મધ્ય પ્રદેશમાં થયો અજીબ કાંડ! સરપંચે 20 લાખ રૂપિયામાં પંચાયતને જ ગીરવે મુકી દીધી…

ગુના, મધ્ય પ્રદેશ: મધ્ય પ્રદેશમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. મધ્ય પ્રદેશના ગુના જિલ્લામાં ગામના સરપંચે આખી પંચાયત ગીરવે મુકી દીધી હોવાની ફરિયાદ નોંધાઈ છે. ગુના જિલ્લાના કરોદ ગ્રામ પંચાયતને 20 લાખ રૂપિયામાં ગીરવે મુકી દેવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ આ માટે મહિલા સરપંચ અને પંચ વચ્ચે લેખિત કરાર પણ કરવામાં આવ્યો હતો. જ્યારે જિલ્લા વહીવટીતંત્રને આ બાબતની જાણ થઈ, ત્યારે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી અને સરપંચ તથા પંચને પદ પરથી હટાવી દેવામાં આવ્યાં છે. પરંતુ આ ઘટના અત્યારે ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે.
100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર આ દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યો
ઘટના એવી છે કે, શંકરસિંહ ગૌરના પત્ની લક્ષ્મીબાઈએ સરપંચની ચૂંટણી લડવા માટે ગામના હેમરાજ સિંહ ધાકડ પાસેથી 20 લાખ રૂપિયા ઉધાર લીધા હતાં. આ માટે પંચ રણવીર સિંહ કુશવાહ સાક્ષી બન્યા હતાં. જ્યારે કરાર કરવામાં આવ્યો ત્યારે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ચૂંટણી જીત્યા પછી, સરપંચ લક્ષ્મીબાઈને પંચાયતમાં થયેલા વિકાસ કાર્યના 5% કમિશન મળશે. ગેરંટી તરીકે હેમરાજ સિંહ ધાકડ પાસે 20 લાખ રૂપિયાનો ચેક રાખવામાં આવ્યો હતો. કરાર મુજબ હેમરાજ સિંહનું દેવું સરકારી ભંડોળથી પંચાયતમાં થયેલા કાર્યમાંથી ચૂકવવામાં આવશે. 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર આ દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં સરપંચ લક્ષ્મીબાઈ, તેમના પતિ શંકર સિંહ, પંચ રણવીર સિંહ અને રવિન્દ્ર સિંહના હસ્તાક્ષર પણ લેવામાં આવ્યો હતાં.
પંચાયતના સિક્કા અને મહત્વના દસ્તાવેજો પણ ગીરવે મુકી દીધા
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે 2022માં આ દસ્તાવેજ કરવામાં આવ્યો હતો. 20 લાખ રૂપિયા ઉધાર લીધા બાદ પંચાયતને કોઈ ત્રીજા વ્યક્તિ પાસે ગીરવે મુકી દેવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ સરપંચની ચેકબુક, પંચાયતના સિક્કા અને અન્ય મહત્વના દસ્તાવેજો પણ હેમરાજ સિંહ પાસે ગીરવે મુકી દેવામાં આવ્યાં હતાં. આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા સરપંચ અને પંચ સામે કાર્યવાહી કરવામાં આવી છે. કાર્યવાહીની વાત કરવામાં આવે તો, મધ્યપ્રદેશ પંચાયત રાજ અને ગ્રામ સ્વરાજ અધિનિયમ 1993 ની કલમ 40 હેઠળ બંનેને તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા.
આપણ વાંચો : હે! હરિયાણાનાં મહિલા સરપંચે કહ્યું, સચિન પાયલટ મારો ક્રશ.. હતો છે અને રહેશે..