પુરુષલાડકી

મુખ્બિરે ઈસ્લામ : સંપ, સલામતી, સુખનો સ્તંભ: મઝહબે ઈસ્લામ…

-અનવર વલિયાણી

અલ્લાહે ઈન્સાન માટે અને ઈન્સાનની સમજણ અર્થે બધા સામાનો તૈયાર કર્યા છે એટલે તેના પર લાઝીમ (જરૂરી) છે કે તે હિદાયત (ધર્મની સાચી સમજ)ને ઉપયોગમાં લઈ, તે પ્રમાણે જીવન વિતાવે. ખુદાતઆલા કોઈપણ કોમને બરબાદ થતી જોવા ઈચ્છતો નથી. તેનો મકસદ (હેતુ) ઈન્સાન પોતે તરક્કી કરે એ છે અને આ હેતુ પાર પડે તો તે ખુશ થાય છે.

અલ્લાહના સંદેશવાહક – પયંગબરે ઈસ્લામ હઝરત મુહમ્મદ સલ્લલ્લાહો અલૈયહિ વઆલેહિસલ્લામ (સ.અ.વ.) ફરમાવે છે કે – ‘અત્યંત ગરીબી કુફ્રનું (ધર્મ વિરુદ્ધનું આચરણ) કારણ બને છે…’ ગરીબી ઈન્સાન પર એક જાતની એવી હાલત લાવી મુકે છે કે, જેથી ઈન્સાન પર હદ કરતાં વધુ તકલીફ આવી પડે છે, ગુનાઓથી ખુદને બચાવવો કપરું થઈ પડે છે અને ઈમાન (ધર્મની સચ્ચાઈ) સાથે જિંદગી જીવવી બહુ જ ભારે થઈ પડે છે. અલ્લાહતઆલા આવી હાલત મનુષ્ય માત્ર માટે ઈચ્છતો નથી. એક ઈમાનદારી (સત્ય) સાથે નોંધ કરવી રહી કે ઈન્સાન પોતાના જ હાથે પોતે પોતા પર આફત લાવી મુકે છે. તેના શ્રેષ્ઠ સર્જન માટે અલ્લાહ પાકની નજીક એક અજબ ઈજ્જત છે અને તે બંદાઓ થકી રાજી રહે છે.

કોમીજનો પર એ બાબત અત્યંત જરૂરી બની રહેવા પામે છે કે તે પોતાની ખામીઓને સુધારવાની કોશિશ કરે અને રફતે રફતે – કદમબકદમ પોતાને સુપંથે લાવી મુકે. જો આવું બનવા પામે તો આપોઆપ અવદશા તેનાથી કોસો દૂર થશે, ઝિલ્લત (બુરી દશા)થી છુટકારો થશે અને રબની નેઅમતો (ઈશ્ર્વરની દેણગી)ને હલાલ (ઈમાનદારી – સચ્ચાઈ)થી મેળવવા નસીબદાર થશે – ભાગ્યશાળી બની રહેવા પામશે.

પરવરદિગારે આલમે દુનિયાની સર્વે નેઅમતો તેના બંદા માટે પેદા કરી છે. તે બદબખ્તી (દુર્ભાગ્ય) અને ગરીબાઈને ચાહતો નથી. પોતાના બંદાઓ નેઅમતોને ઉપયોગમાં લે એવી તેની ઈચ્છા છે. ગરીબી અને અમીરી ઈન્સાને પોતે પેદા કરેલ બે મંજર (દૃશ્ય) છે, કે જે કુદરતે નિર્માણ કરેલ છે. ગરીબને પરવરદિગારે એ માટે પેદા કરેલ છે કે તે અમીર (શ્રીમંત) માટે એક પરીક્ષારૂપ થઈ પડે, જ્યારે અમીર (માલદાર)ને ખુદાએ ગરીબોના વકીલ તરીકે પેદા કરેલ છે. ગરીબો અને મોહતાજો, એ તવંગરો અને શ્રીમંતોની ઔલાદની જેમ છે. જો શ્રીમંતો પોતાની ફરજ સમજે અને તે પ્રમાણે અમલ કરે, તો ગરીબોની હાલત એવી રીતે આપોઆપ સુધરી જાય કે જે હાલતને જોઈને આજે શ્રીમંતો પોતે પણ કાંપી રહ્યા છે, ધ્રુજી રહ્યા છે.

