૩૧મી પહેલાં રસ્તા સમથળ કરો: એડિશનલ કમિશનરનો આદેશ…
જે કૉન્ટ્રેક્ટર કામ પૂરું નહીં કરે તેને બમણી રકમનો દંડ કરી બીજા કૉન્ટ્રેક્ટર પાસે કામ કરાવવાનો નિર્દેશ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચોમાસું નજીક હોઈ મુંબઈમાં ૨૦ મેે, ૨૦૨૫ બાદ રસ્તાના કૉંક્રીટાઈઝેશનનું કોઈ પણ નવું કામ હાથ ધરવું નહીં અને ખોદી મૂકેલા રસ્તા પર ડામર નાખીને તેને સુરક્ષિત હાલતમાં લાવવાનો આદેશ કૉન્ટ્રેક્ટરને આપવામાં આવ્યો છે અને જો તે કામ કરવામાં નિષ્ફળ જાય તો બીજા કૉન્ટ્રેક્ટર પાસેથી તે કામ પૂરું કરાવી લેવુંં અને કરેલા ખર્ચની બમણી રકમ જેટલી દંડાત્મક રકમ સંબંધિત કૉન્ટ્રેક્ટર પાસેથી વસૂલ કરવાનો આદેશ પાલિકા પ્રશાસને આવ્યો છે.

મુંબઈમાં રસ્તાના કૉંક્રીટાઈઝેશનના કામ ૩૧ મે, ૨૦૨૫ની મુદત સુધી પૂરા કરવાના છે. અત્યાર સુધી સરેરાશ ૬૫ ટકા જેટલું કૉંક્રીટાઈઝેશનનું કામ પૂરું થયું છે. ૨૦મે, ૨૦૨૫થી પેવમેન્ટ ક્વોલિટી કૉંક્રીટ (ખોેદેલા રસ્તામાં સિમેન્ટ-કૉંક્રીટ નાખવુ)નું કામ બંધ કરવામાં આવ્યું છે. તેમ જ ૨૦મે બાદ કૉંક્રીટાઈઝેશનના નવા કોઈ કામ ચાલુ કરવા નહીં અને ૩૧ મે સુધીમાં રસ્તાઓને સુરક્ષિત હાલતમાં લાવવા અને જે જગ્યાએ કૉંક્રીટાઈઝેશનનું કામ અડધું થયું હોય ત્યાં ખોદી મૂકેલા રસ્તા પર ડામર નાખીને તેને સમથળ કરી નાખવાનો આદેશ પાલિકાના એડિશનલ કમિશનર અભિજિત બાંગરે આપ્યો છે.
બુધવારે અભિજિત બાંગરે કહ્યું હતું કે ચોમાસું નજીક હોઈ ખોદી મૂકેલા રસ્તાને જો ડામર નાખીને સમથળ નહીં કર્યો તો મુશ્કેલી થઈ શકે છે. તેથી સંબંધિત કૉન્ટ્રેક્ટરો ૨૫ મે સુધીમાં ડામર નાખીને રસ્તો સમથળ કરવાનો રહેશે અને અને જો તેણે આ કામ ચાલુ નહીં કર્યું તો અન્ય કૉન્ટ્રેક્ટર મારફત પ્રોજેક્ટના કૉન્ટ્રેક્ટરના જોખમે અને ખર્ચે કામ પૂરું કરવાનું રહેશે. આ કામ ૩૧ મે, ૨૦૨૫ સુધીમાં કરવાનું ફરજિયાત રહેશે. તેમ જ સાઈટને સુરક્ષિત હાલતમાં લાવવા માટે જે ખર્ચ કરવામાં આવ્યો હતો તે ખર્ચાની બમણી રકમ જેટલી દંડાત્મક રકમ સંબંધિત કૉન્ટ્રેક્ટ પાસેથી વસૂલ કરવામાં આવશે.
જે રસ્તાના કામ પૂરા થઈ ગયા છે ત્યાં વરસાદી પાણીનો નિકાલ કરનારી પાઈપલાઈનને સ્વચ્છ કરવાની રહેશે અને કૉન્ટ્રેક્ટરે પાઈપલાઈન પર ટેન્કર દ્વારા પાણી નાખીને પાણીના પ્રવાહમાં કોઈ અવરોધ નથી તે સ્ટોર્મ વોટર ડ્રેનેજ ડિપાર્ટમેન્ટના કર્મચારીની હાજરીમાં તપાસી લેવાનો આદેશ પણ અભિજિત બાંગરે આપ્યો હતો.
આ દરમ્યાન ભાજપે રસ્તાના કામ તેની નક્કી કરેલી મુદતમાં પૂરા કરવામાં કૉન્ટ્રેક્ટર નિષ્ફળ ગયા હોવાનો દાવો કરતા કહ્યું હતું કે જે કૉન્ટ્રેક્ટર કામ પૂરા કરી શક્યા નથી તેમને આકરા દંડનો સામનો કરવો પડશે.
આપણ વાંચો : ૩૧ મે સુધી નહીં થાય રસ્તાનું કામ પૂર્ણફક્ત ૬૫ ટકા જ કામ થયું છેે…