સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ, મુખ્ય પ્રધાને 24×7 કંટ્રોલરૂમ કાર્યરત કરવા આપી સૂચના…

ગાંધીનગરઃ અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે ગુજરાતમાં સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં પવન ફૂંકાવાની અને વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે હવામાન વિભાગે કરેલી આગાહીને ધ્યાને લેતા, રાજ્યના આ જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્રોને સતર્ક અને સજાગ રહેવા તેમજ 24×7 કંટ્રોલરૂમ કાર્યરત કરવા સૂચનાઓ આપી હતી.

મુખ્ય પ્રધાને આ સંભવિત વરસાદ કે ભારે પવન સામે તકેદારી સાથેના સલામતી પગલાઓ માટેના દિશાનિર્દેશો આપ્યા હતા. મુખ્ય પ્રધાને ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં પણ કંટ્રોલરૂમ 24×7 કાર્યરત રહે અને આ જિલ્લાઓ સાથે સતત સંપર્કમાં રહે તેવી સૂચનાઓ આપી હતી.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના પૂર્વ મધ્ય અરબ સાગરમાં સાયક્લોનિક સર્કયુલેશન સર્જાયું છે. જે લો પ્રેશર બનવાની અને તેના પછી ડિપ્રેશનમાં ફેરવાય તેવું પૂર્વાનુમાન છે. જેના કારણે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં બે દિવસ છુટોછવાયો સામાન્ય વરસાદ રહેશે ત્યારબાદ વરસાદનું જોર વધવાની સંભાવના છે.
હવામાન વિભાગ દ્વારા આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરી છુટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 23 મેના રોજ અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ, જૂનાગઢ, ગીર, સોમનાથ, ભરૂચ, સુરત, નર્મદા, તાપી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે 24 મે ના રોજ જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ તથા પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
આપણ વાંચો : ગુજરાત પર વાવાઝોડાનો ખતરો! IMDની આગાહી પ્રમાણે 8 જિલ્લામાં ભારે વરસાદની સંભાવના…