પરેશ રાવલને ‘બાબુરાવ’થી નફરત કેમ થઈ? ‘હેરા ફેરી 3’ છોડવા પાછળનું ચોંકાવનારું કારણ!

મુંબઈ: વર્ષ 2000માં રિલીઝ થયેલી પ્રિયદર્શન દિગ્દર્શિત કોમેડી ફિલ્મ ‘ફેરાફેરી’ લોકોને ખુબ પસંદ પડી હતી, ત્યાર બાદ વર્ષ 2006માં આ ફિલ્મની સિકવલ ‘ફિર ફેરાફેરી’ રિલીઝ થઇ હતી. આ બંને ફિલ્મોમાં બોલીવૂડના દિગ્ગજ અભિનેતા પરેશ રાવલ(Paresh Rawal)એ ભજવેલા બાબુરાવ ગણપતરાવ આપ્ટેનાં પાત્રને ખુબ લોક ચાહના મળી હતી. ચાહકો ઘણા લાંબા સમયથી ‘હેરા ફેરી 3’ની રાહ જોઈ રહ્યા છે, પરંતુ દર્શકો માટે નિરાશાજનક સમાચર છે, પરેશ રાવલે ‘હેરાફેરી 3’ (Hera Pheri 3) છોડી દીધી છે, આ સાથે તેમણે ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
અગાઉ એવા અહેવાલો મળ્યા હતાં કે પરેશ રાવલે નિર્માતાઓ પાસેથી 25 કરોડ રૂપિયા ફી માંગી હતી. પરંતુ તેમને આ રકમ આપવામાં ન આવતા, પરેશ રાવલે આ ફિલ્મ છોડવાનો નિર્ણય લીધો હતો. પરંતુ એક ઈન્ટરવ્યું દરમિયાન પરેશ રાવલે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. પરેશ રાવલે થોડા દિવસ પહેલા એક ઇન્ટરવ્યુમાં પોતાના પાત્ર બાબુ રાવ પ્રત્યે અણગમો વ્યક્ત કર્યો હતો અને તેમને આ પાત્રને ‘ગળામાં વીંટાયેલો ગાળીયો’ ગણાવ્યું હતું. તેમણે તો એમ પણ કહ્યું કે તે આમાંથી મુક્તિ ઇચ્છે છે.

પરેશ રાવલને પાત્ર સામે અણગમો કેમ?
થોડા દિવસો પહેલા પરેશ રાવલે એક ન્યુઝ પોર્ટલને આપેલા ઇન્ટરવ્યુનો વિડીયો યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હતો. ઇન્ટરવ્યુ દરમિયાન પરેશ રાવલને પૂછવામાં આવ્યું કે જ્યારે તમે લોકોની વચ્ચે હોવ છો, ત્યારે તમને કેટલી વાર કહેવામાં આવે છે કે તમે હેરાફેરીમાં કેટલું અદ્ભુત કામ કર્યું છે? પરેશ રાવલે આનો અણગમા સાથે જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું, “એવું કહેવામાં આવે છે, પણ હકીકતે એ તો ગળામાં ફાંસો છે. એ પાત્રથી મારો શ્વાસ રૂંધાય છે.”
‘મારે ઈમેજ બદલવી છે…’
પરેશ રાવલે વધુમાં કહ્યું, “ફિર હેરા ફેરી વર્ષ 2006 માં રિલીઝ થઈ હતી. હું 2007 માં વિશાલ ભારદ્વાજ પાસે ગયો હતો. મેં વિશાલ ભાઈ કહ્યું, મારી પાસે એક ફિલ્મ છે. હું તેની (બાબુ રાવ તરીકે) ઈમેજ દૂર કરવા માંગુ છું. તમે તે કરી શકો છો. જે કોઈ આવે છે માત્ર હેરા ફેરી તેના મગજમાં હોય છે. હું એક અભિનેતા છું, હું આ દલદલમાં ફસાઈ જવા માંગતો નથી. પરંતુ વિશાલે કહ્યું કે હું રિમેક નથી બનાવતો. પછી 2022 માં, હું આર. બાલ્કી પાસે ગયો. મેં તેમની પાસેથી પણ આવી જ માંગણી કરી. આનાથી મને ગૂંગળામણ થાય છે.”
પરેશ રાવલ સામે કેસ:
વર્ષ 2000 માં રિલીઝ થયેલી હેરાફેરી સુપરહિટ સાબિત થઈ. પરેશ રાવલની સાથે અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટી પણ મુખ્ય ભૂમિકામાં મળ્યા હતા. આ જ ત્રિપુટીએ 2006 માં આવેલી ફિલ્મ ફિર હેરા ફેરીમાં ધૂમ મચાવી હતી. જ્યારે હેરા ફેરી 3 માટે પણ ત્રણેયના નામ ફાઇનલ કરવામાં આવ્યા હતા. પ્રિયદર્શને દિગ્દર્શનની જવાબદારી સંભાળી હતી. આ ફિલ્મ અક્ષયના પ્રોડક્શન હાઉસ ‘કેપ ઓફ ગુડ ફિલ્મ્સ’ હેઠળ બનાવવામાં આવી રહી છે. પરેશે ફિલ્મ છોડી દીધી છે, હવે અક્ષયના પ્રોડક્શન હાઉસે તેમને 25 કરોડ રૂપિયાના નુકસાનની માંગણી કરતી કાયદાકીય નોટિસ ફટકારી. ઉપરાંત, પ્રોડક્શન હાઉસની ટીમે કહ્યું કે પરેશ રાવલને અગાઉથી લાખો રૂપિયા આપવામાં આવી ચૂક્યા છે.
આપણ વાંચો : અક્ષય કુમાર અને પરેશ રાવલ વચ્ચે રિયલ કોર્ટ ડ્રામાઃ 25 કરોડનો દાવો