હાજતમંદો પર જરૂરી છે કે તેઓ ગમે ત્યાંથી કામને શોધે, બેકારીના દુષ્ટ રોગનો ગમે તેવો પણ ઈલાજ કરે અને કામ કરવાને ઈબાદત સમજી હલાલ (સત્ય માર્ગે) રીતે પોતાની રોજી મેળવે. વળી, ગરીબને ગર્વ લેશમાત્ર હોવો ન જોઈએ. ગર્વ એ નાશનું મૂળ છે. હદીસે નબવી (પયગંબર હઝરત મુહંમદ (સ.અ.વ.ના સુકૃત્યો)માં છે કે, ‘અલ્લાહ ગર્વિષ્ટ ગરીબને દુશ્મન રાખે છે અને ફુઝુલ (નકામા) બેકારોને કડવી નજરે જુએ છે. ખાસ કરીને તે બેકાર કે જે જવાન હોય, કામ કરી શકતો હોય તે છતાં કામ કરે નહીં.’

સૃષ્ટિના સર્જકે ઈન્સાનને સારીએ કુદરતનો એક નાદર (બેમિસાલ, બેનમુન) નમૂનો બનાવ્યો છે એટલે પોતાની હસ્તિની જવાબદારી તેણે સમજવી જોઈએ. ખુદાનું નામ લઈ જોશ, ઈમાન (શ્રદ્ધા-સચ્ચાઈ) અને શોખથી પોતાના માલિકનું નામ, પોતાના માલિકની દુનિયામાં હસ્તે મોઢે જીવન જીવવા તે બહાર પડે અને ઈન્શાલ્લાહ તે જોશે કે અલ્લાહ કેટકેટલો મહેરબાન છે. તેના દિલોદિમાગમાં ઈમાન (આસ્થા, સત્ય)ના ફુવારા ફુટતા હશે. તેની નસેનસમાં વફાદારીનું લોહી વહેતું હશે, તે બંદગીના વખતે પોતાના કિરતારની પાસે ધ્રૂજતા બદને ઈબાદતમાં મશગૂલ હશે, તો દુન્યવી કાર્ય કરવામાં તેના અવાજની અસર પડઘો પાડનારી બની રહેવા પામશે.

સમય સતત ચેતવણી આપી રહ્યો છે કે નેઅમતો (ઈશ્ર્વરની દેણગી)થી ભરપૂર દુનિયાને ઈન્સાન પોતાના હાથે જ હરામ કરવાથી બચે. સુખ, શાંતિ, શુકુન, સંપત્તિને પોતાથી વિખૂટા ન પાડે.

નામે મુસલમાન પોતા માટે એક એવી ઈજ્જત પેદા કરે છે કે જેથી તેઓની જિંદગી બીજાઓ માટે માર્ગદર્શિક બની રહે. ઈજ્જત- આબરૂ બે રીતથી પેદા થઈ શકતી હોય પયંગબર હઝરત મુહંમદ (સ.અ.વ.) તથા હઝરત ઈમામ જાઅફરે સાદીક રદ્યિતઆલા અન્હોના કથનો ધર્મની અર્થાત્ દીન અને દુનિયામાં જીને કી રાહ બતાવનારા હોઈ, હિદાયત આપનારી બની રહેવા પામશો:

