અમદાવાદ

અમદાવાદના ગુરુકુળમાં પૂર્વી ટાવરમાં 8 મા માળે લાગી આગ, 15 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું…

અમદાવાદ: અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં આવેલા પૂર્વી ટાવરના 8મા માળે આગ લાગવાની ઘટના બની છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે એસીનું કોમ્પ્રેસર ફાટવાના કારણે આગ લાગી હતી, એટલું જ નહીં પરંતુ ઘરમાં રહેલા બે બાટલા પણ ફાટ્યા જેના કારણે આગ વધારે ફેલાઈ હતી. તે ઘરમાં રહેલા તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યાં છે. આ સાથે 9મા અને 10મા માળે રહેતા લોકોને ધાબા પર જવા માટે કહેવામાં આવ્યું હતું. આ તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.

ફાયરબ્રિગેડની 15 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના
આગનો કોલ મળતાની સાથે ફાયરબ્રિગેડની 15 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી. આ સાથે ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. અત્યારે ફાયરબ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ગુરુકુળમાં પૂર્વી ટાવરમાં 8મા માળે આગની ઘટના બનતા લોકોને ટોળા ઉમટી પડ્યાં હતાં. આગની ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર મળ્યા નથી તેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

ફાયર બ્રિગેડ દ્વારા 12થી 15 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું
ગુજરાતમાં અત્યારે આગની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. નિષ્ણાતોનું કહેવું છે કે, ગરમીનું પ્રમાણ વધતા એસી ફાટવાની સંભાવના વધી જાય છે. જેના કારણે આઘની ઘટનાઓ વધી છે. મોટા ભાગની આગની ઘટનામાં એસી ફાટવાનું કારણ હોય છે. આજે પણ ગુરુકુળમાં પૂર્વી ટાવરમાં 8મા માળે એસીનું કોમ્પ્રેસર ફાટવાના કારણે આગ લાગી હતી. 9મા અને 10મા માળના લોકોને ધાબા પર મુકવામાં આવ્યાં હતા તેમાંથી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા 12થી 15 લોકોને સીડી વડે નીચે ઉતારવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button