કચ્છના આદિપુરમાં ગુજરાતનો પ્રથમ વોટર હાર્વેસ્ટિંગ થીમ પાર્ક બનશે…

ભુજઃ રણપ્રદેશ કચ્છ જેવા સૂકા મુલકમાં વરસાદી પાણીના ટકાઉ વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપવાના ઉદેશ્ય સાથે સિન્ધુ રિસેટલમેન્ટ કોર્પોરેશન દ્વારા આદિપુરના આદિસર બાગ ખાતે રેઈનવોટર હાર્વેસ્ટિંગ થીમ પાર્કનું અગ્રણીઓના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું.

આદિપુરમાં બનનારા આ રાજ્યના સૌપ્રથમ પાર્ક થકી જીવાદોરી સમાન જળસંચય અંગે નાગરિકોમાં જાગૃતિ ફેલાવનો મુખ્ય ઉદેશ્ય છે. આ પ્રોજેક્ટ સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશન અને સેન્ટર ફોર વોટર એન્ડ સેનિટેશન સી.આર.ડી.એફ. સેપ્ટ યુનિવર્સિટીના સહયોગથી વિકસાવવામાં આવી રહ્યો છે.
રેઈનવોટર હાર્વેસ્ટિંગ અને ભૂગર્ભજળ રિચાર્જ વિશે જાગૃતિ લાવવા અને લોકોને શિક્ષિત કરવાના હેતુસર આ થીમ પાર્ક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન બની રહેશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. આ થીમ પાર્કનો ઉદ્દેશ શૈક્ષણિક અને પ્રદર્શન કેન્દ્ર તરીકે કામ કરવાનો છે, જે રેઈનવોટર હાર્વેસ્ટિંગની વિવિધ નવીન તકનિકોને પ્રદર્શિત કરાશે. ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો અને વાસ્તવિક મોડેલો દ્વારા આ પાર્કમાં વ્યક્તિઓ, સંસ્થાઓ અને સમુદાયોને પાણી સંરક્ષણની પદ્ધતિઓ અપનાવવા માટે પ્રોત્સાહિત કરાશે.
આદિસર પાર્ક ખાતે આવેલું રેઈનવોટર હાર્વેસ્ટિંગ થીમ પાર્ક ગુજરાતમાં પ્રથમ પાર્ક છે. આ શુભ પ્રસંગે ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇન્ચાર્જ કમિશનર મેહુલ દેસાઈ, સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશનન ઇન્ચાર્જ ચેરમેન પ્રેમ લાલવાણી, એસ.આર.સી.ના ડાયરેક્ટર હરેશ કલ્યાણી, નરેશ બૂલચંદાની, નીલેશ પંડયા, સેવક લખવાની અને જનરલ મેનેજર ભગવાન ગેહાની, સેપ્ટ યુનિવર્સિટીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
આપણ વાંચો : કચ્છી યુવાને વિશ્વની ત્રીજા નંબરની ઊંચી માઉન્ટ કંચનજંગા પર્વતમાળાને સર કરી ઐતિહાસિક સિદ્ધિ મેળવી