  • પયગંબરે ઈસ્લામ હઝરત મુહંમદ સલ. કહે છે કે:
  • પોતાની માલમિલકતને દુરૂસ્ત, યોગ્ય જાળવણી કરવી એ ઘણી સારી વાત છે અને જરૂરી પણ છે; પરંતુ તે કરવા પૂર્વે પોતાની જિંદગીને સુધારવી ઘણી જ જરૂરી બની રહેવા પામે છે.
  • સૌ પ્રથમ પોતાની જિંદગીને સુધારે
  • એ પછી કયામત – યવ્મેદ્દીનના ન્યાયના દિવસનો – આખરી નિર્ણયના પરિણામ ઉપર ચિંતા – ફીકર કરે અને એ બાદ જ્યારે પણ દુનિયામાંથી મજા લે, ત્યારે માત્ર હલાલ – સચ્ચાઈના માર્ગે જ લેવાનું યોગ્ય – ઉચિત માર્ગે જ મેળવે.’
    હઝરત ઈમામ જાફરે સાદીક રદિયતઆલા અન્હોથી રિવાયત (અક્ષરશ કથન) છે કે – ‘રોજીને તલબ (ઈચ્છા) કરનાર માટે જરૂરી છે કે શરમ ન કરે…! એવી રીતે રોજીને તલબ કરનાર ઉપરથી એક બહુ મોટો બોજ ઓછો થાય છે. તેને પોતાને આશાયસ મળે છે. એટલું જ નહીં, પરંતુ તેના સંતાનો માટે પણ તેને નેઅમતો (ઈશ્ર્વરની દેણગી) મળે છે.’

આપ ઈમામ કહો છે કે, ‘જીવન સુધારવા માટે ઈલ્મ – શિક્ષણ – તાલીમ – જ્ઞાનની પણ જરૂર છે. માલ પેદા કરવા માટે-રોજી કમાવવા માટે દરરોજ શ્રમ કરનારા પર એ પણ લાઝમી જરૂરી છે કે તે 6-8 દિવસે પણ ઓછામાં ઓછું એક દિવસ ઈલ્મોજ્ઞાન મેળવવા જાય.

અસનાદ (સત્યવાદી) હઝરત (માનવંત) રસૂલે અનવર હઝરત મહંમદ સાહેબનું કથન – હદીસ છે કે, ‘અફસોસ છે કે મોમીન – (શ્રદ્ધા લાવનાર પર કે જે) અઠવાડિયામાં એક દિવસ માટે પણ ઈલ્મ – જ્ઞાન હાંસલ કરવા જતો નથી!’

  • માનવંત આલિમો,
  • જાણકાર વિદ્વાનો,
  • ધર્મના અભ્યાસુઓ!

વ્હાલા આલિમો (જાણકાર વિદ્વાનો), ધર્મના અભ્યાસુઓ! હુઝૂરે અનવર (સ.અ.વ.)ની ઉપરોક્ત હદીસ શું ફક્ત પુરુષો માટે જ ફરમાવવામાં આવી છે? ઔરતોને તે લાગુ પડતી નથી? સુન્ની અને શીઆના મુફતીઓ એટલે કે જેઓને ફતવો આપવાનો અધિકાર છે, શરીઅત – ઈસ્લામી કાયદા-કાનૂનના સાચા અર્થ તારવનારાઓ પણ સ્ત્રીશિક્ષણને પ્રોત્સાહિત કરવા અનુરોધ કરે છે. માત્ર ધ્યાન એટલું રાખવાનું છે કે અખ્લાકો (ચરિત્ર, શીલ, સદાચરણ)ની બહાર કદમ મુકવો નિષિધ (મનાઈ) લેખવો જોઈએ. શિષ્ટાચારની હદમાં રહીને કરવામાં આવતું દરેક કાર્યને અંજામ આપવાની ઈસ્લામ સ્ત્રીને મનાઈ કરતું નથી. દુનિયામાં જકડાયેલ ઈન્સાન પર પોતાની દુન્યવી ફરજો પણ અદા કરવાનું લાઝીમ (આવશ્યક) અને જરૂરી છે. હદીસ શરીફમાં રિવાયત (અક્ષરશ કથન) છે કે, ‘હલાલ કમાવવાવાળો જેહાદ (ધર્મના માર્ગમાં મહેનત) કરનારનો મરતબો ધરાવે છે અને તે અલ્લાહનો દોસ્ત છે…!’

