દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટમાં મળેલી વસ્તુઓની હરાજી થઈ રહી છે, જેમાં તેમને ભેટમાં મળેલું ગોલ્ડન ટેમ્પલ મોડલ પણ છે. અકાલી દળના વરિષ્ઠ નેતા સુખબીર બાદલે આ હરાજી સામે વાંધો વ્યક્ત કર્યો છે.
અકાલી દળના નેતાએ કહ્યું કે આ મોડલ અકાલ પુરૂષ અને ગુરુ સાહેબોની ભેટ અને આશીર્વાદનું પવિત્ર પ્રતીક છે અને તેની હરાજી કરવામાં આવે, તે એક ગંભીર અપમાન છે. “આનાથી શીખ સમુદાયની ધાર્મિક લાગણીઓને પણ ઠેસ પહોંચશે,” ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સુખબીર બાદલે સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું.
નોંધનીય છે કે પીએમ મોદીને મળેલી ભેટોનું ઈ-ઓક્શન અભિયાન 2 ઓક્ટોબરથી શરૂ થયું હતું અને તે 31 ઓક્ટોબર સુધી ચાલશે. તેના પાંચમા તબક્કામાં, કેન્દ્રએ 900 થી વધુ ભેટોમાં સુવર્ણ મંદિરના મોડેલને પણ સૂચિબદ્ધ કર્યું છે. હરાજીમાંથી એકત્ર કરાયેલ ભંડોળ સરકારની ‘નમામિ ગંગે’ પહેલમાં જશે, જેનો ઉદ્દેશ ગંગા નદીને પુનર્જીવિત કરવાનો છે.
ગોલ્ડન ટેમ્પલ મોડલ ઉપરાંત પીએમની અન્ય ભેટોની પણ હરાજી કરવામાં આવી રહી છે જેમાં ભગવાન લક્ષ્મી નારાયણ વિઠ્ઠલ અને દેવી રુક્મિણીની પ્રતિમા, ગુજરાતના સૂર્ય મંદિરની પ્રતિકૃતિઓ, ચિત્તોડગઢના વિજય સ્તંભ અને જાણીતા કલાકાર પરેશ દ્વારા દોરવામાં આવેલ બનારસ ઘાટનું ચિત્ર સામેલ છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને