સાબરકાંઠામાં બે યુવાનને હડફેટે લઈ ડમ્પરચાલક ભાગવા ગયો ને કૂવામાં ખાબક્યો…

પ્રાંતિજઃ સાબરકાંઠા જીલ્લામાં પ્રાંતિજ તાલુકાનાં પિલુદ્રા રોડ પર ગમખ્વાર અકસ્માતોની ઘટના વારંવાર બનતી રહે છે. અગાઉ બનેલી ઘટનામાં સ્થાનિકોએ રોષ જાહેર કરતા બે ડમ્પરમાં આગ ચાંપી દીધી હતી તો આજે (ગુરુવારે) વહેલી સવારે બનેલી ઘટનામાં સ્થાનિકોનો રોષ જોઈ ભાગવા લાગેલો ડમ્પરચાલક કૂવામાં ખાબકી ગયો હતો અને પોલીસ તેના રેસ્ક્યુની કામગીરી હાથ ધરવી પડી છે.
બાઈક પર જતા બે યુવાનના મોત
સાબરકાંઠા જીલ્લામાં ડમ્પરની અડફેટે આવતા બે યુવાનોનાં મોત થતાં ચકચાર મચી ગઈ હતી. બાઈકસવારોનાં મોત થતાં લોકોનાં ટોળેટોળા ઉમટી પડ્યાં હતા. પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સાબરકાંઠા જીલ્લામાં પ્રાંતિજ તાલુકાનાં પિલુદ્રા રોડ પર હજીરપુરા પાસે કાળમુખા ડમ્પરે અડફેટે લેતા બે બાઈક સવારના મોત નિપજ્યાં છે. બંને યુવકોના અકાળે મોતને પગલે સ્થાનિકોમાં રોષ ભરાયો છે. રોષે ભરાયેલા ટોળાનો ડમ્પર-ટ્રકોને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રોષ જોઈ અંધારામાં ભાગતો ડમ્પર ચાલક કૂવામાં પડ્યો હતો. 40 ફૂટ ઉંડા કુવામાં પડેલા ચાલકને બહાર કાઢવા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે.
અગાઉ પણ સાબરકાંઠા ના પ્રાંતિજ તાલુકાના પિલુદ્રા નજીક એક ગમખ્વાર અકસ્માત ની ઘટના બની હતી. રેતી ભરેલા ડમ્પર અને રિક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં રિક્ષાચાલક સહિત કેટલાક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને ટોળાએ પિલુદ્રા નજીક 2 ડમ્પરને આગ ચાંપી દીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષાના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા અને રિક્ષાચાલક સહિત તેમાં સવાર લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ ડમ્પરચાલક ફરાર થઈ ગયો હતો.
અકસ્માતોની ઘટનામાં વાહનચલાકોની બેજવાબદારી તો ખરી જ પણ સાથે અમુક રોડ-રસ્તાઓની ડિઝાઈન પણ જવાબદાર છે ત્યારે જો વારંવાર આ રોડ પર અકસ્માતો થતા હોય તો આ અંગે પણ તંત્રએ વિચાર કરી ઉકેલ લાવવો જોઈએ, તેમ સ્થાનિકો જણાવી રહ્યા છે.
આપણ વાંચો : 24 કલાકમાં ગુજરાતમાં અકસ્માતની વણઝાર, નવસારી, સુરેન્દ્રનગર, સુરત, અમરેલી અને મોરબીમાં અકસ્માત