મોમીનો પર લાઝીમ છે કે પોતાના જીવનને ઈસ્લામી જીવન બનાવી તે થકી ઈસ્લામની ઈજ્જત વધારે અને સાબિત કરી બતાવે કે –

  • ઈસ્લામ એક એવો ધર્મ છે કે બંદા અને ખુદા દરમિયાન ટૂંકામાં ટૂંકો રસ્તો છે
  • સઘળા ધર્મનો સાર છે.
  • ભલાઈ અને સુખનું છેવટ છે
  • કુદરત અને ફીતરત (જન્મજાત ટેવ)ને અનુસરીને છે
  • સત્યતાનું મૂળ અને બધી રીતે સંપૂર્ણ અને લાભદાયક રસ્તો છે.
  • સંપ, એકતા સલામતી, સુખનો પાયો ઈસ્લામ છે
  • અંધકારમાં ભટકતી કોમ ઈસ્લામ વડે જ પ્રકાશમાં આવી શકશે
  • ઈસ્લામ ધર્મમાં એ સઘળી કુવ્વતો (ખૂબીઓ) મોજૂદ છે કે જે મુરદા કોમમાં રૂહ ફૂંકી શકે છે, પરંતુ અફસોસ મુસલમાનોમાં તે કુવ્વતોમાં સતત ઓટ આવતી જઈ રહી છે
  • મુસલમાનો આ કૌશલ્યને પ્રાપ્ત કરવા કોઈ જ કોશિશ કરતા નથી
  • હયરત તો એ વાતની છે કે જગતના ઈતિહાસો સમજવા – શીખવા મુસલમાનો મહેનત લે છે પણ તેઓને ઈસ્લામી ત્વારીખ સમજવા – અભ્યાસ કરવાની ફુરસદ નથી.
  • ઈસ્લામની અસલ બુનિયાદી હકીકતોને પીછાણશું નહીં, તેના પર ઈલ્મ હાંસલ કરી જ્ઞાન સંપાદન કરવામાં આવશે નહીં તો ઈસ્લામનો શાનદાર ઈતિહાસ માત્ર ત્વારીખના પાનાંઓમાં ધૂળ ખાતો ભૂતકાળ જ બની રહેવા પામશે.

પથ્થર કી લકીર:

એક જમાનો – યુગ એવો પણ આવશે કે મારી ઉમ્મત – અનુયાયી – પ્રજાજનના લોકો આલિમો – જાણકારો – જ્ઞાનીઓ – વિદ્વાનોથી એ રીતે ભાગશે જે રીતે બકરી ભેડિયાથી ભાગે છે-

  • અને જ્યારે આમ થશે ત્યારે અલ્લાહત્આલા તેઓને ત્રણ ચીજોથી પોતાના સંકજામાં લેશે:

1 – તેના માલમાંથી બરકત – ઉત્કર્ષ – બઢતી – સૌભાગ્ય દૂર કરી દેશે,
2 – તેના પર ઝાલિમ બાદશાહ – સત્તાધીશ – ને સ્થાપી દેશે – આરૂઢ કરી દેશે અને
3 – દુનિયામાંથી વગર ઈમાન (સચ્ચાઈ) વગર જાશે.

  • હુઝૂરે અનવર સલ.

આપણ વાંચો : મુખ્બિરે ઈસ્લામ : અલ્લાહ રહીમ-કરીમ છે જે દુશ્મનો પર પણ દયાની નજર રાખે છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button