અમદાવાદ પાસપોર્ટ ઓફિસના ડિસ્પેચ ડિપાર્ટમેન્ટના બારકોડિંગ સિસ્ટમમાં ખામી સર્જાતા 1800 પાસપોર્ટ અટવાયા…

અમદાવાદઃ શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલી પ્રાદેશિક પાસપોર્ટ કચેરીમાં તાજેતરમાં નવું વર્ઝન અમલી બનાવવામાં આવ્યું હતું. જે બાદ તેના ડિસ્પેચ ડિપાર્ટમેન્ટના બારકોડિંગ સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાતા 1800 પાસપોર્ટ અટવાયા હતા. જે અરજદારોએ તત્કાલ પાસપોર્ટ માટે અરજી કરી હતી તેમને પણ ચારથી પાંચ દિવસે પાસપોર્ટ મળ્યા હતા. જેના કારણે ઓન એરાઇવલ વિઝા લઇ ફરવા જનારા અરજદારો મુશ્કેલીમાં મુકાયા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ, ડિસ્પેચ વિભાગ સ્પીડ પોસ્ટ મારફતે પાસપોર્ટ મોકલે છે. પાસપોર્ટનું નવું વર્ઝન અપડેટ થઈ રહ્યું છે ત્યારે 1800 જેટલા અરજદારોના પાસપોર્ટના કવર પર એડ્રેસ બારકોડ લગાવાયા હતા. જેમાં ભૂલ જણાઈ હતી. જેના કારણે અરજદારોના સાચા સરનામે પાસપોર્ટ ડિસ્પેચ થયા નહોતા. અરજદારો પાસપોર્ટ સ્ટેટસ ચેક કરતા હતા ત્યારે અમદાવાદના બદલે બહાર ગામનું બતાવતા હતા, જેથી તેઓ પણ મૂંઝાયા હતા.
સૂત્રોના કહેવા પ્રમાણે, પોસ્ટ વિભાગે 1800 પાસપોર્ટ અમદાવાદ પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસ ખાતે મોકલી આપ્યા હતા અને તેના પર સાચું સરનામું છે કે નહીં તે ચેક કરવામાં આવી રહ્યું છે. પાસપોર્ટ કચેરીના ડિસ્પેચ ડિપાર્ટમેન્ટની બારકોડિંગ સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાતાં અનેક લોકોએ તેમના વિદેશ પ્રવાસ કેન્સલ અથવા રિશિડ્યૂલ કરવાની ફરજ પડી હતી.
ઉલ્લેખનીય છે કે વિદેશ જવા પાસપોર્ટ મહત્ત્વનો પુરાવો છે. ગુજરાતમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં લોકો પાસપોર્ટ રિન્યુ કરાવે છે અથવા તો નવા બનાવે છે. પાસપોર્ટ માટે અત્યાર સુધી ઓરિજનલ દસ્તાવેજ રજૂ કરવા પડતા હતા પરંતુ હવે આમાંથી છૂટકારો મળી શકે છે. ટૂંક સમયમાં એઆઈ આધારિત વર્ઝન અમલી બનશે. આ માટે ડીજી લોકરમાં આધાર કાર્ડ, પાન કાર્ડ સહિતના દસ્તાવેજ ડાઉનલોડ હોવા જોઈએ. નવા અમલ પહેલાં જૂની ફાઈલો ક્લિયર કરવામાં આવશે. તેમજ થોડા સપ્તાહમાં મીઠાખળીનું પાસપોર્ટ કેન્દ્ર બાપુનગર ખસેડવામાં આવશે.
અરજદારોએ જો ડીજી લોકરમાં પાન, આધારકાર્ડ, લાઈસન્સ, એજ્યુકેશન સર્ટિ ડાઉનલોડ કરેલા હશે તો તો તેમને પાસપોર્ટ સેવા કેન્દ્ર પર ફિઝિકલ દસ્તાવેજ કે ફોટોકોપી લઈ જવાની જરૂર રહેશે નહીં. અરજદારો વ્હાઈટ બેગ્રાઉન્ડ વાળો નક્કી કરેલી સાઇઝનો ફોટો જાતે પાડી શકશે. તે ફોટો અરજદારો પાસપોર્ટમાં લઈ શકશે. અરજદારોના પાસપોર્ટ મુખ્ય પેજ પર આવતી સહી પહેલા નોટપેડ પર કરાવવામાં આવશે.
આપણ વાંચો : કામની વાતઃ પાસપોર્ટ માટે ઓરિજનલ દસ્તાવેજ નહીં રજૂ કરવા પડે, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કાર્યરત થશે PSK