશ મુદ્દે એક મોટો ખુલાસો થયો છે. એહસાન-ઉર-રહેમાન ઉર્ફે દાનિશ ISIનો એજન્ટ હોવાનું જાણવા મળ્યું છે. જેથી આ વ્યક્તિ ભારતમાં માત્ર જાસૂસી કરવા માટે જ આવેલો હશે તેમાં શંકાને કોઈ જ સ્થાન નથી.
એહસાન-ઉર-રહેમાન ઉર્ફે દાનિશ ISIનો એજન્ટ હોવાનો ખુલાસો
સુરક્ષા એજન્સી દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન એવું પ્રકાશમાં આવ્યું કે કે, ISIનો એજન્ટ દાનિશ ઈસ્લામાબાદમાં પોસ્ટેડ હતો. દાનિશનો પાસપોર્ટ ઇસ્લામાબાદથી જ જારી કરવામાં આવ્યો હતો. ભારત માટે દાનિશના વિઝા 21મી જાન્યુઆરી 2022ના રોજ જારી કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઇ કમિશનમાં પોસ્ટ બદલીને એજન્ટો તૈનાત કરે છે.
આ પણ વાંચો: યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા ISI એજન્ટ સાથે કોડ વર્ડ્સમાં વાત કરતી: ગુપ્તચર ષડયંત્રનો પર્દાફાશ
જ્યોતિ મલ્હોત્રાના દાનિશ સાથે સંબંધોનો ખુલાસો
પાકિસ્તાન ભારત વિરોધી ષડયંત્ર કરવા માટે કોઈ પણ હદ પાર કરી શકે તેમ છે. પાકિસ્તાન પહેલા દાનિશને ભારતમાં આવેલા પાકિસ્તાન હાઇ કમિશનમાં મોકલો છે. ત્યાર બાદ ISI એજન્ટો વિઝા મેળવવા આવતા લોકો અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથે મિત્રતા કરીને, તેમને બ્લેકમેઇલ કરીને, તેમને હની ટ્રેપમાં ફસાવીને, પૈસાની લાલચ આપીને ભારત વિરુદ્ધ જાસૂસી કરવા દબાણ કરવામાં આવે છે. પાકિસ્તાન દ્વારા આવું વારંવાર કરવામાં આવતું હોય છે. ભારતીય યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાના દાનિશ સાથે સંબંધોનો ખુલાસો થયો છે. જ્યોતિએ ભારતની સંવેદનશીલ માહિતી પાકિસ્તાને આપી હોવાથી તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
દાનિશના કહ્યા પ્રમાણે પાકિસ્તાન ગઈ હતી જ્યોતિ મલ્હોત્રા
આગાઉની તપાસ પ્રમાણે જ્યોતિએ તેના વીડિયોમાં પણ કહ્યું હતું કે, તે દાનિશના કહેવા પર બે વખત પાકિસ્તાન ગઈ હતી. એટલું જ નહીં પરંતુ દાનિશના કહેવાપર પાકિસ્તાનમાં અલી હસનને પણ મળી હતી. પાકિસ્તાનમાં જ્યોતિના રહેવા અને ફરવાની વ્યવસ્થા અલી હસને કરી આપી હતી. પાકિસ્તાનમાં અલી હસને જ જ્યોતિની પાકિસ્તાની સુરક્ષા અને ગુપ્તચર અધિકારીઓ સાથે મુલાકાતનું આયોજન કર્યું હતું. જેથી અત્યારે જ્યોતિ પર શંકાઓ ખૂબ જ વધી ગઈ છે.